મોરગર ચેકપોઈન્ટથી શંકાસ્પદ કાર નિકળતા પોલીસે કર્યો હતો પીછો… : બુટલેગરની કારે ઉધામો મચાવ્યો: પોલીસ વાહનને મારી ટક્કર

0
70

નવી દુધઈમાં નાકાબંધી જાેતા બુટલેગર રીવર્સમાં ગયોને પોલીસ જીપ સાથે ક્રેટા કાર ભટકાવી : પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી : ગાંધીધામના દારૂ કેસમાં વોન્ટેડ યશોદાધામનો કુખ્યાત બુટલેગર પણ ઘવાયો : વાગડના નામચીન બુટલેગર રામા ભરવાડની કાર હોવાનું ખુલ્યું : ક્રેટા કારમાંથી દારૂ, છરી અને ધોકા મળતા અલગ અલગ ત્રણ ફરિયાદ

ગાંધીધામ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં ચેકપોસ્ટો કાર્યરત કરી દેવામાં આવી છે. ભુજ – ભચાઉ હાઈવે રોડ પર શેખપીર બાદ દુધઈ પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જયાં મોરગર નજીક નેશનલ હોટલની સામે પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવી રહ્યા હતા. તે દરમ્યાન ભુજ તરફથી સફેદ કલરની ક્રેટા કાર નંબર જી.જે.૧ર.ઈ.ઈ. ૮૧૮ર વાળી ગાડી આવતા તેને રોકવા માટે ઈશારો કરાયો હતો, પણ પોલીસને જાેઈને આ ગાડીના ચાલકે કાવો મારી પોતાની ગાડી પુર ઝડપે ભુજ તરફ ભગાવી હતી, જેથી શંકાસ્પદ ગાડી જણાતા પોલીસના જવાનોએ પણ તાત્કાલિક મોરગર ચેકપોસ્ટથી આ ક્રેટાનો પીછો કર્યો હતો. તેમજ દુધઈ પોલીસને જાણ કરતા નવી દુધઈ પાસે મહાલક્ષ્મી ટી એન્ડ રેસ્ટોરન્ટ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ક્રેટાના ચાલકને આગળ પોલીસે નાકાબંધી કરી હોવાનું જણાઈ આવતા ત્યાંથી ગાડી રીટર્ન વાળી ભચાઉ નેશનલ હાઈવે પર પુરઝડપે દોડાવી હતી. જયાં અલારખા હોટલ પાસે સામેથી આવતી સરકારી પોલીસ જીપને કાવો મારીને જાેરદાર ભટકાવી ક્રેટા કારનો ચાલક ભાગવાની ફિરાકમાં હતો. અકસ્માત થતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા જેમાં ગાડીમાં નુકશાન થવા સાથે હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ પરબતભાઈ કેરાસીયાને મુઢ ઈજાઓ અને પીએસઆઈ આર.બી. રાણાને જમણા હાથની કોણીમાં ઈજાઓ થઈ હતી. તેમજ ગાડીમાં ડ્રાઈવર સહિતના ભાગે બમ્પર, હેડલાઈટ, રેડીએટર સહિતમાં નુકશાન થવા પામ્યું હતું. અકસ્માત થતા ક્રેટા કારની એરબેગ ખુલી ગઈ જેથી અંદર બેઠેલા ઈસમને બહાર કાઢી પુછપરછ કરતા તે ભચાઉના યશોદાધામનો દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેને પુછયુું કે, મોરગર ચેકપોસ્ટ પાસે ગાડી ઉભી રાખવાનું કહેવા છતાં તે વાહન ઉભું કેમ ન રાખ્યું. ત્યારે દેવાએ કહ્યું કે, તે ગાંધીધામ બી ડિવિઝનમાં અંગ્રેજી દારૂના મોટા જથ્થામાં વોન્ટેડ આરોપી છે અને હાલે ક્રેટા ગાડીમાં દારૂની બે બોટલો અને છરી, ધોકા સહિતના હથિયારો છે. જેથી પોલીસ પકડીને કેસ કરશે તેવી બીકના મારે ગાડી ભગાવી હોવાનું કહ્યું હતું. આ વાહનની ઝડતી લેવામાં આવતા તેમાંથી ડ્રાઈવર સીટની પાછળના ભાગે કપડા ભરવાની બેગમાંથી બે બોટલો દારૂ અને ડેશબોર્ડના ખાનામાંથી છરી અને ડીકીમાંથી લાકડાનો ધોકો મળી આવ્યો હતો. આ ક્રેટા કાર પલાંસવાના રામા વજા ભરવાડની હોવાનું કબુલ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં આરોપી પણ ઘવાયો હતો. પોલીસની કાર સાથે અકસ્માત સર્જવા અને દારૂની બોટલો તેમજ હથિયારો સંદર્ભે પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ ફરિયાદ આરોપી સામે દાખલ કરવામાં આવી છે.