બેઝ ઓઈલના ગોરખ ધંધામાં પુરવઠા અને જીએસટીની કામગીરી સામે સવાલ

પોલીસ દ્વારા દરોડા પડાયા બાદની કાર્યવાહીમાં પણ ઢીલી નીતિ : પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે જથ્થાની ગુણવત્તા કેમ ચકાસાતી નથી : બિલીંગથી થતા ગેરકાયેસરના વેપલામાં જીએસટી દ્વારા કેમ કોઈ કાર્યવાહી નહીં

જીએસટી તપાસ કરાવે કે બેઝ ઓઈલનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરે છે…? તેના બીલોનો ક્રોસ વેરીફીકેશન કરે તો આ કૌભાંડમાં આયાતકાર સંકજામાં આવી જાય


ભુજ : સરહદી કચ્છમાં બેઝ ઓઈલના ગોરખ ધંધાઓ વ્યાપક પ્રમાણમાં ફૂલ્યા-ફાલ્યા છે ત્યારે ગેરકાયદેસરની આવી પ્રવૃત્તિઓને ડામવામાં પુરવઠા તંત્ર અને જીએસટીની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા દરોડા પાડીને જથ્થો ઝડપી પડાય છે, પરંતુ ત્યારબાદ પુરવઠા વિભાગ અને જીએસટીની કામગીરીમાં ઢીલી નીતિ અપનાવતી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.આ અંગેની વિગતે વાત કરીએ તો પોલીસ દ્વારા અવાર-નવાર દરોડા પાડીને બેઝ ઓઈલને ઝડપી પાડવામાં આવે છે. પોલીસની પ્રાથમિક કામગીરી સરાહનીય કહી શકાય, પરંતુ જથ્થો ઝડપાયા બાદ તેમાં કોઈ પણ પ્રકારે મૂળ સુધી પહોંચી શકાતું નથી. બેઝ ઓઈલ અને બાયો ડીઝલના વેંચાણમાં અનેક નિયમો છે જેની પૂર્તતા નહીં થવાના કારણે અનેક બાયો ડીઝલ પંપ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે. તેમ છતાં પુરવઠા તંત્ર કે જીએસટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ગેરકાયદેસરનો જથ્થો ક્યાંથી આવે છે. કોની પોસેથી મંગાવીને કોને તેનું વેંચાણ કરાય છે તે સહિતની તપાસ આગળ વધતી જ નથી. બાયો ડીઝલ કે બેઝ ઓઈલનું વેચાણ આમ તો કાયદેસર જીએસટી નંબરનો બીલ પર થતું હોય છે તો વગરબીલે કે બીલીંગથી પણ કેમ ગેરરીતિ આચરાય તે પ્રશ્ન છે. બેઝ ઓઈલ મોટા ભાગે ટ્રાન્સપોર્ટ વપરાશ કરી રહ્યા છે જ્યારે ઈન્ડસ્ટ્રીઝ વપરાશનો ઈધણ છે તો શું જીએસટી તંત્રને આ વાતની ખબર નહી પડતી હોય કે જેના નામે કોઈ ઈન્ડસ્ટ્રીઝ નથી તો બેઝ એાઈલ ક્યાંં વપરાઈ રહ્યો છે. જીએસટી તંત્ર માત્ર આયાત થયેલા બેઝ ઓઈલ કોને કોને લીધે તે ચેક કરે તો કરોડો રૂપીયાનો કૌભાંડ બહાર આવે તેમ છે.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દરેક કિસ્સામાં નવી-નવી ગેરરીતિઓ જોવા મળે છે. જેમાં બીલ સહિતના આધાર પૂરાવા હોય, પરંતુ બાયો ડીઝલની ગુણવત્તા હલકી હોય છે. જે ફોરેન્સીક તપાસમાં સામે આવ્યા બાદ ગુનો નોંધાતો હોય છે જો હલકી ગુણવત્તાનું બાયો ડીઝલ માર્કેટમાં વેંચાતું હોય તો પુરવઠા તંત્ર શું કરી રહ્યું છે. ઘણી વખત બીલીંગમાં કે જીએસટી નંબરોમાં જોલમાલ થતી હોય તો જીએસટી વિભાગ શું કરે છે. તેવા સવાલો સહેજે ઉઠી રહ્યા છે. બેઝ ઓઈલની વાત કરીએ તો બેઝ ઓઈલનો વપરાસ મૂળભૂત રીતે ઈન્ડસ્ટ્રીયલ યૂઝ માટે થતો હોય છે, પરંતુ તેનું પણ ગેરકાયદેસર વેંચાણ થતું હોય છે. તેવામાં પુરવઠા, પોલીસ અને જીએસટી વિભાગ સંકલન પૂર્વક કામગીરી કરીને કચ્છમાં વ્યાપ્ત આ પ્રકારની ગેરકાયેસરની પ્રવૃત્તિ પર લગામ લગાવે તે અતિ જરૂરી છે.