મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પાંજરાપોળો-ગૌશાળાઓ પાસેથી અરજીઓ મેળવવાનું શરૂ

0
153

પશુ દીઠ દૈનિક રૂ. 30ની નિભાવ સહાય પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા.૩૧/૦૩/૨૦૨૨ પહેલાં નોંધાયેલ સંસ્થાઓને મળવાપાત્ર થશે

ફક્ત ગાય અને ભેંસ વર્ગનાં પશુઓ માટે સહાય મળવાપાત્ર

આ યોજનાનાં  ઠરાવની જોગવાઈઓ અનુસાર મુંબઇ પબ્લિક ટ્રસ્ટ એક્ટ,૧૯૫૦ અથવા  ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૨૦૨૧ અંતર્ગત તા.૩૧/૦૩/૨૦૨૨ પહેલાં નોંધાયેલી ગૌશાળા – પાંજરાપોળ ખાતે રાખવામાં આવતાં ફક્ત ગાય અને ભેંસ વર્ગનાં પ્રાણીઓ માટે પ્રતિદિન પ્રતિ પશુ રૂl. ૩૦/- મુજબ નિભાવ સહાય મળવાપાત્ર થાય છે.અગાઉ આ યોજના હેઠળ ફક્ત પશુઓનાં પ્રમાણમાં પુરતી જમીન ધરાવતી સંસ્થાઓ જ સહાય મેળવવાપાત્ર હોવાનું ઠરાવાયેલ હતું. પરંતુ સરકારશ્રીનાં તા. ૨૭/૧૦/૨૦૨૨ વાળા ઠરાવથી આ શરત રદ કરાયેલ છે, જેથી હવે પોતાની માલિકીની જમીન ન ધરાવતી સંસ્થાઓ પણ હવે આ યોજના હેઠળ નિભાવ સહાય મેળવવા અરજી કરી શકે છે. ઠરાવની વિગતે કોઇ પણ સંસ્થાને વધુમાં વધુ ૩૦૦૦ પશુઓની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે. ૧૦૦૦ સુધીની પશુ સંસ્થા ધરાવતી સંસ્થાને સહાયની પાત્રતા ક્લેક્ટરશ્રીનાં અધ્યક્ષસ્થાને જીલ્લા કક્ષાની સમિતિ તેમજ ૧૦૦૦ થી વધુ પશુ સંખ્યા ધરાવતી સંસ્થાની પાત્રતા રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા નક્કી કરાશે.આ યોજના અંતર્ગત સહાય મેળવવા ઈચ્છુક સંસ્થાઓએ  નિયત નમુનાનાં અરજીપત્રકમાં જરૂરી તમામ વિગતો અને આધાર પુરાવાઓ સાથે જીલ્લા પંચાયત ખાતે પશુપાલન શાખાને અરજી રજુ કરવાની રહે છે. આ માટેનાં અરજીપત્રકનો નમુનો તાલુકા પશુ દવાખાના, તાલુકા મામલદાર કચેરી કે જીલ્લા પંચાયતની પશુપાલન શાખા ખાતેથી પણ મળી શકશે.કચ્છ જીલ્લામાં ગૌશાળા પાંજરાપોળ ધરાવતી અંદાજે ૧૯૦ જેટલી સંસ્થાઓ આ યોજના હેઠળ સરળતાથી અરજી કરી શકે તે માટે કોઇ માર્ગદર્શનની જરૂર હોય તો તાલુકા પશુ દવાખાનાનાં પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી અરજી કરી શકે છે. આ યોજના વ્યક્તિગત લાભાર્થીઓ માટેની ન હોઇ ગૌશાળા-પાંજરાપોળ ચલાવતી સંસ્થાઓએ જ અરજી કરવાની રહે છે.યોજના અંતર્ગત જીલ્લાની તમામ લાભ લેવા ઇચ્છુક સંસ્થાઓ તાત્કાલિક નિયત અરજી પત્રકમાં અરજી તૈયાર કરી જીલ્લા પંચાયતની  પશુપાલન શાખા ખાતે મોક્લી આપવા નાયબ પશુપાલન નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.