મુન્દ્રાના ખાખર ગામે ટાટા પાવર કંપનીની ટાઉનશીપમાં ૧૫ મકાનોના તાળા તૂટયા

0
45
breaking pad lock

શુક્રવારે પરોઢે ત્રાટકેલા ચાર શખસો બંધ મકાનને નિશાન બનાવ્યા : બે મકાનમાંથી ૩.૮૦ લાખના દાગીના-રોકડ ઉઠાવી ગયા : અન્ય મકાનમાંથી કેટલી ઉઠાંતરી થઈ તે હજુ પરત આવ્યે બહાર આવશે

મુન્દ્રા : તાલુકાના ખાખર ગામે ટાટા પાવર કંપનીની આશીયાના ટાઉનશીપમાં અલગ અલગ મકાનોમાં નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ચાર અજાણયા ઈસમોએ બે મકાનમાંથી પોણા ચાર લાખ રુપીયાના દાગીનાની ઉઠાંતરી કરી ગયાનો બનાવ મુન્દ્રા પોલીસ મથકે નોંધાયો છે.પોલીસ મથકે પ્રિયાંક હીતેશકુમાર શાહ (રહે. આશીયાના ટાઉનશીપ ખાખર)વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ટાટા પાવર કંપનીની ટાઉનશીપમાં ચોરો ત્રાટકયા હતા. ફરિયાદી ગત ૧૭મીએ પોતાની પત્ની તથા દિકરી સાથે દુબઈ ફરવા માટે ગયા હતા. તહેવાર માણી પરત ફરી રહ્યા હતા ત્યારે ગાંધીધામ પહોંચ્યા હતા ને ટાઉનશીપમાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલનો ફોન આવ્ય્‌ હતો કે મકાનનો મેઈન દરવાજો ખુલેલો છે અને નકુચો તુટેલો દેખાય છે. ફરિયાદીએ વિડીયો કોલ કરી ચેક કરાવતા મકાનના બંને બેડરુમના કબાટ તુટેલા અને સરસામાન વિખેરાયેલો જોવા મળ્યો હતો. કબાટમાં રાખેલા સોનાનો દોઢ તોલાનો બ્રેસલેટ અને અડધા તોલાના સોનાના બે પેંડલ અને રોકડા ર૦ હજાર રુપીયા જોવા મળ્યા ન હતા. દસેક વાગ્યે સોસાયટી ખાતે ફરિયાદી પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે રાત્રે એક વાગ્યે ઘરની બહાર ચારેક અજાણયા ઈસમો જોવા મળ્યા હતા. સોસાયટીના ૧પ જેટલા મકાનમાં ચોરી થઈ હોવાનું અને નકુચા તુટેલા જોવા મળ્યા હતા. સિકયુરીટીના માણસોએ તપાસ કરતા વિનોદસિંહના મકાનમાં, શૈલેષભાઈ પટેલના મકાનમાં, નિશાંત દેશમુખ, વિરેન્દ્રસિંહ, જીગ્નેશ લાથી, ભાવીન દોશી, સમીર પટેલ, અર્પીત ઘોષ, કમલેશ દેવાંગ, પ્રવીણ વાડલા, સંતોશ શાહ, માનસ દેશમુખ, વીજય આલ ગુડકર, યોતીલાલ પ્રધાન મળી કુલ ૧પ જેટલા મકાનના દરવાજાના નકુચા તુટેલા જોવા મળ્યા હતા. અર્પીતા ઘોષે ટેલીફોનીક સંપર્ક કરતા તેના બેડરુમના કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ મળી ત્રણ લાખની ચોરી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. અન્ય રહેવાસીઓના ઘરમાં કેટલી રકમની ચોરી થઈ છે તે જણાવી શકયા નથી. આમ કોઈ ચાર ઈસમોએ પંદર જેટલા મકાનોના નકુચા તોડી ફરિયાદીનો બ્રેસલેટ કિંમત ૪૦ હજાર, બે પેેંડલ કિંમત ર૦ હજાર, ર૦ હજાર રોકડા તેમજ સાહેદ અર્પીતા ઘોષના મકાનમાંથી ત્રણ લાખના દાગીના-રોકડ મળી કુલ ૩.૮૦ લાખના દાગીના-રોકડ ચોરી ગયા હતા.