એસ.એસ.સી. એકઝામ : કચ્છમાં ઓનલાઈન ફોર્મ ભરવાનો ધમધમાટ

0
82

ધો. ૧ર સાયન્સ બાદ હવે ધો. ૧૦ માટેની કામગીરી શરૂ : શાળાઓમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકાય તે માટે ૧૩ ડિસેમ્બર સુધી ગોઠવાઈ વ્યવસ્થા

(બ્યુરો દ્વારા)ભુજ : વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે અતિ મહત્વની એવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ ર૦ર૩ માં યોજાનારી છે. જ્યારે પરીક્ષાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ધો. ૧ર સાયન્સ બાદ હવે ધો. ૧૦ ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. સોમવારથી ધો. ૧૦ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાયેલી કામગીરી ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે.આ અંગેની વિગતો મુજબ શિક્ષકોના રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરાયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર સાયન્સના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી ૧૦ નવેમ્બરથી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ૯ ડિસેમ્બર સુધી ચાલશે. ધો. ૧ર સાયન્સની પ્રવેશ કાર્યવાહી શરૂ કરાયા બાદ હવે બોર્ડ દ્વારા ધો. ૧૦ના વિદ્યાર્થીઓ માટેની પણ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કાર્યવાહી સોમવારથી શરૂ કરી દીધી છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ ધો. ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક માસ જેટલો સમય શાળાઓને ફોર્મ ભરવા માટે મળ્યો છે.ફોર્મ ભરતી વખતે ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ પસંદ કરવામાં શાળાઓને ખાસ તકેદારી રાખવા માટે બોર્ડ દ્વારા સુચના અપાઈ છે. ધો. ૧૦ ની પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂા. ૩પપ રાખવામાં આવી છે. જો કે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તી આપવામાં આવી છે. ધો. ૧૦ તથા સંસ્કૃત પ્રથમાની વર્ષ ર૦ર૩ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન ૧૪ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી બોર્ડની વેબસાઈટ પરથી ભરાશે. ધો. ૧૦ તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના એટલે કે નિયમિત, ખાનગી, રિપીટર, ખાનગી રીપીટર તથા પૃથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે.ધો. ૧૦ ની પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂા. ૩પપ રાખવામાં આવી છે જયારે નિયમિત રિપીટર વિદ્યાર્થીની એક વિષયની ફી રૂા. ૧૩૦, બે વિષયની ફી રૂા. ૧૮પ, ત્રણ વિષયની ફી રૂા. ર૪૦ અને ત્રણ વિષય કરતા વધુ માટે રૂા. ૩૪પ ફી નક્કી કરાઈ છે. ખાનગી નિયમિત ઉમેદવારો માટે રૂા. ૭૩૦ ફી નક્કી કરવામાં આવી છે. ખાનગી રીપીટર માટે એક વિષયની ફી રૂા. ૧૩૦, બે વિષયની ફી રૂા. ૧૮પ, ત્રણ વિષયની ફી રૂા. ર૪૦ અને ત્રણ વિષય કરતા વધુ માટેની ફી રૂા. ૩૪પ રાખવામાં આવી છે.