ખનન માફિયાઓ કચ્છમાં ખાણ-ખનીજ અધિકારીને ટકવા પણ દેતા નથી

વાગડ સહિત પૂર્વ કચ્છમાં ખનીજ ચોરી પર કાર્યવાહી બાદ અંજારના ખાણ-ખનીજ અધિકારી બદલાયા : અવાર-નવાર નિમણૂકો થાય, પરંતુ કાર્યવાહીનો ધોકો ઉપડે તો અધિકારીની તરત જ બદલી :શ્રી વાળાએ પશ્ચિમ કચ્છમાં ખનીજ ચોરો ઉપર કડક પગલા લીધા હતા

અંજાર : વાગડ સહિત પૂર્વ કચ્છમાં ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેમાં અંજાર ખનીજ વિભાગના અધિકારીએ ખનન માફિયાઓ પર કાર્યવાહી કરતા જ તેમની તાત્કાલિક બદલી કરી દેવાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અવાર નવાર નિમણૂકો કરવામાં આવે છે જો અધિકારી ખનન માફિયાઓ પર ધોકો ઉપાડે તો ઉપરી અધિકારી તરત જ બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવતી હોય છે.હાલમાં રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ દ્વારા બે ખાણ-ખનીજ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમાં અંજાર ખાણ-ખનીજ વિભાગના એમ.આર.વાળાની બદલી નાયમ નિયામક (એફએસ) નિમણૂક કરાઈ છે. જ્યારે તેમને ગાંધીનગરની ખાણ-ખનીજ વિભાગમાં સિનિયર અધિકારીનો વધારાનો હવાલો સોપાયો છે. ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગના અધિકારી વિજય સુમેરાને ભુજ ખાણ-ખનિજ વિભાગમાં અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.કચ્છમાં ખાણ ખનીજ વિભાગની કચેરીઓ ઈન્ચાર્જ અધિકારીઓના હવાલે ચાલતી હોય છે. જે આધિકારીઓને ચાર્જ સોપવામાં આવે છે. ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી પર જો કાર્યવાહી કરવામાં આવે તો માત્ર થોડા દિવસોમાં તેની બદલીના આદેશો જાહેર કરવામાં આવે છે. વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા ખનન માફિયાઓ કાર્યવાહી કરનાર અધિકારીઓને ટકવા દેતા નથી. બદલી થતાની સાથે જ તે અધિકારીઓનો ચાર્જ હવાલે હોવાથી ખનન માફિયાઓને મોકડું મેદાન મળી જતું હોઈ. લાખો રૂપિયાની ખનીજ ચોરી કરી સરકારી તીજોરીઓને સરેઆમ નુકશાન પહોચાંડવામાં આવી રહ્યું છે છતાં તંત્ર કેમ ચુપ છે. આવા લોકો પર શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવા સવાલો લોકો પુછી રહ્યા છે.