ભુજમાં જૂની અદાવતે થયેલી હત્યાના છ આરોપી પાલારા જેલમાં ધકેલાયા

0
43

દિવાળીની પૂર્વ સંધ્યાએ લોટસ કોલોની પાસે જુની અદાવતે કરાયો હતો હિંચકારો હુમલો

ભુજ : દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરના લોટસ કોલોની નજીક આવેલા વાલ્મીકિ નગરમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરાયો હતો. યુવક ઉપર છરી અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા દમ તોડી દીધો હતો. બી ડિવિઝન
પોલીસે સાત શખ્સો સામે હત્યાની કલમ તળે ગુનો નોંધ્યો હતો.બી ડિવિજન પોલીસે હત્યાના બનાવમાં છ આરોપીની ધરપકડ કરી પાલારા જેલ હવાલે કરી દીધા હતા. બી ડિવિઝન પોલીસ મથકે મૃતકની બહેન નંદનીબેન શેખર
રાજપુત (ઉ વર્ષ ૨૧)એ રવિ રામસુંદર આદિવાલ, અજય વીરુ રીલ, રાહુલ બાબુલાલ કંડાર, નરેન્દ્ર ઉર્ફે નંદુ ગોવિંદ ખોખર, ઉમેશ બાબુલાલ કંડાર, અજય ગોવિંદ ખોખર અને રાહુલ ચનાર (રહે. તમામ ભુજ) સામે હત્યાની કલમ તળે ફોજદારી નોંધાવી હતી. આજથી પાંચેક માસ પહેલા ભૂંડના મામલે દીપુ નામના યુવકે વિનોદ ઉપર આરટીઓ સર્કલ પાસે હુમલો કર્યો હતો જે કેસમાં હતભાગી શકતી રાજપુત પણ આરોપી હતો. જે અદાવતનું મન દુઃખ રાખીને રાત્રિના નવ વાગ્યાના આરસામાં આરોપીઓ દરગાહ પાસે ફરિયાદીના ભાઈ શક્તિ ઉપર હુમલો કર્યો હતો. મારામારીની જાણ થતા જ ફરિયાદી પોતાના ભાઈને બચાવવા માટે શક્તિની પત્ની મીના સાથે ત્યાં દોડી ગઈ હતી પણ શક્તિ જમીન પર બેહોશ હાલતમાં લોહી લુહાણ પડ્યો હતો. ફરિયાદી પોતાના ભાઈને બચાવવા પહોંચી ત્યારે રવિ અને અજયના હાથમાં છરીઓ હતી તો રાહુલના હાથમાં પંચ અને નરેન્દ્રના હાથમાં કડું હતું. હતભાગીને જમણા અને ડાબા ખભે તેમજ છાતીના બંને ભાગમાં છરીના પાંચ ઘા વાગ્યા હતા તો પંચ અને કડાની ઇજાઓને કારણે આંખ અને કપાળના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. બી ડિવિઝન પોલીસે હત્યાની કલમ તળે ગુનો નોંધી છ આરોપીઓની ધરપકડ કરી તમામને પાલારા જેલમાં ધકેલી દીધા હોવાનું પી. આઈ. કે. સી. વાઘેલાએ જણાવ્યુ હતું.