ટી.બી. અને વ્યસનમુક્તિ અંગે કેરા હાઇસ્કુલ ખાતે પોસ્ટર સ્પર્ધા યોજાઈ

0
39

સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સૌનું વ્યસન મુક્ત હોવું જરૂરી છે. જો બાળવયથી જ યોગ્ય રીતે વ્યસનોથી થતા નુકશાન અંગેની સમજણ આપવામાં આવે તો બાળક નિર્વ્યસની બની શકે છે અને તેનાથી બાળકના સર્વાંગી વિકાસને વેગ મળે છે.

આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર – કેરા દ્વારા ટી.બી. રોગથી બચવા અને વ્યસનમુક્તિ વિષયો ઉપર શેઠ જે.પી. એન્ડ. એલ. એસ. હાઇસ્કૂલ-કેરા ખાતે પોસ્ટર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધો.૮, ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તમાકુના સેવન જેવા વ્યસનોથી થતા નુકસાન તથા ટી.બી.થી બચવા માટેના ઉપાયો અને નિર્વ્યસની બનવા અંગેના પોતાના વિચારો પોસ્ટરોમાં ચિત્રો દોરીને વ્યક્ત કર્યાં હતા.

ભુજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.કે.ગાલાના માર્ગદર્શન હેઠળ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર – કેરાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કિંજલ વડેરાએ આ ભાગ લેનાર તમામ બાળકોને કલર્સની કિટ અને કલર બોક્ષ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સૌને ટી.બી. મુક્ત ભારત બનાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનક માઢક અને જિલ્લા ટી.બી ઓફિસર ડૉ. મનોજ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લામાં ટી.બી નિર્મૂલન અને વ્યસન મુક્તિ અંગે લોકજાગૃતિ કેળવવા રેલી, સભાઓ, જૂથચર્ચા, વ્યક્તિગત મુલાકાતો તથા શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.