કોરોનામાં અનાથ બાળકોની ઓળખ જાહેર ન કરવાના પરિપત્રનો ખુદ સરકારી તંત્રે જ કર્યો ભંગ

  • ‘ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શીખામણ આપે’

કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોની કોઈપણ પ્રકારે તસ્વીર કે અન્ય કોઈ માધ્યમથી ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવી નિયમ ભંગ બદલ જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી થશે તેવો પરિપત્ર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા પખવાડિયા પૂર્વે કરાયો હતો ઈસ્યુ : લોકો માટે લગાવાયેલા પ્રતિબંધ તંત્રને લાગુ ન પડતા હોય તેમ કલેક્ટર કચેરીમાં આયોજિત કાર્યક્રમમાં જ ફોટા પાડી કરાયા પ્રસિદ્ધ

ભુજ : કોરોનામાં કચ્છ સહિત રાજ્યમાં ઘણા પરિવારો વેર-વિખેર થઈ ગયા છે. ઘણા બાળકોના માતા-પિતા કોરોનામાં મોતને ભેટ્યા છે, કચ્છમાં પણ અંદાજે પ૦ જેટલા બાળકો અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. હજુ પણ લાભાર્થીઓ શોધવામાં આવી રહ્યા છે. કોરોનામાં તેઓએ પોતાના માતા-પિતા ગુમાવતા સરકારે એક સરાહનીય પગલું ભરી આવા બાળકોને માસિક ૪ હજારની સહાય આપવાનો નિર્ધાર વ્યક્ત કરી તાત્કાલિક અમલવારી શરૂ કરી છે, જે ખૂબ સારી બાબત છે, પરંતુ આવા સમયે પણ ફોટા પાડી બાળકની ઓળખ છતી કરવી તે કેટલી હદે યોગ્ય ગણાય ?
પખવાડિયા પૂર્વે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, ભુજ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જણાવાયું હતુ કે, જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ મુજબ કોરોનામાં અનાથ બનેલા કાળજી અને રક્ષણની જરૂરીયાવાળા બાળકો, કાયદાના સંપર્કમાં અને સંઘર્ષમાં આવેલ બાળકોની માહિતી વિઝયુઅલ મીડીયા અથવા અન્ય કોઇ સંચારના સ્ત્રોત કે સોશીયલ મીડીયા, ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો જેવા કે અનાથ, એક જ વાલીવાળા, નિરાધાર, વિકલાંગતા ધરાવતા, માનસિક બિમાર, બાળલગ્ન કરાયેલ, શોષિત, અસાધ્ય રોગથી પિડાતા તેમજ કોઇ ગુનાનો ભોગ બનેલ હોય અથવા નજરે જોનાર હોય, કોઇ ગુન્હો કર્યાનો આક્ષેપ હોય તેવા અથવા જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહ્યા હોય તેવા તમામ બાળકોના નામ, સરનામા, ચિત્ર, ફોટોગ્રાફ, શાળા, લખાણ કે અન્ય કોઇ વિગતો તેમજ અન્ય રીતે બાળકોની ઓળખાણ છતી કરવા ઉપર પ્રતિબંધ છે. આ કાયદાનો ભંગ કરનાર ૬ મહીના સુધીની કેદની સજા અથવા રૂા.૨,૦૦,૦૦૦ સુધીનો દંડ અથવા બન્નેની સજાને પાત્ર ઠરશે.આ તો હતું સરકારી જાહેરનામું, જેમાં ઓળખ છતી કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ લગાવાયો છે, પરંતુ બુધવારે ભુજમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રીની ઓનલાઈન ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ગિફટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટર, ધારાસભ્ય સહિતનાઓની ઉપસ્થિતિમાં કોરોનાથી અનાથ બનેલા બાળકોને ગિફટ આપવામાં આવી હતી. સરકારનો હેતુ ભલે સારો હોય, પરંતુ દરેક વખતે પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટા પડાવવા કેટલી હદે યોગ્ય ગણાય ? લોકોને એક તરફ આવા બાળકોની ઓળખ છતી ન કરવા કહેવામાં આવે છે. બીજી તરફ તંંત્ર જ પોતાના નિયમોનો છેદ ઉડાળી માત્રને માત્ર પ્રસિદ્ધિ માટે ફોટા પડાવી જાહેર માધ્યમોમાં પ્રસિદ્ધ કરે તો જુવેનાઈલ એક્ટ હેઠળ કોની સામે કાર્યવાહી કરવી તે સવાલ પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠવા પામ્યો છે. તંત્રની બદલે જો કોઈ સંસ્થા કે વ્યક્તિએ અનાથ બાળકને સહાય આપી ફોટો પડાવી પ્રસિદ્ધ કરાવ્યો હોત તો તંત્રના આ જ અધિકારી નિયમનું ફરફરિયું લઈ કાર્યવાહી માટે દોડી દોડીને ગયા હોત, પરંતુ ચિમની તળે અંધારૂં હોય તેમ તંત્રને પોતાની ભૂલ દેખાતી જ નથી. ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શીખામણ આપે તેવો તાલ સર્જાયો છે.

માસ્ક પહેર્યા હતા એટલે ઓળખ છતી નથી થઈ : બાળ સુરક્ષા અધિકારીનો લૂલો બચાવ

ભુજ : આ સમગ્ર બાબતે જે અધિકારીએ જાહેરનામું બહાર પાડી લોકોને નિયમની સમજ આપી હતી તે બાળ સુરક્ષા અધિકારી વી.બી. ડોરિયાને આ મુદ્દે પૂછતા તંત્રનો લૂલો બચાવ કરી તેમણે એવી પ્રતિક્રિયા આપી હતી કે, બાળ કલ્યાણ સમિતિ દ્વારા આવા બાળકોના હિતમાં ફોટા લેવા માટે મંજૂરી અપાતી હોય છે. આ કિસ્સામાં પણ બાળ કલ્યાણ સમિતિએ મંજૂરી આપી હતી. ઉપરથી લાભાર્થી બાળકોએ માસ્ક પહેર્યા હતા, જેથી તેમની ઓળખ છતી થઈ નથી તેવું કહ્યું હતું, પરંતુ તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કોરોનાથી અનાથ બનેલા બાળકોની ઓળખ છતી કરવા પર પ્રતિબંધ છે અને તે ગુનો પણ છે.