અંતરજાળમાં યુવકની હત્યાનો પ્રયાસ કરાતા સનસનાટી

0
38

બન્ને પક્ષે ૧૧ આરોપીઓ સામે ફરિયાદ થયા બાદ આઠ લોકોની અટકાયત

ગાંધીધામ : અંતરજાળમાં આવેલા મોમાયનગર ઝુપડપટ્ટીમાં યુવકની હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી કાનજીભાઈ વીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરેથી ગુટખા લેવા માટે દુકાને જતા હતા, ત્યારે બાજુમાં રહેતા મહેશ ભોજા મેરિયા, સુરેશ ભોજા મેરિયા, મહેશના ફઈનો દિકરો અભુ કાટેચા, કંકુબેન ભોજાભાઈ, રેશ્માબેન મહેશભાઈ તથા એક અજાણ્યા ઈસમ આમ છ જણા ઘરની બહાર ઉભા હતા. સુરેશે કહ્યું તમે અમારા વિરૂદ્ધ અરજી દેવા માટે પોલીસમાં કેમ ગયા તેમ કહી હાથમાંથી કુહાડીનો ઘા માથામાં માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીના માતા વચ્ચે પડતાં તેમને પણ માથાના ભાગે લોખંડનો પાઈપ મરાયો હતો. પરિવારના અન્ય સભ્યોએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. આરોપીઓએ જતા જતા આજે તો બચી ગયા છો પણ હવે પતાવી નાખશું તેવી ધમકી આપી હતી, જેથી આદિપુર પોલીસમાં આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી. જેથી તમામની અટકાયત કરવામાં આવી હતી.તો બીજી તરફ મહેશભાઈ ભોજાભાઈ મેરિયાએ કાના વીરા સોલંકી, જગદીશ વીરા સોલંકી, વીરા ભલા સોલંકી, નાવીબેન વીરાભાઈ સોલંકી, ચાંદનીબેન જગદીશ સોલંકી, મંજુબેન કાનજીભાઈ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જે મુજબ આરોપીઓએ ધારિયા અને લાકડી જેવા હાથીયાર ધારણ કરી ફરિયાદીને મારી નાખવાના ઈરાદે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. જેથી નાવીબેન અને મંજુબેનની અટકાયત કરવામાં આવી હતી.