રાજકીય પક્ષો દ્વારા અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની તડજાેડ શરૂ

0
48

વિરોધીઓના મત તોડી શકે તેવા સક્ષમ ઉમેદવારોને ઉભા રખાવાની શરૂ થઈ કવાયત : ફોર્મ ભરવાના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે તેવી વકી

ભુજ : કચ્છ જિલ્લાની ૬ વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં શુક્રવાર સુધી રપ જેટલા ઉમેદવારી પત્રકો રજૂ થયા છે. મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. હવે અપક્ષ ઉમેદવારોને ઉભા રાખવા તડજાેડ શરૂ થશે. રાજકીય પક્ષોના રણીનીતિકારો તમામ જાતિ સમીકરણો ચકાસી રહ્યા છે. તમામ સમીકરણોનું વિશ્લેષણ કરી વિરોધી પાર્ટીના મત કાપી શકે તેવા અપક્ષ ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવાની રણનીતિઓ ઘડાઈ રહી છે. શનિવાર અને રવિવારે જાહેર રજા હોવાથી આગામી સોમવારે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર રજૂ થશે તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી હોઇ અને રસાકસીભર્યો માહોલ હોવાથી એકબીજાના ઉમેદવારોને હરાવવા માટે એટીચોડીનું જાેર લગાડતા હોય છે. જેમાં જાતિવાદી સમીકરણો પણ કામ કરતા હોય છે. ખાસ કરીને ઉમેદવારોને જયાં મતો મળી શકે તેમ નથી કે પછી હરીફ ઉમેદવારોના મતો તોડવા માટે અપક્ષ ઉમેદવારો ને અંદરખાને ઉભા રાખતા હોય છે. ઘણીવાર ઉમેદવારોનું આ સમીકરણ જીતવા માટે પણ કામ કરતુ હોય છે. ભાજપના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર થયું હોવાથી હવે તમામ પક્ષો અપક્ષોને ઉભા રાખવા માટેની તડજાેડ શરૂ કરશે, તો બીજી તરફ ભાજપ પણ વિરોધી પાર્ટીના વોટ કાપી શકે તેવા સક્ષમ અપક્ષ ઉમેદવારોને શોધી તેમના નામાંકન દાખલ કરાવશે. હવે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર સોમવાર જ બાકી રહ્યો છે, તેથી છેલ્લા દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતરશે.