ભાજપના શાસનમાં કચ્છમાં વીજક્રાંતિનો પાયો નખાયો : ભુપેન્દ્રભાઈ પટેલ

0
34

ભુજમાં જંગી જાહેરસભાને મુખ્યમંત્રીનું જોશીલું સંબોધન : કચ્છ સહિત ગુજરાતમાં ભાજપ તરફી જનજુવાળઃકેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનો પ્રવાસ ટેકનિકલ કારણોસર રદ્દ થતાં મુખ્યમંત્રીએ સંભાળી જવાબદારી

ભુજ : ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગઈકાલે ભુજ મુલાકાત વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ થઇ હતી. જો કે અમિતભાઇ શાહના બદલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જનસભા સંબોધવા પહોંચ્યા હતા. નિર્ધારિત સમયથી ૩ કલાક મોડા પહોંચેલા મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીની ભુજ મુલાકાત પૂર્વ નિયોજીત ન હતી. ગૃહમંત્રી અમીતભાઈ શાહનો પ્રવાસ છેલ્લી ઘડીએ રદ્દ થતાં મુખ્યમંત્રીનો ભુજ પ્રવાસ અચાનક જ ગોઠવાયો હતો. ભાજપના સ્ટાર પ્રચારકને સાંભળવા આરડી વરસાણીના ગ્રાઉન્ડમાં જંગી મેદની ઉમટી હતી. ભુજની જાહેરસભામાં મુખ્યમંત્રીએ જોશીલું ભાષણ કર્યું હતું. પોતાના ભાષણમાં તેમણે અમિતભાઇ શાહની મુલાકાત રદ થવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. અને મોડા પડવા બદલ કાર્યકરો અને ટેકેદારોની ક્ષમાયાચના કરી હતી. તેમણે પોતાના ભાષણમાં વિપક્ષ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશમાં થઈ રહેલા વિકાસની વાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટીથી રીન્યુએબલ વીજ ઉત્પદાન ક્ષેત્રમાં કાંતિ આવી છે. આજે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રીન્યુએબલ વીજ ઉત્પાદનનો પ્રોજેકટ આકાર પામી રહ્યો છે. આ સોલાર આધારીત પ્રોજેકટની ક્ષમતા ૩૦ મેગા વોટ જેટલી છે. ભાજપના શાસનમાં કચ્છમાં સર્વાંગી વિકાસ થયો છે. તેમણે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર દ્વારા ચલાવાયેલી જનકલ્યાણ યોજનાઓની વાત કરી હતી. છેલ્લા ૨૭ વર્ષમાં ભાજપના સાશનમાં થયેલા વિકાસન દેશ અને દુનિયાએ નોંધ લીધી છે. ત્યારે કચ્છ અને ગુજરાતના મતદારોને ભાજપ પર પૂર્ણ વિશ્વાસ છે. આવનારી ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતિથી વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કચ્છની તમામ છ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત હોવાનો તેમણે હુંકાર કર્યો હતો.ભુજ બેઠક પર ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી. મોડી સાંજે ભુજના સભા સ્થળે આવી પહોંચેલા મુખ્યમંત્રીનું કચ્છ ભાજપના આગેવાનો દ્વારા કચ્છી પરંપરા અસાર સન્માન કરાયું હતું.તે પૂર્વે યુપીના કેબિનેટ મંત્રી સ્વતંત્રદેવસિહ, અલવરના સાંસદ મહંત બાલકદાસજી, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા વિગેરેએ જન મેદનીને સંબોધન કર્યું હતું.સમી સાંજે ફુલગુલાબી ઠંડી વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારકોના જોશીલા ભાષણે ગરમાવો લાવી દીધો હતો.
સભા સ્થળે લોકકલાકાર નિલેશ ગઢવીએ સાજીદાઓના સંગાથે લોકડાયરાની રંગત જમાવી હતી.આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, નગરપતિ ઘનશ્યામ ઠક્કર, પૂર્વ ધારાસભ્યો રમેશ મહેશ્વરી, પંકજ મહેતા, દેવનાથબાપુ, શીતલ શાહ, ભીમજી જોધાણી, રાહુલ ગોર, સાત્વિકદાન ગઢવી, ભૌમિક વચ્છરાજાની, ડો. મુકેશ ચંદે, કમલ ગઢવી, અનવર નોડે વગેરે ઉપરાંત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલા અને આભારવિધિ કાર્યકારી જિલ્લા પ્રમુખ વલમજીભાઈ હુંબલે કરી હતી.

રાજેન્દ્રસિંહ જાડેજાએ વિધિવત કેસરિયો ખેસ કર્યો ધારણ

ભુજ : વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામુ ધરી દીધું હતું. ત્યાર બાદ ઔપચારીક રીતે ભાજપમાં જોડાયાની જાહેરાત કરાઈ હતી. ત્યારે ગઈકાલે રાજેન્દ્રસિંહ જાડેજા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમને યુપીના કેબીનેટ મંત્રી અને કચ્છ પ્રભારી સ્વતંત્રદેવસિંહે ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમને શુભેચ્છા અને આશિર્વાદ આપ્યા હતા. રાજેન્દ્રસિંહ જાડેજાની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષમાં રહીને પણ લોકોના કામો કર્યા છે. ત્યારે હવે ભાજપની સાથે જોડાઈને પણ લોકકલ્યાણના કામો કરવાને પ્રાધાન્ય આપીશ.