ધો. ૧૦- ૧ર બોર્ડની પરીક્ષા માટે શાળા અને શિક્ષકોની નોંધણી પ્રક્રિયા શરૂ

0
29

દિવાળી બાદ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવાના હોઈ તે પૂર્વે જ આ કામગીરી આટોપી લેવાશે : રજિસ્ટ્રેશનની કાર્યવાહીમાં શાળાઓ અને શિક્ષકોની વિગતો ચોકસાઈ પૂર્વક ઓનલાઈન અપડેટ કરવા તાકીદ કરાઈ

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૪ માર્ચથી લેવામાં આવનારી ધોરણ ૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે બોર્ડની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના આવેદનપત્ર ભરવામાં આવે તે પહેલા શાળા અને શિક્ષકોની ઓનલાઈન નોંધણી કરવામાં આવતી હોય છે. આજથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. પરીક્ષા બાદ ઉત્તરવહી મુલ્યાંકન માટે શિક્ષકોની જરૂરિયાત રહેતી હોવાથી દર વર્ષે પરીક્ષા પહેલા જ શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – ર૦ર૩માં ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની કાર્યવાહી દિવાળી બાદ શરૂ થશે. જો કે, આ પહેલા બોર્ડ દ્વારા સ્કૂલ રજિસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે શિક્ષક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજિયાત હોવાથી તે અંગેની કાર્યવાહી શરૂ કરાઈ છે, જેમાં સ્કૂલ રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં ચાલુ વર્ષના તમામ ધોરણના ચાલુ વર્ગોના માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા અચુક ભરવાની રહેશે. ઉપરાંત શાળાનું નામ અને સરનામાની ખરાઈ કરવાની રહેશે. જો તેમાં કોઈ સુધારો હોય તો સુધારાના ઓર્ડર સાથે બોર્ડની શાળા નિયંત્રણ શાળાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.ચાલુ વર્ષે જે શાળાઓને નવા ઈન્ડેક્ષ નંબર ફાળવવામાં આવ્યા છે, તે શાળાઓએ તેમની ક્રમિક વર્ગની અરજી સમયે જે ઈમેઈલ આઈડી ભરવામાં આવ્યું હતું, તે જ ઈમેઈલ આઈડી પર પાસવર્ડ મોકલી આપવામાં આવ્યું છે. જો મેઈલ આઈડી ભરવામાં ભુલ કરેલી હોય તો પાસવર્ડ મેળવવા માટેની રજૂઆત શાળાના લેટરપેડ પર મેઈલ કરી મોકલી આપવાની રહેશે.શિક્ષકો માટેના રજિસ્ટ્રેશનની કાર્યવાહી આવતીકાલ ૧૩મી ઓકટોબરથી શરૂ કરવામાં આવશે. આ કાર્યવાહી બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉતરવહી મુલ્યાંકનની કામગીરી માટે ખુબ જ જરૂરી હોવાથી ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. શિક્ષક રજિસ્ટ્રેશન વખતે નવા નિમણુક થયેલા શિક્ષકોનો ઉમેરો કરવાનો રહેશે. જયારે છુટા થયેલા, નિવૃત્ત થયેલા કે રાજીનામું આપી ગયેલા શિક્ષકોના નામ કમી કરવાના રહેશે. શિક્ષકોના હાલ ભણાવતા વિષય તેમજ અનુભવની વિગત, તેમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવની વિગત તથા કુલ અનુભવની વિગત ચોક્કસાઈપૂર્વક સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બોર્ડ સૂચના આપી છે. આ સમગ્ર ડેટાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચકાસણી કરવામાં આવશે.