રાપરમાં કોંગ્રેસના ઉમેદવારને રક્ષણ આપવા ભાજપના ઉમેદવારે કરી માંગ

0
49

ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીઃ કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ પ્રોટેકશન આપવા કર્યો અનુરોધ

રાપર : વાગડ પંથકમાં વિધાનસભા ચૂંટણી જંગનો ગરમાવો દિનપ્રતિદિન વધી રહ્યો છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર અને આરોપ પ્રતિઆરોપનો સિલસિલો ચાલી રહ્યો છે, તેવામાં એક આશ્ચર્યજનક ઘટનાક્રમ સામે આવ્યો છે. રાપર બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસનું સંરક્ષણ આપવા માટે માંગ કરી છે.ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાપર બેઠક પર કોંગ્રેસ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના પતિ ભચુભાઈ આરેઠીયાને ઉમેદવાર બનાવ્યા છે. ગત ટર્મમાં ધારાસભ્ય તરીકે તેઓની સતત નિષ્ક્રીયતા સહિતના કારણોસર ધારાસભ્ય તરીકે તેમની કામગીરી સદતંર નિષ્ફળ રહી હતી. હાલે વિધાનસભા ચૂંટણી માટે રાપર બેઠકના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા અને ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. તેમના વિરૂધ્ધ મતવિભાગના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘણા ગામોમાં તેમનો ઘેરાવ થયાનું પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. જેથી તેમને પોલીસ પ્રોટેકશન પુરૂ પાડવા અનુરોધ કર્યો છે. રજૂઆતમાં વધુમાં વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભચુભાઈ આરેઠીયા ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયા હોવાથી ગંદી રાજનીતિ કરી કોઈ અસામાજિક તત્વો દ્વારા પોતાના પર હુમલો કરાવી ભાજપના ઉમેદવારની છબી ખરડવાનો પ્રયાસ કરી શકે છે. આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગંદી રાજનીતિ ન થાય તેવા હેતુથી ભચુભાઈ આરેઠીયાને ર૪ કલાક પોલીસ પ્રોટેકશન આપવા અને તેમની સાથે તેમના નિવાસસ્થાને અને તેમની વાડી પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ
કરી હતી.