ગાંધીધામના ખન્ના માર્કેટમાં પોલીસ ત્રાટકી : દેશી દારૂ બનાવવા માટે વપરાતો ૩૦ હજાર કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો

0
48

ત્રણ અલગ અલગ ગોડાઉનમાં એ-ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહીમાં ૯.૧૪ લાખનો ગોળ સિઝ કરાયો : ગોળના નમૂના તપાસ માટે રાજકોટ એફએસએલ લેબોરેટરીમાં મોકલાયા :ચૂંટણી પૂર્વે દેશી દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર ફરી વળ્યું પાણી

ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં બેફામપણે દેશીદારૂ વેચાતો હોવાની ફરિયાદ છે અને દેશી દારૂ બનાવવા માટે અખાદ્ય ગોળનો ઉપયોગ થતો હોય છે ત્યારે પોલીસે સપાટો બોલાવીને અલગ અલગ સ્થળોએથી ૩૦,૪૭૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હાલ આ જથ્થો ગોડાઉનમાં સિઝ કરવામાં આવ્યો છે.
એ-ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે, વોર્ડ નં.૧ર/બીમાં ખન્ના માર્કેટ ખાતે આવેલી હિતેશ ટ્રેડિંગ નામની પેઢીના ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો રાખેલો છે જે જથ્થો દેશી દારૂના ધંધાર્થીઓ દારૂ બનાવવા માટે લઈ જાય છે. જેથી એ-ડિવિઝન પોલીસે ગોડાઉનના રેડ કરતા કબજેદાર માલિક ઉમેશભાઈ નાનજીભાઈ દામા હાજર મળી આવતા તેને સાથે રાખીને તપાસ કરતા એક ખુણામાંથી ૧૦ કિલોની ક્ષમતાવાળી એક એવી ૭પ૦ ગોળની ભીલીઓ મળી આવી હતી તો બીજા ખુણામાંથી ૧૦ કિલોની ક્ષમતાવાળી વધુ ૭૧પ ભીલીઓ જોવા મળી હતી. મુદ્દામાલ બાબતે તપાસ કરતા ૭,પ૦૦ કિલો ગોળની ભીલીઓ અગાઉ એ-ડિવિઝન પોલીસે ગત તા.૧૮/પના સિઝ કરી રાખી હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ વધુ ૭,૧પ૦ કિલો ગોળ કિંમત રૂા.ર,૧૪,પ૦૦ નો મુદ્દામાલ હાજર મળ્યો હોઈ તેના સેમ્પલ તપાસ અર્થે કબજે કરી રાજકોટ એફએસએલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ મુદ્દામાલ સુરક્ષીત રાખવા માટે ગોડાઉન માલિકને તાકીદ કરાઈ હતી.
તો બીજો દરોડો ખન્ના માર્કેટમાં જલદેવ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં પાડવામાં આવ્યો હતો. ગોડાઉનના માલિક ચિંતન નટવરભાઈ ભદ્રાને સાથે રાખી ગોડાઉનમાંરહેલા અખાદ્ય ગોળની ગણતરી કરતા ૧૦ કિલોની ક્ષમતાવાળી ૧પપ૩ ભીલીઓમાં ૧પ,પ૩૦ કિલો અખાદ્ય ગોળ હાજર મળ્યો હતો. જેની કિંમત ૪,૬પ,૯૦૦ આંકવામાં આવી છે. જ્યાં સુધી રાજકોટ એફએસએલમાંથી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ મુદ્દામાલ ગોડાઉનમાં રાખવા માટે માલિકને તાકીદ કરવામાં આવી હતી.
જ્યારે ત્રીજો દરોડો ખન્ના માર્કેટમાં જ શક્તિ ટ્રેડર્સ ગોડાઉનમાં શોપ નં.૦પ મા પાડવામાં આવ્યો હતો. જ્યાં ગોડાઉનના માલિક હિતેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાને સાથે રાખી તપાસ કરતા ગોડાઉનમાંથી ૭,૭૯૦ કિલો અખાદ્ય ગોળ કિંમત રૂા. ર,૩૩,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પણ તપાસ માટે રાજકોટ મોકલી જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગોડાઉનમાં માલ સુરક્ષીત રાખવા અને વેચાણ ન કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

એક ગોડાઉનમાં તો બીજીવાર માલ પકડાયો

ખન્ના માર્કેટમાં હિતેશ ટ્રેડિંગ નામના ગોડાઉનમાં ગત ૧૮/પના એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને ૭,પ૦૦ કિલો ગોળ સિઝ કર્યો હતો. તેમ છતા આ ગોડાઉનમાં દેશી દારૂ બનાવવા માટે અખાદ્ય ગોળનું વેચાણ પ્રવૃત્તિ ફરી શરૂ કરાતા પોલીસે પાડેલા દરોડામાં વધુ ૭,૧પ૦ કિલો ગોળ ઝડપી લેવાયો હતો.

પોલીસ સ્ટેશનમાં માલ રાખવા જગ્યા જ નથી

એ-ડિવિઝન પોલીસે ત્રણ ગોડાઉનમાં કરેલી કાર્યવાહીમાં ૩૦,૪૭૦ કિલો ગોળ ઝડપી લેવાયો હતો. આ ગોળ અખાદ્ય હોઈ ગોડાઉનમાંથી ઉપડી શકે તેમ નથી. તેમજ આટલી મોટી માત્રામાં પોલીસ સ્ટેશન ખાતે ગોળ રાખવાની જગ્યા પણ નથી. જેથી હાલ આ મુદ્દામાલ ગોડાઉન માલિકની જવાબદારીએ તેના જ ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે.

વરસામેડીમાંથી પણ ર૬,૪ર૦ કિલો ગોળ પકડાયો

આ તરફ એસઓજીની ટીમે અંજાર તાલુકાના વરસામેડી ગામે ઓકટ્રોય નાકા પાસે આવેલા ગોડાઉન પૈકી સામજીભાઈ ગોવિંદભાઈ ઝરૂના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો. આ સ્થળેથી કુલ ર૬,૪ર૦ કિલો અખાદ્ય ગોળ કિંમત રૂા.૭,૩૯,૭૬૦નો મુદ્દામાલ મળી આવ્યો છે. તેમજ ઈલેકટ્રીક વજન કાંટો પણ કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસમાં જાણવા જોગ દાખલ કરી ગોળના સેમ્પલ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.