કચ્છની છ બેઠકના પપ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ

0
110

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કચ્છની છ વિધાનસભા બેઠક પર થયું મતદાન : સવારે ૮ વાગ્યાથી કચ્છના ૧૮૬૧ મતદાન મથકો પર ચાલતું શાંતિપૂર્ણ મતદાન : ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કચ્છવાસીઓએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ : બપોરે ૧૧ વાગ્યા સુધી ૧૭.૬ર ટકા મતદાન થયું

ભુજ : કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર આજે સવારથી લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે સવારે કચ્છ જિલ્લાની છ વિધાનસભામાં બેઠકના ૧૮૬૧ મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી. કચ્છ જિલ્લાના ૧૬,૩૪,૬૭૪ નોંધાયેલા મતદારો કચ્છની છ બેઠક પર ચૂંટણીનો જંગ લડી રહેલા ૧૯ અપક્ષ સહિત પપ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બપોરે ૧૧ વાગ્યા સુધી કચ્છમાં સરેરાશ ૧૭.૬ર ટકા મતદાન થયું હતું જેમાં સૌથી વધુ અબડાસા સીટ ઉપર રપ ટકા તો સૌથી ઓછુ અંજાર સીટ ઉપર ૧૧ ટકા મતદાન થયું હતું.આજે સવારે ૮ વાગ્યે ફૂલગુલાબી ઠંડીના વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. શહેરી મતદાન મથકોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર મતદારોનો પ્રવાહ વહેલી સવારથી જ વધુ જોવા મળ્યો હતો. ખાસ કરીને મહિલા મતદારો અને પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલા યુવા મતદારોમાં મતદાન માટે ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોર થતા સુધીમાં તમામ છ વિધાનસભા બેઠક પર મતદાન ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.આ લખાઈ રહ્યું છે ત્યારે સવારે ૧૧ વાગ્યે ૧-અબડાસા વિધાનસભા બેઠક પર ર૪.૪૭ ટકા, ર-માંડવી વિધાનસભા બેઠક પર ૧૯.૯૯ ટકા, ૩-ભુજ બેઠક પર ૧૯.૯૯ ટકા, ૪-અંજાર બેઠક પર ૧૧.૩૯ ટકા, પ-ગાંધીધામ બેઠક પર ૧ર.૯૪ ટકા અને ૬-રાપર વિધાનસભા બેઠક પર ૧૮.૧૩ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.કચ્છના એક પૂરક સહિત ૧૮૬૧ મતદાન મથકો પર ર૮૩૦ બેલેટ યુનિટ, ર૪૯૯ કન્ટ્રોલ યુનિટ અને ર૭૬૧ વીવીપેટ મશીનો ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. કચ્છની છ વિધાનસભા બેઠકો પર ૧૮૬૧ મતદાન મથકો પર રીઝર્વ સહિત ૧૦,પ૦૦ ચૂંટણી ફરજ પરના સ્ટાફ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, દરેક વિધાનસભા બેઠક દીઠ સાત મતદાન મથકો પર પોલીંગ સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફ તરીકે મહિલાઓને ફરજ સોંપવામાં આવી છે. જિલ્લામાં ૪ર સખી પોલીંગ સ્ટેશન પર મહિલા સ્ટાફ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો દરેક વિધાનસભા બેઠક દીઠ એક મતદાન મથક પર પીડબલ્યુડી સ્ટાફ ફરજ બજાવે છે. દરેક બેઠક દીઠ એક મતદાન મથકને મોડેલ મતદાન મથક જાહેર કરવામાં આવ્યા છે. દરેક બેઠક દીઠ એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક પર સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ વગર જ મતદાન પ્રક્રિયા આગળ ધપી રહી છે. કચ્છના પ૩૦ જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કચ્છના તમામ મથકો પર પેટ્રોલીંગ સ્ટાફ દ્વારા પણ નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.મતદાન પ્રક્રિયા સાંજે પ વાગ્યે પૂર્ણ થશે. સાંજે પ વાગ્યા સુધી મતદાન મથક પર પહોંચનાર દરેક મતદાર મતદાન કરી શકશે. બપોર ૧૧ વાગ્યા સુધી કચ્છ જિલ્લામાં ૧૭.૬ર ટકા મતદાન નોંધાયું છે ત્યારે મતદાનના અંતિમ તબક્કામાં સાંજ સુધી મતદાન ટકાવારીનો આંક ઉંચો રહેશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

  • લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા વલમજીભાઈ હુંબલની અપીલ

ભુજ : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે યોજાઈ રહેલ પ્રથમ ચરણના મતદાનમાં કચ્છની છ એ છ વિધાનસભા બેઠકો પર જંગી મતદાન કરવા કચ્છ જિલ્લા ભાજપ કાર્યકારી અધ્યક્ષ વલ્લમજીભાઈ હુંબલે સર્વે મતદારોને અપીલ કરી હતી. શ્રી હુંબલે વિશેષમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે મતદાનના અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. પ્રત્યેક નાગરિકના મતદાન થકી જ લોકશાહીનું રક્ષણ થાય છે અને દેશનો વાસ્તવિક વિકાસ શક્ય બને છે. વલ્લમજીભાઈએ વિશેષમાં અપીલ કરતા જણાવ્યું હતું કે, ખુબ મોટી સંખ્યામાં બહેનો, માતાઓ, ભાઈઓ તેમજ સમાજના તમામ વર્ગના લોકોએ મતદાન કરવાનું છે અને વિકસિત રાષ્ટ્રના ઘડતર માટે આગેકદમ કરવાના છે. મતદાન દરમિયાન તંત્રને સહયોગ આપવાની પણ તેમણે અપીલ કરી હતી.

ચૂંટણી સભાઓમાં ભલે ન આવ્યા, મતદાન માટે તો આવો…!

કચ્છમાં ઠંડા ચૂંટણી પ્રચાર અને ફિકકો જનસભાઓ બાદ મતદારોને બુથ સુધી લઈ જવા પાર્ટી કાર્યકરોએ તાકાત લગાવી

ભુજ : વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું ગત તા.પ/૧૧ના બહાર પડ્યા બાદ જિલ્લામાં રાજકીય સળવળાટ શરૂ થયો હતો. ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અવધી તા.૧૭/૧૧ના પૂર્ણ થયા બાદ કચ્છનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું હતું. કચ્છની છ વિધાનસભા બેઠકો પર પપ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગના મંડાણ થયા હતા. દરેક બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. જોકે, અબડાસા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કરી દીધું હતું. તો બીજી તરફ અપક્ષ ઉમેદવારો નિર્ણાયક બને તેવી અબડાસા બેઠક પર ભાજપ, કોંગ્રેસ ઉપરાંત એક સબળ અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. કચ્છમાં લગભગ ત્રણ સપ્તાહ સુધી ચાલેલો ચૂંટણી પ્રચાર પ્રમાણમાં ફિક્કો રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ પાર્ટીના સ્ટાર પ્રચારકોની ગેરહાજરી વચ્ચે ચૂંટણી જંગને લઈ મતદારોનું વલણ સામાન્યતઃ ઉદાસીન રહ્યું હતું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એકલ-દોકલ અપવાદને બાદ કરતા જનસભાઓમાં પાંખી હાજરી જોવા મળી હતી. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવાની તમામ પ્રયાસો મહદઅંશે નિષ્ફળ રહ્યા હતા ત્યારે મતદાનના દિવસે મતદાન બુથ સુધી મતદારોને લઈ જવા પાર્ટી કાર્યકરોએ પોતાની પૂરી તાકાત ઝીકી દીધી છે. આજે સવારથી જ પાર્ટીના કાર્યકરો મતદાર યાદી હાથમાં લઈ મતદારોને બુથ સુધી લઈ જવાની કવાયતમાં જોતરાયા છે.

કચ્છમાં પરીવર્તનની લહેર જોવા મળી રહી છે, કોંગ્રેસ છ સીટ હાંસલ કરશે : યજુવેન્દ્રસિંહ

ભુજ : મોંઘવારીને કારણે લોકો પરીવર્તન ઈચ્છી રહ્યા છે અને આ વખતે બદલાવની લહેર જોવા મળી રહી છે જેથી કચ્છમાં પણ કોંગ્રેસ જંગી બહુમતીથી છ સીટ પર ભવ્ય વિજય હાંસલ કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ સરકારની રીતી-નીતી અને મોંઘવારીને કારણે સો કોઈ ત્રસ્ત થઈ ગયા છે અને હવે પરીવર્તન ઈચ્છી રહ્યા છે. કચ્છના મતદારોએ પણ પરીવર્તનને સાથ આપ્યો હોઈ ગત વર્ષે તો રાપર અને અબડાસા બેઠક કોંગ્રેસને મળી હતી ત્યારે આ વખતે કચ્છની છ એ છ બેઠક પર કમળ પર પંજો ભારી રહેશે તેવી આશા વ્યકત કરી હતી. મતદાનના પર્વે ખુબ મોટી સંખ્યામાં બહેનો, માતાઓ, ભાઈઓ તેમજ સમાજના તમામ વર્ગો પોતાના મતના અધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.

કચ્છના પ૩૦ સંવેદનશીલ મથકો ખાતે કડક ઝાપ્તો ગોઠવાયો

પોલીસ વડાએ વિવિધ મતદાન મથક ખાતે મુલાકાત લીધી

ભુજ : આજે વિધાનસભાની ચુંટણીનું મતદાન ચાલુ થયું છે ત્યારે કચ્છના ૧૮૬૧ બુથમાંથી સંવેદનશીલ મતદાન મથક ખાતે પોલીસ વિભાગ અને સીઆરપીએફ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. કચ્છના પ૩૦ સંવેદનશીલ મતદાન મથક ખાતે ચાપતો બંદોબસ્ત ગોઠવી કોઈ ડખો ન થાય અને મતદાન પર અસર ન પહોંચે તેની તકેદારી રાખવામં આવી રહી છે. ભુજ, રાપર, ભચાઉ, માંડવી-મુન્દ્રા અને કોઠારા, નલિયા સહિતના મથકો ખાતે ઉમેદવારો કે તેમના સમર્થકો તરફથી મતદાન કરવામાં કોઈ કાંકરીચાળો કરવામાં ન આવે તે પરીસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી હતી. ચુંટણી ફરજમાં મુકાયેલા પોલીસ કર્મચારીઓ અને પેરા મીલીટરી ફોર્સ દ્વારા ચાંપતી નજર રાખી મતદાનને અસર ન પહોંચે તે માટે તકેદારી રાખવા પ્રયાસો હાથ ધર્યા હતા. ભુજ શહેરના અમુક બુથો પર ઘર્ષણ થવાની ભિતી હતી તેવા મથકો ખાતે પોલીસ દ્વારા જરુરી બંદોબસ્ત પહેલાથી જ ગોઠવી દેવાયો હતો. આજે સવારે પશ્ચિમ કચ્છના વિવિધ મતદાન મથકો ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સીંઘ તેમજ ડીવાયએસપી અને એલસીબી, એસઓજી સહિતની ટુકડીઓ મુલાકાત લીધી હતી.

જિલ્લા કલેકટરે ભુજ ઓલફ્રેડ હાઈસ્કૂલ ખાતે મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી

ભુજ : વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન કચ્છમાં તા.૧ ડિસેમ્બરે મતદાન મથકો પર લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે ૮ વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થતાંની સાથે તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી. ભુજના ઓલફ્રેડ હાઈસ્કૂલ ખાતે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર દિલીપ રાણાએ મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. તેમજ કચ્છના મતદારોને ઉત્સાહ પૂર્વક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

કચ્છમાં ઈવીએમ-વીવીપેટ ખોટકાયાની ફરિયાદો

શરૂઆતના અડધાથી એક કલાક સુધી અમુક સ્થળોએ મતદાન અટક્યું : વહેલી સવારે જ મતદાન મથકો પર સર્જાઈ લાંબી લાઈનો : ઠેક ઠેકાણે સર્જાયા રકઝકના દ્રશ્યો

ભુજ : આજે વહેલી સવારથી કચ્છની છએ છ વિધાનસભા બેઠકોના ૧૮૬૧ મતદાન મથકો પર વોટીંગની કામગીરી ચાલી રહી છે. સવારે આઠ વાગ્યાના ટકોરે મતદાનનો પ્રારંભ થઈ ગયો હતો ત્યારે અમુક બુથો પર વીવીપેટ ખોટાકાયા તથા વીલંબીત મતદાનનો આરંભ થયો હોવાની વિગતો પણ બહાર આવવા પામી રહી છે.આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ વિધાનસભા બેઠક પર ૧૩ર નંબરના બુથ પર તેમજ પડાણામાં વીવીપેટ બગડતા તેને બદલવાની ફરજ પડી હતી, જેના લીધે મતદાન શરૂ થવામાં વિલંબ થયો હતો. તો ગામડાઓના કેટલાક બુથો પર મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થયા હોવાનો ગણગણાટ પણ ઉઠ્યો હતો.બીજીતરફ માંડવી તાલુકાના ગુંદિયાળી અને મસ્કા ગામે આજે સવારે મતદારો મતદાન માટે પહોંચ્યા ત્યારે ઈવીએમ મશીન બંધ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી તાત્કાલિક ધોરણે રિઝર્વ ઈવીએમ ઉપયોગમાં લઈ મતદાન આગળ ધપાવાયું હતું.

ખેતીની સીઝન હોવાથી ગામડાઓમાં વહેલી સવારે મતદાન માટે લાગી લાઈનો

ભુજ : કચ્છમાં આજે વહેલી સવારના ૮ વાગ્યાથી મતદાનનો આરંભ થયો હતો. પાછલા થોડા દિવસોની તુલનાએ આજે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. મતદારોએ ગરમ વસ્ત્રો પહેરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો. મતદાનનો સમય ૮ થી પ સુધી રખાયો છે. હાલે ખેતીની સીઝન ધમધોકાર ચાલી રહી હોઈ ખેડૂતો, મજૂરો સહિતનો વર્ગ વ્યસ્ત હોવાથી મતદાનના પ્રારંભથી જ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા હતા. જેના લીધે ગ્રામ્ય વિસ્તારના બુથો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આજે મતદાન હોઈ સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી એકમોમાં સવેતન રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજૂરોને દાનકી તોડવી પરવળે તેમ ન હોઈ પહેલા મતદાન અને પછી અન્ય કામની ઉક્તિને અનુસરી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હોંશભેર લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.

અંજાર શાળા નં. ૧૪ માં બુથકર્મીઓ સમય પહેલા જ જમવા બેસી જતા મતદારો અકળાયા

અંજાર : લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે કચ્છની છ બેઠકો પર સવારથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રારંભે ટકાવારી નીચી રહ્યા બાદ તડકો તપ્યા બાદ મતદારો બહાર નિકળતા મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. બુથ પર ફરજ બજાવતા કર્મીઓ માટે ચૂંટણી પંચ દ્વારા જમવા માટેનું નિયમ મુજબ સમય નિર્ધારીત કરવામાં આવતો હોય છે. તેમ છતાં અંજાર શાળા નં. ૧૪ માં તમામ બુથ કર્મીઓ એકી સાથે જ સમય પહેલા જમવા બેસી જતા મતદાન મથકે મતદારોની લાંબી કતારો લાગી હતી. લાંબા સમય સુધી વગર કારણે મતદારોને લાઈનમાં ઉભા રહેવું પડતા તેઓ અકળાઈ ઉઠયા હતા.જો કે, આ બાબતે કચ્છ જિલ્લાના કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી દીલીપ રાણાએ તાબડતોડ જ આ બાબતે સ્ટાફને કડક સુચના-નિર્દેશો આપી અને મતદાનને પૂર્વવત કરાયુ હતુ.

આંતરિયાળ બુથો પર કવરેજના ધાંધીયા : મતદાનનાં આંકડા લખાવવામાં મુશ્કેલી

ભુજ : ચૂંટણીમાં દર બે કલાકે ચૂંટણી તંત્ર દરેક મતદાન મથકો પરથી મતદાનનાં આંકડા મેળવતું હોય છે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ હોવા ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં પણ મતદાન મથકો ઉભા કરાતા હોઈ આવા વિસ્તારોમાં સામાન્યતઃ મોબાઈલ નેટવર્કની સમસ્યા રહેતી હોઈ આજે ચૂંટણીના દિવસે પણ સરકારી બાબુઓને આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ચૂંટણીપંચનાં નિયમ મુજબ દર બે કલાકે કેટલા સ્ત્રી અને કેટલા પુરૃષોએ મતદાન કર્યું તેનાં આંકડા વિધાનસભા બેઠકનું રીસીવીંગ એન્ડ ડીસ્પેચીંગ સેન્ટર પર આવતા હોય છે. મતદાનની ટકાવારી લખાવવા માટે કવરેજના અભાવે બુથ પરના કર્મીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.