ભારતનગર માર્ગ પર હરિયાણાની સરકારના શંકાસ્પદ ચોખાનો જથ્થો પકડાયો

0
52

એસ.ઓ.જી.એ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધ્યો : મેઘપર બોરીચીના શખ્સનું નામ ખુલ્યું

ગાંધીધામ : શહેરના રાજવી ફાટકથી ભારતનગર માર્ગ પર એસ.ઓ.જી.ની ટુકડીએ એક શખસને ૩૭ હજારના બિલ-આધાર પુરાવા વગરના ચોખાના શંકાસ્પદ જથ્થા સાથે ઝડપી પાડયો હતો. ઈસમ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ કાળા બજાર વેચાણ પ્રતિબંધની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.એસ.ઓ.જી.ની ટુકડીએ પેટ્રોલિંગ વેળાએ ભારતનગર માર્ગ પર રામાપીરના મંદીર પાસે બોલેરો પીકઅપ જીજે ૧ર બીડબ્લ્યુ ૪૧૦૭ને રોકાવી ચેક કરાઈ હતી. બોલેરોના ઠાઠામાં ચોખા ભરેલા હોઈ તે અંગે આધાર પુરાવાની માંગણી વાહન ચાલક બીજલ વેલા મકવાણા (રબારી) કરાઈ હતી, જો કે તેણે કોઈ આધાર પુરાવા ન આપતા માલ સાથે તેને એસઓજી ઓફીસે લઈ જવાયો હતો. ગર્વમેન્ટ ઓફ હરીયાણા લખેલી અને સિક્કાવાળી ૩૬ બોરીઓ બોલેરોના ઠાઠામાંથી મળી આવતા ૩૭૮૬૦ની કિંમતના ૧૮૯૩ કિલો ચોખા જપ્ત કરી આવશ્યક ચીજવસ્તુ ધારા ૩-૪ મુજબ તેની સામે ગુનો નોંધી તેની અટક કરવામાં આવી હતી. વાહનના માલિક અંગે પુછપરછ કરતા મેઘપર બોરીચીમાં દયારામ મણીરામ ગૌતમના નામની કેફીયત આપી હતી.