ગાંધીધામમાં રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી રહેંશી નખાયો : આરોપી જબ્બે

કાર્ગો વિસ્તારમાં રીક્ષા આડે ઊભા રહી આરોપીએ મુછોને તાવ આપી કરી હતી ગાળાગાળી : રીક્ષા ચાલક ૩૦ વર્ષિય યુવાનને વચ્ચેથી હટી જવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે પેટના ભાગે છરી ભોકી હત્યાને આપ્યો અંજામ

ગાંધીધામ : શહેરના કાર્ગો વિસ્તારમાં રીક્ષા ચાલક યુવાનને છરી ભોકી મોતને ઘાટ ઉતારવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હત્યા નિપજાવનાર યુવાનને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. રીક્ષા વચ્ચે ઊભા રહીને મુછોને તાવ દઈ ગાળાગાળી કરનાર આરોપીને ચાલકે બાજુએ ખસી જવાનો કહેતા ઉશ્કેરાયેલા શખ્સે છરી ઝીંકી રીક્ષા ચાલકનું ઢીમ ઢાળી દીધું હતું.પ્રાપ્ત વિગતો મુજબ હત્યાના ચકચારી બનાવ અંગે કાર્ગો વિસ્તારમાં બાપા સિતારામનગરમાં રહેતા ગણપતભાઈ કાંતિભાઈ બારોટે આરોપી જયેશ ચમનભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના મોટા ભાઈ રાજુ બારોટ (ઉ.વ. ૩૦) નામનો યુવાન પોતાના ઘેરથી જીજે૧ર-બીટી-ર૯૮૦ નંબરની રીક્ષા લઈને નીકળ્યો હતો. ત્યારે માર્ગમાં આરોપી જયેશ ચમનભાઈ પરમારે રીક્ષા રોકાવી સામે ઊભો રહી ગયો હતો. અને મુછોને તાવ દઈ ભુંડી ગાળો આપીને ઝઘડો કર્યો હતો. રીક્ષા ચાલક રાજુએ તેને વચ્ચેથી ખસી જવાનું કહેતા ઉસ્કેરાયેલા આરોપીએ છરી કાઢી હતભાગી રાજુને પેટના ભાગે ભોંકી દીધી હતી. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ રાઉન્ડ અપ કરી લીધો હતો. બનાવ અંગે બી-ડિવિઝન પીઆઈ એસ.એસ. દેસાઈએ આગળની તપાસ હાથ ધરી છે.