મુન્દ્રાને જુના બંદર સાથે જોડતા માર્ગ પર બ્રિજના અભાવે લોકોને હાલાકી

0
39

  • બુમરેંગ સાબિત થતો ‘ગતિશીલ ગુજરાત’નો નારો

ત્રણ વર્ષ અગાઉ વહી ગયેલા પૂલનું નિમાર્ણ કાર્ય સત્વરે શરૂ કરવા શહેર કોંગ્રેસ ની માંગ

ગાંધીધામ : સરકાર દ્વારા ગુંજતો ‘ગતિશીલ ગુજરાત’નો નારો ઔધોગિક રીતે વિકસીત મુન્દ્રાના કિસ્સામાં બુમરેગ સાબિત થયાનો આક્ષેપ શહેર કોગ્રેસે કર્યો છે. મ.મા. વિભાગ સમક્ષની રજુઆતમાં શહેર કોગ્રેસ પ્રમુખ કપિલ કેસરીયાએ જણાવ્યું હતું કે, જુના બંદરને સાંકળતા માર્ગ પર અદાણી હોસ્પિટલ પાસે આવેલો પુલ વર્ષ ૨૦૨૦ના ભારે વરસાદનાં પગલે સુરઇ નદીમાં આવેલા પાણીના પ્રચંડ પ્રવાહમાં પડી ગયાંને ત્રણ વર્ષના વ્હાણા વિતી ગયા પછી પણ સરકાર દ્વારા બ્રિજ નિર્માણના કાર્યને મંજુરી પ્રદાન કરવામાં નિષ્ફળ રહેતા અત્રેથી ડાયવર્ઝન વાટે પસાર થતા વાહન ચાલકો હાલાકી અનુભવે છે.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ત્રણ વર્ષ પૂર્વેના ભારે વરસાદમાં સુરઇ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પૂનમની મોટી ભરતીના પરત ફરતા સમંદરના પાણી ભળતાં તેની ઝીક બ્રિજ ઝીલી ન શકતાં વહી ગયો હતો. અગાઉના અનુભવને લક્ષમાં લઇ આ જગ્યાએ નાળા કામ ધરાવતા બોક્ષ કલવર્ટના સ્થાને RCC સ્ટ્રકચર ધરાવતા પૂલને અનિવાર્ય લેખાવ્યો હતો. ચાલુ વર્ષે ટકાવારીના દ્રષ્ટિકોણથી વિપુલ માત્રામાં વરસાદ નોધાયો છે. પરંતુ સદનસીબે એક સાથે ૧૫ ઈંચ જેટલો વરસાદ ખાબકયો ન હોવાની સુરઇ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ ન હતું, અન્યથા ડાયવર્ઝનનું નામોનિશાન ન રહયું હોત. આવી સ્થિતીનું સર્જન થતાં આ તમામ વિસ્તારો મુન્દ્રાથી વિખુટા પડી જાત એ વાસ્તવિકતા છે. ‘વણથંભ્યા વિકાસ‘ના દાવાને પોકળ લેખાવતા મુન્દ્રાના કિસ્સામાં મહત્વપુર્ણ માર્ગ પર આવેલા પુલના નિર્માણ માટેની નાણાંકીય ફાળવણી હાલ તુરતમાં થયા પછી જારી કરાયેલા ટેન્ડરની મંજુરી અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા ઝડપભેર પૂર્ણ કરવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માત્ર રાજય જ નહીં બલ્કે રાષ્ટ્રીય સ્તરે દેશી વહાણવટાના માધ્યમથી પ્રતિવર્ષ કરોડોની રેવેન્યુ આવક રળી આપતા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ હસ્તકના મુન્દ્રાના જુના બંદરને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. વિશેષમાં અહીં I.O.C., H.P.C.L..ના ટર્મિનલ, ઔધોગિક તાલીમ સંસ્થા અને અદાણી ગ્રુપની હજાર પરિવારના આવાસ ધરાવતી કર્મચારી વસાહત સમંદર ટાઉનશીપને જોડતો માર્ગ બહુધા ઉપયોગી મનાય છે. આમ છતાં વિતેલા ત્રણ વર્ષથી જુના બંદરને જોડતો માર્ગ ડાયવર્ઝનથી જોડાયેલો રહયો એ કડવી વાસ્તવિકતા છે. આટઆટલા લબ્ધ પ્રતિષ્ઠાનને જોડતા માર્ગની મહત્વતાને નજર સમક્ષ રાખી RCC સ્ટ્રકચર ધરાવતા પૂલને મંજુરી પ્રદાન થયા પછી નિર્માણ કાર્ય ત્વરીત શરૂ થાય તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવા પાર ભાર મૂકયો હતો. ઔધોગિક રીતે વિકસીત વિસ્તારને માર્ગ જેવી માળખાકીય સવલત પુરી ન પાડવાની સરકારની નિષ્ફળતા લાંછન સિવાય કશું નથી!! તેવું કપિલ કેસરીયા શહેર કોંગ્રેસ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.