ખાવડાથી કંડલા વચ્ચે મીઠ્ઠાના ઓવરલોડ મુદ્દે આરટીઓ-પોલીસ બરાબરનો પછાડે ધોક્કો

0
50

મીઠ્ઠાવાળાઓની દાદાગીરી હદ વટાવે છે, ઓવરલોડ ટ્રેઈલરોના આડેધડ પરિવહનથી ખાવડાથી લઈ અને કંડલા સુધીના માર્ગોમાં છાશવારે સર્જાય છે ગંભીર અકસ્માતો, રોડ-રસ્તાઓનું પણ થાય છે સદંતર ધોવાણ, ભુજોડી બ્રીજ આજે પણ આવા ઓવરલોડ થકી મોટા ગાબડાઓ અને ભુવાઓની સ્થિતીમાં ચાડી ખાતી અવસ્થામાં ઉભો છે..! : મીઠ્ઠાનુ પરિવહન કરનારા અમુક ટ્રાન્સપોર્ટસ તથા કંપનીઓ ફાટીને ગઈ છે ફુલેકે

ચૂંટણીના લીધે શેખપીર પાસે ચેકપોસ્ટ ધમધમતી થતા જ કતારબદ્ધ રીતે આઠથી દસ કીમી સુધી મીઠ્ઠા ભરેલા ટ્રેઈલરોના થઈ ગયા થપ્પાં.! ચેકપોસ્ટ નહોતી તે દરમ્યાન કેટકેટલા આવા ઓવરલોડ ટ્રેઈલરો અહીથી સરકી ગયા? તેના ટેક્ષની રકમ કોણ વસુલશે?

આ મહાકાય ટ્રેઈલરના લીધે રોડ પર ચાલતા કઈક નિદોર્ષ માણસોના જીવ જઈ રહયા છે, રીતસરના યમદુત જ થાય છે પુરવાર, કોઈક તો જાગો, ઘણાના ઘર આ મહાકાય એાવરલોડ ટ્રેઈલર થકી ભાંગી રહયા છે…!

શેખપીર પાસેની ચોકપોસ્ટ શું કરે છે ? કેમ ઓવરલોડ વાહનને રોકતા નથી ?

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ છેડાઈ ગયો છે. ચૂંટણીલક્ષી કાયદાકીય કડકાઈને પગલે જ કચ્છમાં પણ ભુજ પાસે શેખપીર ચેકપોસ્ટ શરૂ થઈ જવા પામી છે અને તેની સાથે જ ખાવડા વિસ્તારથી કંડલા તરફ જઈ રહેલા મીઠ્ઠા ભરેલા ટ્રેઈલર્સના થપ્પેથપ્પા લાગી જવાની તસવીરો બહાર આવવા પામી રહી છે.આ ટ્રેઈલરો કેમ શેખપીર ચેકપોસ્ટ ઓળંગતા અટકી ગયા? એવુ તો શુ હતુ આ મીઠા ભરેલા ટ્રેઈલરમાં કે આરટીઓની ચેકપોસ્ટ પાર કરતા પહેલા જ કલાકો સુધી સાઈડમાં આ મીઠ્ઠા ભરેલા ટ્રેઈલરો રોકી દેવાની ફરજ પડી? કેમ આ ટ્રેઈલરોમાંથી મીઠ્ઠુ જયા-ત્યા આસપાસની જમીનોમાં વેરવાની ફરજ પડી ગઈ? સીધી અને સહજ વાત છે કે આરટીઓ ઉભા હોય અને ટ્રેઈલરવાળા ક્રોસ કરતા ગભરાય એટલે મોટરીંગ નિયમોનો છડેચોક ભંગ કર્યો છે તેઓએ એવુ તો નિશ્ચિંત જ બની જાય છે. બીજા શબ્દોમા કહીએ તો આ મીઠ્ઠાના વાહનોવાળા એટલે કે ટ્રાન્સપોર્ટ વાળા તથા મીઠાવાળી આ કંપનીઓ ખુબ જ માથાભારે બની ગઈ હોય તેવો આતંક મચાવી રહી છે અને મોટાપાયે ઓવરલોડ પરીવહન કરી અને સરકારની તિજોરીને મોટો ફટકો પાડી અને તે રકમ ખુદના નફામાં ઉતારી રહી હોય તેમ આડેધડ મીઠ્ઠા ભરેલા ટ્‌્રેઈલરો દીવસ-રાત ધમધમાવી રહયા છે.રોડ-રસ્તાઓ પર આ ટ્રેઈલર ચલાવનારાઓનો આતંક જ હોય તેમ અન્ય મોટરીંગ પબ્લીક પણ પરેશાન બની જવા પામી ગઈ છે. મીઠાના ઓવરલોડ વાળા ટ્રેઈલર એટલી હદે ફુલ ભરે છે કે, ડ્રાયવર તેને કાબુ પણ કરી શકતા નથી અને મોટા ગંભીર અકસ્માતો પણ તેના લીધે સતત સર્જાતા હોવાની ફરીયાદ પણ રૂટીન બની જવા પામી ગઈ છે. હકીકતમાં હાલમાં તો ચૂંટણીલક્ષી કડકાઈ દેખાઈ રહી છે અને એટલા માત્રથી જ શેખપીરથી લઈ અને ભુજ એરપોર્ટ રોડ સુધી ટ્રેઈલરોની લાઈનો લાગી ગઈ છે, જો આ કાર્યવાહી પોલીસ અને આરટીઓ બન્ને સાથે મળી અને રૂટીન બનાવે તો કેટલી બધી તગડી આરટીઓટેક્ષની ચોરીઓ અહીથી પકડાવવા પામી શકે તેમ છે. હકીકતમાં પોલીસતંત્ર અને આરટીઓ આ બાબતે સંયુકત રીતે તવાઈ બોલાવી જોઈએ. જો એમ થશે તો ખાવડાથી લઈ અને કંડલા સુધીના માર્ગ અકસ્માતોમાં ઘટાડો આવશે, રોડ-રસ્તાઓની હાલત ખરાબ થતી બચી શકશે અને સરકારની તિજોરીમાં ટેક્ષ પેટે મોટી રકમ જમા થવા પામી શકશે તેમ છે. હવે જોવાનુ રહ્યુ કે, પોલીસ અને આરટીઓ આ દુષણને કાયમી રીતે ડામવાની દીશામાં કડકાઈ દાખવશે ખરૂ..?