ગુજરાતના ૬૦ વર્ષની ચૂંટણી પ્રક્રિયાના ઇતિહાસને “A Journey of Gujarat Elections” પ્રદર્શન દ્વારા રજૂ કરાયો.

0
44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર શ્રી અનુપ ચંદ્ર પાંડેની આગેવાનીમાં ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે મતદાર જાગૃતિ અંગેના “અવસર” વિષયક પ્રદર્શનને નિહાળ્યું હતું.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની “સ્વીપ” શાખા દ્વારા ગુજરાતમાં ૧૯૬૨થી અત્યાર સુધીની ચૂંટણી પ્રક્રિયાના દુર્લભ કહી શકાય એવા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફના જૂના બેલેટ બોક્ષ, પહેલાના સમયની મત ગણતરીની પ્રક્રિયા, ઊજવણી, રેલીઓ, ચૂંટણી સભાઓ અને મતદાનના ઇતિહાસને રજૂ કરતું ૯૮ ફોટા સાથેનું “A Journey of Gujarat Elections” પ્રદર્શન યોજાયું હતું.

ગુજરાતની ચૂંટણી પ્રક્રિયાના ૬૦ વર્ષના ઇતિહાસને રજૂ કરતા “A Journey of Gujarat Elections” ને મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર અને ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ખાસ સમય કાઢી, રસપૂર્વક નિહાળ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા મતદાર જાગૃતિને લગતા નવતર કાર્યક્રમો તથા મતદાર નોંધણી માટેના વિવિધ જિલ્લાના ૪૦૦ આકર્ષક ફોટોગ્રાફસ સાથેનું પ્રદર્શન પણ યોજાયું હતું.

આ અવસરે મુખ્ય કમિશનરશ્રીએ ૮૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો, ટ્રાન્સજેન્ડર મતદારોને મળીને, મતદાન કરવા માટેની તેઓની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી તેમજ તેઓના બુલંદ હોંસલાને લોકશાહીને મજબૂત કરવા માટેનો આધાર સ્તંભ ગણાવી વરિષ્ઠ મતદારોનું શાલ ઓઢાડી, સ્મૃતિપત્ર પાઠવી સન્માન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી નાટિકા તથા ગુજરાતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર એવા મતદાર જાગૃતિને આવરી લઇ નિર્મિત કરાયેલ ગીત ઉપરના ગરબા નૃત્ય નિહાળ્યું હતું.