જનજનના આરોગ્યની સરકારે દરકાર કરી છે

0
23

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના રાજય કક્ષાનું વર્ચ્યુઅલ જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું

જિલ્લાકક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ ટાઉનહોલ ભુજ ખાતે યોજાયો : કચ્છમાં ૧.૨૦ લાખ પીવીસી આયુષ્માન કાર્ડ વિતરણ કરાશે

ભુજ : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ૫૦ લાખ આયુષ્માન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયો હતો, જે પૈકી કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ટાઉન હોલ ભુજ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક જીવનશૈલી અનુરૂપ સ્વાસ્થ્ય કેળવી તદુંરસ્ત જીવન જીવીએ તેમ છતાં પણ જાે બીમારી આવે તો સરકાર પ્રજાની પડખે ઉભી છે. આયુષ્માન કાર્ડ અને નિરામય યોજના હેઠળ જન જનના આરોગ્યની સરકારે દરકાર કરી છે. રૂ. પાંચ લાખની આરોગ્ય સેવા વિનામૂલ્ય આયુષ્માન કાર્ડથી ગંભીર અને જટિલ બીમારીથી દર્દીઓને મળે છે, જે પૈકી કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને ૧.૨૦ લાખ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાશે, જેનાથી સરકારી અને નક્કી કરેલ ખાનગી હોસ્પિટલમાં લોકો વિનામૂલ્ય ઉતમ સારવાર મેળવી શકશે.
રાજયમાં આરોગ્ય માળખુ મજબૂત બની રહ્યુ છે જે પૈકી કચ્છ આરોગ્ય ક્ષેત્રે હબ બની રહ્યું છે. સરકાર દ્વારા ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપરની પ્રજા માટે તાજેતરમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તે ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો પણ વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૬ ડાયાલિસિસ સેન્ટર અને બે કેમોથેરાપી સેન્ટર લોકાર્પણ કર્યા છે. રાજ્યની આરોગ્ય સેવાઓ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.
સ્વાગત પ્રવચનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે જણાવ્યું હતું કે ,આયુષ્માન કાર્ડથી વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખની સારવાર વિનામુલ્યે મળે છે. કચ્છ જિલ્લામાં ૯૬ સરકારી અને ૨૬ ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડનો લાભ મળે છે. આભારવિધિ કરતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર. ફુલમાલીએ જણાવ્યું હતુ કે, કચ્છ જિલ્લાના દસ તાલુકા મથકોએથી તેમજ લાભાર્થીઓના ઘરે જઈને પણ આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવનાર છે. આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત હાલ કચ્છમાં ૫૦૦થી વધુ કેન્દ્ર કાર્યરત છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લોકોની આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ સામાન્ય સારવાર માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ગાંધીનગર ખાતેથી યોજાએલા રાજય કક્ષાના વર્ચ્યુઅલ જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું તેમજ આરોગ્ય કીટ આપી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ, ફકીર મહંમદ રાયસીંગજી, જયમલભાઈ રબારી, કલેક્ટર દિલીપકુમાર રાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે. રાઠોડ, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, સિવીલ સર્જન ડૉ. કશ્યપ બુચ, નિવાસી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ખત્રી , તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ડી.કે.ગાલા, ડૉ.કેશવ કુમાર, ડૉ.વૈશાલી ડાભી, ડૉ.ઈસ્માઈલ ખત્રી તેમજ જિલ્લા અને ભુજના તબીબો, આરોગ્યકર્મીઓ આશાબેનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.