ટાગોર રોડ પર બેફામ દોડતી પટેલ ટ્રાવેલ્સના ચાલકે સાઈકલ લઈને જતા યુવકને કચડી નાખ્યો

0
31

  • બાળકને ઈજાઓ થતાં જી.કે.માં ખસેડાયો : અકસ્માત સર્જયા બાદ બસ મુકીને ચાલક ફરાર : લોકો ઘટના સ્થળે એકઠા થયા

ગાંધીધામ : અહીં સતત બીજા દિવસે હાઈવે રોડ સવારના સમયે જ રકત રંજીત બનવા પામ્યો છે. ગઈકાલે ટ્રકમાં ટ્રેઈલર ઘુસી જતાં ખલાસીનું મોત થયું હતું, જયારે આજે ટાગોર રોડ પર બેફામ દોડતી પટેલ ટ્રાવેલ્સ બસના ચાલકે સાઈકલ લઈને જતા યુવકને કચડી નાખતા ઘટના સ્થળે મોત આંબી ગયું હતું, જેને પગલે લોકોમાં પણ આક્રોષ જોવા મળ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ ટાગોર રોડ પર આજે સવારે બેંકિંગ સર્કલ પાસે આ બનાવ બનવા પામ્યો હતો. ૩૦ વર્ષનો યુવક સાઈકલ લઈને જતો હતો,ત્યારે પુરપાટ આવતી પટેલ ટ્રાવેલ્સની બસે ટક્કર મારતા માથા પર બસના પૈડા ફરી વળતાં ગંભીર ઈજાઓના કારણે તેનો જીવનદિપ બુઝાઈ ગયો હતો. યુવકની સાથે સાઈકલની પાછળ બાળક બેઠો હતો. જેને ઈજાઓ થઈ હોઈ ૧૦૮ મારફતે જી.કે.માં લઈ અવાયો હતો.અકસ્માત સર્જયા બાદ પટેલ ટ્રાવેલ્સની બસનો ચાલક બસ મુકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બેફામ દોડતી બસના કારણે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ જતાં ચકચાર પ્રસરી ગઈ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.