પિંગ્લેશ્વર મહાદેવ મંદિરમાંથી ૩.૪ર લાખની તસ્કરી

ચાંદીના છત્તર, શેષનાગ, ત્રિશુળ સહિતના આભુષણો તસ્કરો તફડાવી જતાં પોલીસમાં દોડધામ : પ્રખ્યાત પિંગ્લેશ્વર મંદિરને નિશાચરોએ અભડાવતા ભાવિકોની લાગણીને પહોચી ઠેશ

નલિયા : અબડાસાના પ્રાચીન અને પ્રખ્યાત પિંગ્લેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ અભડાવતા ભાવિકોની લાગણી દુભાઈ છે. મંદિરમાં ઘુસેલા તસ્કરોએ ચાંદીના આભુષણો મળીને ૩.૪ર લાખની તસ્કરી કરતા સરહદી અબડાસામાં ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ દરિયા કિનારે આવેલા પ્રાચીન અને ખ્યાતિ પ્રાપ્ત પિંગ્લેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બાન્યો હતો. જખૌ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. શ્રી ઈશરાણીએ બનાવ અંગેની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પ્રાચિન શિવાલયને તસ્કરોએ નિશાન બનાવીને ચાંદીના છત્તરો, શેષનાગ, કળશ, ત્રિશુળ સહિતનો મુદ્દામાલ મળીને અંદાજે ૩.૪ર લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ બનાવ સ્થળે પહોંચી છે અને પંચનામુ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઈન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ મંદિરે પહોંચી ગયા હતા. અબડાસાના પ્રાચીન પિંગ્લેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરીની ઘટનાને પગલે ભાવિકોની લાગણી દુભાઈ છે. બનાવને પગલે નખત્રાણા વિભાગના ડીવાયએસપી વી.એન. યાદવ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, સરહદી કચ્છમાં ચોરી, લૂંટના બનાવોમાં ઉછાળો આવ્યો છે. કોરોના કાળમાં લોકડાઉન સહિતના નિયંત્રણોમાં આવા બનાવો વધ્યા છે જે ચિંતાજનક કહી શકાય. પોલીસ દ્વારા આવા બનાવો અટકાવવા ચુસ્ત પેટ્રોલિંગ કરાય અને બનાવો બન્યા બાદ તેનુ તરત ડિટેકશન થાય તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે. અન્યથા તો ચોર લૂંટારૂઓ કાયદાને પડકારી આવી ઘટનાઓને અંજામ આપતા રહેશે.