શિક્ષણ, આરોગ્ય અને જીવદયા ક્ષેત્રે સંસ્થાની પ્રવૃત્તિ પ્રેરણારૂપ : અજય પટેલ

0
38

ગૌસેવક માલધારી સમાજનું ઋણ ચુકવવા સદાય પ્રયત્નશીલ રહીશ : હિતેષ ખંડોર : નથ્થરકુઈ ખાતે માલધારી ગૌસેવા સમિતિના ઉપક્રમે આયોજીત સન્માન સમારોહમાં ‘તેરા તુજકો અર્પણ’ સંસ્થાના પ્રમુખ વ્યક્ત કરી લાગણી

ભુજ : તાલુકાના નથ્થરકુઈ ગામે સંતો, મહંતો, પ૧થી વધુ ગામના આગેવાનો, જીવદયા પ્રેમીઓ અને ૮૦ જેટલી સામાજિક અને સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં માલધારી ગૌસેવા સમિતિના ઉપક્રમે સમાજસેવક હિતેષભાઈ હિંમતલાલ ખંડોરના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંકના અજયભાઈ પટેલે સેવાકીય ક્ષેત્ર માટે બેંકના સહકારની ખાતરી આપી હતી. સમાજના લોકો અને અબોલ જીવોની ચિંતા કરવી એ કોઈ પણ જાહેર જીવનમાં રહેલા વ્યક્તિની પ્રથમ ફરજ બને છે. જીવદયા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં હિતેષભાઈ ખંડોર અને તેરા તુજકો અર્પણ સંસ્થાની ટીમ દ્વારા થતી પ્રવૃત્તિઓને તેમણે અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. આ પ્રસંગે તેમણે સમાજમાં વ્યાપક એવી મહિલાઓના હિમોગ્લોબીનની ઉણપ ક્ષેત્રે કામ કરવા તેરા તુજકો અર્પણ સંસ્થાને આહવાન કર્યું હતું. જેનો હિતેષભાઈ ખંડોરે સ્વીકાર કરી આ ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ કેમ્પોનું આયોજન થશે તેવું જણાવ્યું હતું.


તેરા તુજકો અર્પણ સંસ્થાના હિતેષ ખંડોલ પોતાના જીવનમાં સેવા પરમો ધર્મને અનુસરીને જૈન સમાજની સેવાની રીતી નીતીને અનુરૂપ કાર્યાે કરી રહ્યા છે. જાહેર જીવનમાં હોવાના નાતે લોકો અને અબોલ પશુઓની સેવા કરવા બદલ મારૂ માલધારી સમાજે જે સન્માન કર્યું છે, તેનું ઋણ ચુકવવા સદૈવ પ્રયત્નશીલ રહીશ તેવી ખાતરી ‘તેરા તુજકો અર્પણ સંસ્થાના સ્થાપક પ્રમુખ હિતેષભાઈ ખંડોરે ઉચ્ચારી હતી. સન્માનનું ઋણ સ્વીકાર કરતાં હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, ગૌમાતામાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. તેનો સૌથી મોટો સેવક માલધારી સમુદાય છે. ગૌસેવક માલધારી સમાજ દ્વારા જીવદયાની પ્રવૃત્તિ બદલ સન્માન મેળવવું એ મારા માટે ગૌરવની વાત છે. તેરા તુજકો અર્પણ સંસ્થા દુષ્કાળ હોય કે ઓછો વરસાદ થયો હોય હમેશા માલધારીઓની પડખે રહે છે.


શ્રી ખંડોલે જણાવ્યું કે, અમારી સંસ્થા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સમાજની સેવા કરવા તત્પર રહે છે. આ પ્રસંગે તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે આગળ આવવા માલધારી સમુદાયને અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે કન્યા કેળવણી માટે મહાઅભિયાન ચલાવ્યું હતું. છેલ્લા બે દાયકામાં કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે જે વિકાસ થયો છે, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શકય બન્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી ક્ષેત્રે જણાવેલી જ્યોત વધુ પ્રજવલિત બને તે માટે દરેક સમાજે સહિયારા પ્રયાસો કરવા જાેઈએ. તેમણે માલધારી સમાજને કન્યા કેળવણીનું મહત્વ સમજાવી જરૂર જણાય ત્યાં તેરા તુજકો અર્પણ સંસ્થા સહયોગી બનશે તેવી ખાતરી આપી હતી. પ૧થી વધુ ગામના માલધારી આગેવાનો, સંત સમુદાય અને સન્માન આપનાર ૮૦થી વધુ સહકારી અને સામાજિક સંંસ્થાઓ પ્રત્યે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. લોકોની સેવાને વધુ સુગમ બનાવવા માધાપર બાદ હવે તેરા તુજકો અર્પણ સંસ્થાનું કાર્યાલય ટૂંક જ સમયમાં ભુજ ખાતે શરૂ કરવાની ઘોષણા કરી હતી.

માલધારી ગૌસેવા સમિતિના કાનજીભાઈ કાપડીએ નથ્થરકુઈ ગામે આયોજીત કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ સંસ્થાઓ અને ગામેગામના માલધારી સમાજને આવકાર આપ્યો હતો. માલધારી ગૌસેવા સમિતિ દ્વારા ઉપસ્થિત સહકારી અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. અને નિમંત્રણને માન આપી કાર્યક્રમમાં પધારેલા સંતો – મહંતો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ ગૌસેવા અને સમાજ સેવા ક્ષેત્રે બેંકના સહકારની ખાતરી આપી હતી. આ પ્રસંગે માધાપર પાટ હનુમાન મંદિરના પ્રવીણભાઈ ખોખાણી, માધાપર સ્વામિનારાયણ મંદિરના દેવજીભાઈ વરસાણી, વિનોદભાઈ રબારી, મહેન્દ્રભાઈ કોલી, ધીરજભાઈ વેદાંત, સુરેશભાઈ જાેષી (નારાણપર), ભરતભાઈ ગોર (નારાણપર), હરેશભાઈ વેકરિયા, વંકાભાઈ લાખાભાઈ રબારી (મેઘપર), નાગશીભાઈ ફફલ, ગોડપરના માજી સરપંચ નારાણભાઈ વગેરે સંસ્થાના ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા હિતેષભાઈ ખંડોરનું બહુમાન કરાયું હતું. નથ્થરકુઈ ગ્રામજનો, પ૧ ગામોના માલધારી, રબારી, લઘુમતિ અને દલિત સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.