અંતરજાળમાં યુવકની હત્યાનો પ્રયાસ કરાતા સનસનાટી

0
48

ગાંધીધામ : અંતરજાળમાં આવેલા મોમાયનગર ઝુપડપટ્ટીમાં યુવકની હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી કાનજીભાઈ વીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરેથી ગુટખા લેવા માટે દુકાને જતા હતા, ત્યારે બાજુમાં રહેતા મહેશ ભોજા મેરિયા, સુરેશ ભોજા મેરિયા, મહેશના ફઈનો દિકરો અભુ કાટેચા, કંકુબેન ભોજાભાઈ, રેશ્માબેન મહેશભાઈ તથા એક અજાણ્યા ઈસમ આમ છ જણા ઘરની બહાર ઉભા હતા. સુરેશે કહ્યું તમે અમારા વિરૂદ્ધ અરજી દેવા માટે પોલીસમાં કેમ ગયા તેમ કહી હાથમાંથી કુહાડીનો ઘા માથામાં માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીના માતા વચ્ચે પડતાં તેમને પણ માથાના ભાગે લોખંડનો પાઈપ મરાયો હતો. પરિવારના અન્ય સભ્યોએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. આરોપીઓએ જતા જતા આજે તો બચી ગયા છો પણ હવે પતાવી નાખશું તેવી ધમકી આપી હતી, જેથી આદિપુર પોલીસમાં આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી.