લોરિયા ફાટક પાસે માતેલા સાંઢની જેમ દોડતા ટ્રેલરની હડફેટે સાત ભેંસના મોત

0
57

ખાવડા માર્ગે બેફામ દોડતા ઓવરલોડ ટ્રેલરો પર વહીવટી તંત્ર કયારે રોક લગાવશે

ભુજ : ખાવડા માર્ગ પર માતેલા સાંઢની જેમ ઓવરલોડ મીઠાના ટ્રેલરો સળસળાટ દોડી રહ્યા છે, મર્યાદા કરતા વધુ જથ્થો પરીવહન થતો હોવાથી ડ્રાઈવરો પાસેથી આ વાહનો કંટ્રોલ થતા નથી, જેના લીધે નાના-મોટા અકસ્માત થાય છે. લોરીયા ફાટક પાસે ટ્રેલરે ભેંસના ધણના હડફેટે લેતા સાત જેટલી ભેંસોના મોત નિપજયા હતા.કંડલાથી ખાવડા મીઠાની ગાડીઓ સળસળાટ દોડતી થઈ છે, દૈનિક એક હજાર ગાડીઓ આવ જા કરે છે. માતેલા સાંઢની જેમ બેફામ ઓવરલોડ દોડતા આ ટ્રેલરો પર જાણે વહીવટી તંત્રના ચાર હાથ હોય તેમ બેફામ દોડયા રાખે છે. ગત રાત્રીના લોરીયા ફાટક પાસે માલધારીની ભેંસોનો ધણ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સાથે સાત ભેંસો પર ટ્રેલર ફરી વળતા સાત ભેંસોના મોત નિપજયા હતા. એક સાથે સાત-સાત ભેંસોના મોત થતા માલધારી પર આભ ફાટયું હતું. ટ્રેલર ચાલક નશામાં હતો કે ભેંસો દેખાઈ નહીં તે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.

આર.ટી.ઓ. તંત્ર ઓવરલોડ બંધ કરવાની ઝુંબેશ કયારે હાથ ધરશે !

માતેલા સાંઢની જેમ ઓવરલોડ ટ્રેલરો બેફામ દોડી રહ્યા છે. ઓવરલોડ હોવાને કારણે બ્રેક લાગતા નથી જેના કારણે અકસ્માત સર્જાય છે. આમ, શેખપીરથી ભુજ સુધી વાહનોના થપ્પે થપ્પા લાગે છે ત્યારે આ વાહનો પર દંડકીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને બપોરે આર.ટી.ઓ.ની ટુકડી જાણી જોઈને આડી અવડી થઈ જાય એટલે આ વાહનો સળસળાટ ચેકપોઈન્ટ ક્રોસ કરી જાય છે. આમ, ઓવરલોડ વાહનો પર આર.ટી.ઓ. તંત્ર કયારે કાર્યવાહી કરશે તેમ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.