રાજ્યની સાથે કચ્છની તમામ નગરપાલિકા વિસ્તારોમાં આજે એક દિવસ સ્ટ્રીટ લાઈટો બંધ રાખી કરાશે વિરોધ

0
33

પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લેવાયો નિર્ણય

ભુજ: રાજ્યની સાથે કચ્છની નગરપાલિકાના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ રાખી સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ કાર્યક્રમ આપવામાં આવશે. નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નો તથા વહીવટી સુધારણા માટે કમિશનર, અગ્રસચિવ, શહેરી વિકાસ વિભાગને તથા રાજ્ય સરકારમાં ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. માસ સીએલના કાર્યક્રમ બાદ બેઠક બોલાવીને પ્રશ્નો બાબતે નિરાકરણનું માત્ર આશ્વાસન આપવામાં આવ્યું પરંતુ નિરાકરણ ન આવ્યું. ત્યાર બાદ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય લેવાયો કે સમગ્ર રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં આજે તા. ૯-૧૦ ના તમામ ૧પ૭ નગરપાલિકાઓમાં એક દિવસ માટે રાત્રી દરમ્યાન રાજયની સ્ટ્રીટ લાઈટો બંધ કરી સમગ્ર ગુજરાતના શહેરી વિસ્તારોમાં અંધારપટ કાર્યક્રમ રાખવામાં આવશે. જે અંતર્ગત કચ્છની સાત નગરપાલિકાઓમાં પણ આ કાર્યક્રમ કરવામાં આવશે. જાે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તા. ૧પ-૧૦ થી તમામ નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સ્થગીત કરી અચોકકસ મુદ્‌તની હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી છે.