સરકારે કચ્છના બોક્સાઈટ અને ખનિજચોર કંપનીઓનો રિપોર્ટ મંગાવતા હડકંપ

0
41

ચૂંટણી પૂર્વે બેનામીધંધાઓ કરનારાઓને સાણસામાં લેવા એકશનની ચાલતી તજવીજ : સ્થાનીક ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની દિવાળી બગડવાની ભીતિ : સરકારી તિજોરીની કરોડોનું ચુનો ચોપડતા મોટા માથાઓના પગ તળે આવશે રેલો : તાજેતરમાં જ પ૪ કરોડની બોકસાઈટ અને પ.૪ કરોડની રેતી ચોરી આવી હતી પ્રકાશમાં : ખનીજ ચોરી કરતા રાજકીય અગ્રણીઓનું રીપોર્ટ પણ રાજ્ય સરકાર મગાવતા કેટલાકના પગ નિચે રેલો આવ્યો….

(બ્યુરો દ્વારા)ભુજ : વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં બોકસાઈટ અને ખનિજ ચોરી સાથે સંકળાયેલા શખ્સો અને કંપનીઓના રીપોર્ટ સરકારે મંગાવતા હડકંપ મચી ગયો છે. તાજેતરમાં મોડસરની પ૪ કરોડની બોકસાઈટ અને કુનરીયાની પ.૪ કરોડની રેતીચોરી પ્રકાશમાં આવી હતી. તેમજ નાની મોટી અનેક ખનિજ ચોરીઓ પકડાય છે ત્યારે સરકાર ચૂંટણી પૂર્વે બેનામી ધંધો કરનારાઓને સાણસામાં લેવા એકશન મોડમાં આવી ગઈ છે. હાલમાં રાજ્ય સરકાર ખનીજ ચોરી કરતા રાજકીય આગેવાનો નામો પણ મંગાવતા કેટલાકના પગ નીચે રેલો આવ્યો હતો.કચ્છ જિલ્લામાં કુદરતી અખૂટ ભંડારનો ખનીજ તત્વો આવેલા છે તેવા સંજોગોમાં કચ્છ જિલ્લાના પેટાળમાંથી ખાસ કરી કોલસો, રેતી, ચાઈનાકલે, બેન્ટોનાઈટ, બોકસાઈટ, સફેદ માટી જેવી કુદરતી ખનીજ તત્વો મળી આવે છે. જિલ્લાની ખનિજ સંપદાઓ પર ખનિજ માફિયાઓએ મલીન ડોળો નાખ્યો હોઈ બેફામ ખનિજ ચોરી થઈ રહી છે. જિલ્લામાં અન્ય ખનિજોની તુલનાએ રેતી, ચાઈનાકલે, બ્લેક ટ્રેપ, બોકસાઈટ અને બેન્ટોનાઈટનું કારસ્તાન વ્યાપક પ્રમાણમાં છે. જુદા જુદા વિસ્તારોમાંથી દૈનિક સેંકડો ગાડીઓ મારફતેે ગેરકાયદે ખનિજનું વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે પરિવહન કરવામાં આવે છે. ખનિજ તંત્રના બે જિલ્લામાં વિભાજન બાદ પેટ્રોલીંગ તો કરાય છે પણ અમુક કિસ્સાઓમાં મીઠીનજર રાખવામાં આવે છે, જેના કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ધુંબો લાગે છે. બીજીતરફ ફલાઈંગ સ્કવોડ અને સ્ટેટ મોનીટરીંગ સેલની બીકથી પણ સ્થાનીક ખનિજ તંત્ર ચોકનો રહે છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ખાણ ખનિજ કરતા પોલીસની ટીમ દ્વારા વધુ ખનિજ ચોરી પકડાય છે. પોલીસ ગાડીઓ અને જથ્થો પકડીને ખનિજ તંત્રને આપે ત્યારે માપણી અને દંડની કાર્યવાહી કરવામાં આવે છે. હવે વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને સરકાર તરફથી આવા ખનિજ માફિયાઓની કુંડળી મંગાવાતા ભ્રષ્ટ અધિકારીઓ અને તત્ત્વોમાં સોપો પડી ગયો છે. રીપોર્ટમાં અનેક સફેદ જબ્બા લેંગાધારીઓના નામ પણ સામેલ હોવાથી અનેકના પગ નીચે રેલો આવે તેવી શકયતા.