ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવાનું સ્વપ્ન થશે સાકાર : માલતીબેન મહેશ્વરી

0
197

કચ્છના આર્થિક પાટનગરના વિકાસમાં ખૂટતી કડીઓની પૂર્તતાની ભાજપના ઉમેદવારે આપી ખાતરીઃ ગત ટર્મમાં કરેલા વિકાસ કાર્યો થકી મતદારો પુનઃવિજયી બનાવશે તેવો વ્યકત કર્યો વિશ્વાસ

ગાંધીધામ : શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવાની વાત હોય કે ગાંધીધામ સંકુલની જમીનોને ફ્રિ હોલ્ડ કરવાનો મુદ્દો હોય, ચૂંટાયેલા લોકપ્રતિનિધિ તરીકે તમામ મુદ્દાઓના સમાધાન વહેલી તકે થાય તે દિશામાં સતત પ્રયાસો કર્યા છે તેવું કચ્છઉદય સાથે વાતચીત કરતા ગાંધીધામ બેઠકના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી હાઈકમાન્ડે મને સૌથી યુવા ધારાસભ્ય તરીકે ગાંધીધામ સંકુલની જનતાની સેવા કરવાની તક આપી હતી. આ વખતે પુનઃ મારા પર વિશ્વાસ મૂકયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્ય સંગઠનના પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યકત કરૂં છું. ગત ટર્મમાં અનેકવિધ વિકાસ કામો કરવાનો અવસર મળ્યો છે. જેમાં શિણાય ડેમમાં નર્મદાના નીરનું અવતરણ, અંડરબ્રિજ અને ઓવરબ્રીજના નિર્માણ જેવા મુખ્ય કામોની સાથે આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રમાં પણ અનેક વિકાસલક્ષી કામો કર્યા છે. ત્યારે આવનાર દિવસોમાં પણ ગાંધીધામ સંકુલમાં વિકાસની ખૂટતી કડીઓની પૂર્તતા કરવી તે મારી પ્રાથમિકતા રહેશે તેવું માલતીબેન મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું.ગાંધીધામ સંકુલ રોજગારીનું હબ છે. અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો રોજગારી માટે આવીને વસ્યા છે. શહેરની વસતી સતત વધી રહી છે ત્યારે પ્રાથમિક સુવિધાઓનો સમાંતરે વિકાસ થવો અનિવાર્ય બને છે. ગત ટર્મમાં પણ તે દિશામાં કાર્યો કર્યા હતા અને આવનાર દિવસોમાં પણ શહેરની વધતી જતી જરૂરિયાતો અનુસાર બુનિયાદી સુવિધાઓમાં વિકાસ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી. મોંઘવારી મુદ્દેના પ્રશ્ને તેમણે જણાવ્યું હતું કે, ગત બે દાયકા દરમ્યાન રોજગારીની તકો અને માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે. લોકો સ્વરોજગાર મેળવી આત્મનિર્ભર બને તે દિશામાં દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. ગાંધીધામ સંકુલના મતદારોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, લોક કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહ્યો છે. આવનાર દિવસોમાં પણ વિકાસની વણઝાર વણથંભી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી મતદાન કરવા તેમણે મતદારોને અપીલ કરી હતી.