નવી કંપનીને કામ અપાયું પણ બે માસ જૂના ડ્રાઈવિંગ લાયસન્સ ડિસ્પેચ ન થયા

0
45

સપ્ટેમ્બરમાં મંજુર થયેલી અરજીઓના મેસેજ પહોંચતા થયા, પોસ્ટમાં અરજી પણ ટ્રેક થઈ શકી : જુલાઈ – ઓગસ્ટની અરજીઓનું કોકડુ ગૂંચવાયેલું

ભુજ : ૧લી સપ્ટેમ્બરથી ડ્રાઈવિંગ લાયસન્સની કામગીરી સેન્ટ્રલાઈઝ કરી દેવાઈ છે. રાજયના તમામ જિલ્લાના આર.ટી.ઓ.ની ડ્રાઈવિંગ લાયસન્સની કામગીરી અમદાવાદથી થઈ રહી છે. જો કે , નવી કંપનીએ ૧લી સપ્ટેમ્બરથી મંજુર થયેલી અરજીઓની કામગીરી શરુ કરી દીધી છે જયારે જુલાઈ અને ઓગસ્ટના તૈયાર થયેલા ડ્રાઈવિંગ લાયસન્સો અરજદારોને મોકલવાની કામગીરીમાં હાથ અધ્ધર કરી દીધા છે. આમ જૂની અરજીઓના નિરાકરણનું કોકડુ ગુચવાયેલુ છે જેથી તેનું નિરાકરણ આવે તો અરજદારોને ડ્રાઈવિંગ લાયસન્સ પહોંચતા થઈ જાય.રાજયના હજારો લોકોના ડ્રાઈવિંગ લાયસન્સ અટવાઈ ગયા છે. છેલ્લા ત્રણેક માસથી કોન્ટ્રાકટ રીન્યુ ન થતા કંપની દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ ડિસ્પેચ કરાયા ન હતા અને કામગીરી પણ બંધ કરી દેવાઈ હતી. જો કે, ૧લી સપ્ટેમ્બરથી દરેક જિલ્લાની ડ્રાઈવિંગ લાયસન્સની કામગીરી અમદાવાદ ખાતે સેન્ટ્રલાઈઝ કરી દેવાઈ છે જે કંપનીએ કામગીરી પણ શરુ કરી દીધી છે. ૧લી સપ્ટેમ્બરથી શરુ થયેલી કામગીરીમાં અરજદારોને અરજી એપ્રુવલ થતા જ ત્રણ-ચાર દિવસમાં ડિસ્પેચનો મેસેજ આવી જાય છે અને પોસ્ટમાં ડ્રાઈવિંગ લાયસન્સનો પાર્સલ ટ્રેક પણ થઈ શકે છે. જો કે, ઓગસ્ટ અને જુલાઈ ડ્રાઈવિંગ લાયસન્સ પ્રિન્ટ થયેલા આર.ટી.ઓ. કચેરીમાં પડયા છે પણ તેમને પોસ્ટ કરાતા નથી. સુત્રોએ જણાવ્યું હતું કે નવી કંપનીની કામગીરી ૧લી સપ્ટેમ્બરથી શરુ થયેલી છે જેથી જૂના ડ્રાઈવિંગ લાયસન્સ ડીસ્પેચ કરવાની જવાબદારી તેની ન હોવાથી ડિસ્પેચ કરાતા નથી. આમ હવે બે-બે મહિનાથી પેન્ડિંગ રહેલા ડ્રાઈવિંગ લાયસન્સ અરજદારોને ન પહોંચતા હાલાકી ભોગવવી પડે છે. આમ જૂના ડ્રાઈવિંગ લાયસન્સ પહોંચતા કરવાનો કોકડુ ગુંચવાયેલું પડયું છે.

અમુકને ડિસ્પેચનો મેસેજ આવ્યો પણ પોસ્ટમાં ટ્રેક ન થયા

ડ્રાઈવિંગ લાયસન્સ પોસ્ટમાં ડિસ્પેચ કરવામાં આવે ત્યારે અરજદારને મોબાઈલ નંબર પર મેસેજ જતો હોય છે. અમુક અરજદારોને ડ્રાઈવિંગ લાયસન્સ ડિસ્પેચ થઈ ગયો હોવાનો મેસેજ આવ્યો હતો, જે પોસ્ટ નંબર વેબસાઈટ પર ટ્રેક કરતા કોઈ સ્ટેટસ જોવા મળતું નથી. આમ માત્ર ડિસ્પેક કરીને કચેરીએ મુકી દેવામાં આવ્યા છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.