અંજારમાં મહાવીજ વિક્ષેપ : સમગ્ર શહેરમાં વીજ પુરવઠો ઠપ્પ થતા દેકારો

0
27

પેનલમાં ક્ષતિ સર્જાતા સવારથી વીજળી બની વેરણ : કલાકો સુધી વીજળી ગુલ રહેતા વેપાર, ધંધાની સાથોસાથ સરકારી કચેરીઓની કામગીરી થઈ પ્રભાવિત : વૃદ્ધો તેમજ દર્દીઓ પણ મુકાયા હાલાકીમાં : યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલ તંત્ર કામે લાગ્યું

(બ્યુરો દ્વારા)અંજાર : પાછલા દિવસો દરમ્યાન જિલ્લામાં વરસેલા સચરાચર વરસાદ બાદ વીજ સમસ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે. જિલ્લા મથક ભુજ હોય કે, અન્ય શહેરો કે ગ્રામ્ય વિસ્તાર. દરરોજ કયાંકને કયાંક વીજ સમસ્યા જોવા જ મળતી હોય છે. તે વચ્ચે આજે જિલ્લાના ઐતિહાસિક શહેર એવા અંજારમાં મહાવીજ વિક્ષેપ સર્જાતા સમગ્ર શહેરમાં વીજ પુરવઠો કલાકો સુધી ઠપ્પ થતા દેકારો મચી ગયો છે.આ અંગેની વિગતો મુજબ અંજાર શહેરમાં આજે સવારના ૮.૩૦ વાગ્યાના અરસામાં શહેરભરમાં વીજળી એકાએક ગુલ થઈ હતી. સવારના પહોરમાં વેરણ બનેલી વીજળી બપોર સુધી પુનઃ સ્થાપીત ન થતા વેપાર, ધંધાની સાથોસાથ સરકારી કચેરીઓની કામગીરી પ્રભાવિત થઈ હતી. અસહ્ય બફારા – ઉકળાટ વચ્ચે વીજ પુરવઠો ઠપ્પ થતા વૃદ્ધો, ર્દીઓ પણ હાલાકીમાં મુકાયા હતા. સરકારી કચેરીમાં વિવિધ કામસર આવેલા સ્થાનીક તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને ધરમધક્કો ખાવાની નોબત આવી હતી. હાલના આધુનિક યુગમાં મોટા ભાગની કામગીરી યંત્રો આધારીત હોઈ આ યંત્રોને સંચાલન કરવા માટે વીજ પુરવઠાની તાતી જરૂરીયાત રહેતી હોય છે ત્યારે ચાલુ દિવસે શહેર ભરમાં કલાકો સુધી વીજ પુરવઠો ઠપ્પ થતા જાણે સમગ્ર શહેર બાનમાં આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.આ બાબતે પશ્ચિમ કચ્છ પીજીવીસીએલના મુખ્ય ઈજનેરે શ્રી ઝાલાવાડિયાએ કચ્છઉદયને વિગતો આપતા જણાવ્યું કે, પેનલમાં ક્ષતિ સર્જાતા આજે સવારથી અંજારમાં વીજ સમસ્યા સર્જાઈ હતી. સમસ્યાના નિરાકરણ માટે પીજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઈ ગયા છે, જેમ બને તેમ વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.