રાપરના કાનાણીવાંઢમાં મહિલાને રહેંસી, ઝુપડી સળગાવી દેવાઈ

0
32

  • કાયદાના ધજાગરા : જમીનની અદાવતમાં પરિણીતાની ઘાતકી હત્યા

છ થી સાત શખ્સોનું ટોળું પતિને મારવા માટે આવ્યું પણ પત્નિ વચ્ચે પડતા ઢીમ ઢાળી દેવાયું : બાલાસર પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ, પંચનામા સાથે ફરિયાદ નોંધવાની ચાલતી તજવીજ : દિવાળીના તહેવારો ટાંકણે બે દિવસમાં હત્યાનો બીજો બનાવ

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)રાપર : તાલુકો હત્યાના ચકચારી બનાવ માટે રાજ્યભરમાં કુખ્યાત છે. અગાઉ પીપરાળા ચેકપોસ્ટ હોય કે પછી સુરબાવાંઢ કાંડ પણ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી, ત્યારે ગઈકાલે રાત્રે દસ વાગ્યાના અરસામાં કાનાણીવાંઢ ગામે જમીનની અદાવતમાં છ થી સાત જણનું ટોળું પતિને મારવા આવ્યું અને પત્નિ વચ્ચે પડતા તેને રહેંસી નખાઈ હતી. બાદમાં તેને ઝુપડીની અંદર રાખી ઝુપડીને સળગાવી દેવાતા હાહાકાર મચી ગયો છે. બાલાસર પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી જઈ ફરિયાદ, પંચનામાની તજવીજ હાથ ધરી હતી.જાણવા મળેલી પ્રાથમિક વિગતો મુજબ રાપર તાલુકાના કાનાણીવાંઢ ગામે ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જમીનના મુદ્દે ગામમાં બે પક્ષો વચ્ચે છેલ્લા થોડા સમયથી અદાવત ચાલી રહી હતી. દરમ્યાન છ થી સાત વ્યક્તિઓ જમીનના મુદ્દાને લઈને કાંટો કાઢવા માટે દિલીપભાઈને મારવા માટે ધસી આવ્યા હતા અને બોલાચાલી ઉગ્ર બની હતી. પતિ દિલીપને આ શખ્સો માર મારી રહ્યા હતા ત્યારે પત્નિ ગોમતીબેન કોલી છોડાવવા માટે વચ્ચે પડયા હતા. જો કે, રોષે ભરાયેલા આ શખ્સોએ ગોમતીબેનને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થતા તેને ઝુપડીમાં ઢસળી જઈ બાદમાં તેને આગ ચાંપી દેવાતા ઝુપડી ભળભળ સળગી ઉઠી હતી. જેના કારણે ગામમાં હો હા મચી ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી બાલાસર પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવ બાબતે બાલાસર પીએસઆઈ શ્રી ખાચરથી વાત કરતા તેમણે જણાવ્યું કે, કાનાણીવાંઢ ગામે ગત રાત્રે ૧૦ વાગ્યે બનેલા બનાવમાં મહિલાની હત્યા થઈ છે. હાલમાં ફરિયાદ અને પંચનામાની તજવીજ ચાલી રહી છે. ફરિયાદ બાદ બનાવ કયા કારણોસર અને કેવા સંજોગોમાં બન્યો તે સહિતની વિગતો સપાટી પર આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ મુંદરા તાલુકાના ઝરપરા ગામે મિત્રએ જ પૈસા બાબતે મિત્રને રહેંસી નાખી તેના પરથી છોટા હાથી ચડાવી દઈ મોત નિપજાવી દીધું હતું. જે ઘટનાને હજુ બે દિવસ પણ નથી ત્યાં જિલ્લામાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. તહેવારના સપરમાં દિવસોમાં વધી રહેલા ગુના ખોરીના પ્રમાણે પોલીસ તંત્રને દોડતી કરી દીધી છે.