સૈન્યિના વસ્ત્રોે કે અન્ય ચીજવસ્તુંઓનું બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

0
23

જિલ્‍લામાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્‍ય તથા અન્‍ય સશસ્‍ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્‍ત્રો ધારણ કરી અસામાજિક તત્‍વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ થવાનો સંભવ રહે છે. જેના કારણે રાષ્‍ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૧૪૦,૧૭૦ અને ૧૭૧માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલ છે. આ બાબત સુરક્ષાના પરીપ્રેક્ષ્‍યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્‍ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્‍ય ચીજવસ્‍તુઓ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સીઆરપીસી) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ-૧૪૪ અન્‍વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવ્‍યું છે કે, જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ વિસ્‍તારમાં કોઇપણ દુકાનોમાં કે કોઇપણ વ્‍યકિતએ સશસ્‍ત્ર દળોનો ગણવેશ કે તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓનું બિનઅધિકૃત રીતે વેચાણ કરવું નહીં કે ઉપયોગ કરવો નહીં.

આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૨૩/૧૧/૨૦૨૨થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.