ગાંધીધામ સેકટર વન-એમાં ગુટખાના વેપારી પર SGSTની તવાઈ : તપાસથી કરચોરોમાં ફફડાટ

0
31

પ્લાસ્ટીક પેકીંગના બદલે કાગળ પેકીંગથી વેંચાણ કરવાના સરકારના આદેશો બાદ ગુટખા-તમાકુના વેપારમાં થઈ રહેલા કાળા બજારના પગલે જીએસટીની ટીમોના રડારમાં ગુટખા-તમાકુના વેપારી હોવાની ચર્ચા

ગાંધીધામ : તા. ૧ એપ્રિલથી દેશભરમાં પ્લાસ્ટીક પેકિંગમાં વેચાતા ગુટખા-તમાકુ પર પ્રતિબંધ લગાવવાના અને કાગળના પેકિંગમાં જ વેચવાના સરકારના આદેશથી છેલ્લા કેટલાંક દિવસોથી પ્લાસ્ટીક પેકિંગ ગુટખા-તમાકુના
વેપારમાં થઇ રહેલાં કાળા બજારને પગલે ગુટખા-તમાકુના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ગુટખા-તમાકુના હોલસેલના વેપારીઓ વેચાણ વેરા વિભાગના નજરે ચઢ્યા છે. જેમાંથી ગાંધીધામ સંકુલ પણ બાકાત રહેવા પામ્યુ ન હોય તેમ અહી પણ સેકટર વન એ વિસ્તારમા આવેલી ગુટખાની એક પેઢી પર સ્ટેટ જીએસટી એકમની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. શહેરના સેકટર વન એ વિસ્તારમાં ગુટખાનો વેપાર કરતી પેઢી પર રાજયના વાણિજય વેરા વિભાગની તપાસનીશ ટુકડીએ ઓંચિતી રેડ કરી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. શુક્રવાર એટલે કે ગઈકાલે બપોર શહેરના સેકટર વન એ વિસ્તારમાં આવેલી ગુટખા સલગ્ન એક પેઢીમાં જીએસટી વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા અને છાનબીન શરૂ કરી હતી. જો કે, આ અંગે અધિકારીઓએ વધુ વિગતો આપવાનો ઈન્કાર કરી દીધો હતો.પરંતુ કયાંક ને કયાંક ગુટખાની પેઢીઓમાં બિનહિસાબી વેપાર ચાલતો હોઈ તેમજ મોટા પ્રમાણમાં કરચોરી કરાતી હોવાની પણ આશંકાઓ સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે. અધિકારીઓ આ બાબતે વધુ વાત જ ન કરતા કેટલી કરચોરી પકડાઈ છે, બિનહિસાબી વ્યહવારો મળ્યા છે કે નહી? તથા દંડની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? તે સહિતના સવાલોના જવાબ નિરૂત્તર જ રહી જવા પામ્યા છે. જો કે, ગુટખાના વેપારીને ત્યા જીએસટીની ટીમ આવી હોવાની વાત જંગલમાં આગની માફક ફેલાઈ જવા પામતા અન્ય કરચોર તત્વોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.