• સાચાનો થયો મરો…. ખોટાને લીલા લહેર..!

બસ દોડાવવા માટે આરટીઓમાં ટેકસ ભરવો પડે : ધંધા ન હોવા છતાં ટેકસ ભરવાનું આવતા અનેક સંચાલકોએ બસો વેચી સરકારને ટેકસ ભર્યો : જો કે જે ધંધાર્થીઓ તંત્રને સાચવે છે તેવા લોકોએ બેરોકટોક ટેકસ ભર્યા વીના વાહનો દોડાવી છુટછાટનો લીધો લાભ : ભુજ, મુન્દ્રા અને ભચાઉમાં “મીત” કરી ગયા “રાજ” જેવો તાલ સર્જાયો છે….

(બ્યુરો દ્વારા)ભુજ : આજકાલ દરેક ઉદ્યોગમાં હરીફાઈ વધી ગઈ છે. જો કે, હરીફાઈની વચ્ચે વર્ચસ્વ ટકાવવાની આ દોડમાં કેટલાય માંધાતાઓ હાંફી જતા રેસમાંથી આઉટ થઈ ગયા છે. જો કે, બેઈમાનીનો સીક્કો આજે પણ રેસમાં અગ્ર હરોળમાં દોડી રહ્યો છે. કચ્છના ટ્રાવેલ્સ ઉદ્યોગમાં પણ આવી જ સ્થિતિ છે. કારણ કે, સાચાનો મરો થયો અને ખોટાને લીલા લહેરની જેમ ટ્રાવેલ્સ ઉદ્યોગના ધંધાર્થીઓમાં તંત્રની ધૃતરાષ્ટ્ર નીતિના પગલે ‘એકને ગોળ બીજાને ખોળ’ જેવી સ્થિતિ ઉભી થઈ છે.આ અંગેની વિગતો મુજબ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. સમયાંતરે સરકાર નિયંત્રણો લગાવી બસોના પૈડા પંકચર કરી નાખ્યા છે. પરિણામે પ્રવાસી ન મળવાથી આ ઉદ્યોગ હવે વર્ષો જુની બસોની જેમ હાંફી ગયો છે. સામાન્ય રીતે બસો દોડાવવી હોય તો આરટીઓમાં ટેકસ ભરવો પડે. જો કે, ધંધા ન હોવાથી ઘણા સંચાલકોએ પોતાની બસો નોન યુઝ અને ઓફ રોડ હોવાનું દર્શાવી ટેકસ ભરણામાંથી આંશીક રાહત મેળવી છે. જો કે સુકા ભેગું લીલું બળે તેમ જે લોકોએ પોતાની સર્વિસ ચાલુ રાખી હતી, તેવા સંચાલકોએ પોતાની બસ નોન યુઝ અને ઓફ હોવાનું દર્શાવી સરકારની આંશિક રાહતનો લાભ મેળવી લીધો છે.જિલ્લામાં અમુક ટ્રાવેલ્સ બસો ત્રણ થી ચાર વર્ષના ટેકસ ભર્યા વગર દોડી રહી છે. આરટીઓ અને પોલીસ ચેકપોસ્ટમાંથી આવી બસો પસાર થાય તો પણ કોઈ કામગીરી કરાતી નથી, કારણ છે વહીવટ. સંચાલકોનો ઉપરી અધિકારીઓ સાથે વહીવટ થઈ જતા ટેકસ ન ભર્યો હોય તો પણ કોઈ કાર્યવાહી થતી નથી. પરિણામે સરકારને ચુનો ચોપડાય છે. તંત્રની આવી નીતિના કારણે જે સાચા ધંધાર્થીઓ છે તેઓએ ટેકસ ભરવા માટે પોતાના વાહનો વેચી નાખ્યા અને બીજી તરફ વર્ષોથી ટેકસ બાકી હોય તેવા વાહનો આજે પણ વટથી દોડે છે.કોરોના કાળમાં પણ ઘણી બસો ફેકટરીઓ અને કંપનીઓમાં દોડતી હતી, જેમાં ખાવડા, મુંદરા, ભુજ, અબડાસા, લખપત, ગાંધીધામ, અંજાર, ભચાઉ સહિતના પટ્ટામાં દોડતી કેટલીક બસોની સર્વિસ ઓન રોડ હોવા છતાં ટેકસ ન ભરવો પડે તે માટે ઓફ રોડ અને નોન યુઝ હોવાનું સરકારી ચોપડે બતાવી દેવાયું છે. આ કારસ્તાનમાં સ્થાનિક અધિકારીઓ પણ પલળેલા છે. ટેકસ ભર્યા વગર દોડતી બસો અકસ્માત સર્જે તો અન્યો માટે મુશ્કેલી સાબિત થાય છે. ભેદભાવના બદલે આરટીઓ તંત્ર તટસ્થ કામગીરી કરે તે જરૂરી છે.