ઓઈલ ચોર ટોળકીએ ટ્રેનના એન્જીનમાંથી ૪પ૦ લીટર ડિઝલ ચોર્યું

0
37

ગંધપારખુ શ્વાન તેલાની મદદથી વાગડના ચાર ઈસમો પકડાયા : સુરજબારી સ્ટેશને ઉભી રહેતી માલગાડીમાંથી કરવામાં આવતી હતી ચોરી

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વાહનોમાંથી અને પાઈપલાઈનમાંથી અવારનવાર ઓઈલ ચોરીના મુદ્દા સામે આવે છે પરંતુ તસ્કર ટોળકીએ ટ્રેનના એન્જીનમાંથી પણ ઓઈલની ચોરી કરી હતી. જો કે રેલવે પોલીસના ગંધપારખુ શ્વાનની મદદથી વાગડના ચાર ઈસમોને પકડી લેવાયા છે. સુરજબારી સ્ટેશન પર માલસામાન ભરેલી ટ્રેનના એન્જીનમાંથી ઓઈલ ચોરી થતી હોવાની ફરિયાદના આધારે રેલવે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં ગાર્ડ, લોકો અને પાયલોટ સાથે સ્થળ તપાસણી કરાતા માલગાડીની ઇંધણની ટાંકીનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત જણાઈ આવ્યું હતું. તેમજ પાઇપ વડે ટાંકીમાંથી તેલ કાઢી ભરવામાં આવેલા ૨૦૦ લિટરના ૨ ડ્રમ મળી આવ્યા હતા. એ વખતે ટ્રેનના ડ્રાઇવરે ટોર્ચથી તપાસતા એન્જિનના છેલ્લા ફ્યુલિંગ રેકોર્ડ મુજબ, રનિંગ મીટરના આધારે ૪૫૦ મીટર ડીઝલની ચોરી થઈ હોવાનું જણાયું હતું. ત્યારબાદ ડીએસસીઆર, એડીઆઈ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકલન કરીને શ્વાનને બોલાવવામાં આવ્યા હતા. અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનોની ગંધ આવતા ટ્રેકિંગ પર, શ્વાન ઘટના સ્થળથી સુરજબારી તરફના એક ઘરની નજીક થંભી ગયો હતો. જ્યાં તપાસ કરી દરવાજો ખખડાવતા કુરબાન કરીમભાઈ (સમાવાસ સુરજબારી, અહેમદ અનવર અલી (સુરજબારી), અબ્બાસ રસૂલ અને કાસમ ઘરની બહાર આવ્યા હતા. એ સમયે ઘરમાંથી ડીઝલની ગંધ આવતાં પોલીસે આકરી પૂછપરછ કરી હતી. જેને પગલે આરોપીઓએ વટાણા વેરી નાખ્યા હતા અને ચોરીની કબૂલાત આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે, તેમણે સુરજબારી સ્ટેશન પર પાર્ક કરેલી રેલ્વે માલસામાન ટ્રેનના એન્જિનમાંથી ડીઝલની ચોરી કરી હતી. અને ચોરીને અંજામ આપતી વખતે એક કર્મચારી આવ્યો હતો. જેથી તેઓ નાસી ગયા હતા. આ ઉપરાંત લાકડીયા સ્ટેશન ખાતે ૫૦-૫૦ લીટરની બેગની પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું. હાલ પોલીસે ૨ ડ્રમ ડીઝલ, પ્લાસ્ટીકની પાઇપો, ટાંકી ખોલવા માટે વપરાતા સાધનો, લોખંડના સળિયા અને હથોડી, મોટર સાઈકલ, ઘરમાં અન્ય મોટા નાના ડ્રમ, ડબ્બાઓમાં ડીઝલ ભરેલું મળી આવ્યું હતું. આરોપીઓએ કબુલ્યું હતું તેઓ તક જોઇને ડિઝલ ચોરી કરી બાઈક મારફતે લાવી ડ્રમમાં ભરી વેચાણ કરતા હતા. આ કેસના ઉકેલ માટે ગંધપારખુ શ્વાન તેલા અને તેના હેન્ડલર સંદીપકુમારની ભૂમિકા નોંધપાત્ર રહી હતી.