રાજકીય પક્ષો સામે ભભૂકતો જનાક્રોષ :: મોરબી દુર્ઘટનામાં ‘મગરમચ્છો’ને છાવરવા ચૂંટણીફંડનો પડદો !

0
63

ગોઝારી દુર્ઘટનામાં મુખ્ય જવાબદારોના બદલે નાના કર્મચારીઓ વિરૂદ્ધ જ નોંધાઈ ફરિયાદ : મુખ્ય આરોપીઓને છાવરવા બચાવપક્ષના વકિલ જેવી વાહિયાત દલિલો કરતા રાજકીય દલાલો : મોટા ચૂંટણી ફંડ ધરી પોતાને કાયદાથી ઉપર સમજતા માલેતુજારોને નથી કોઈ કાર્યવાહીનો ભય  : જવાબદાર મોટામાથાઓ વિરૂદ્ધ પગલાં ન લેવાય તો ભભૂકશે જનાક્રોષ : પ્રબુદ્ધ નાગરિકોનો મત

ભુજ : મોરબીની ગોઝારી પુલ દુર્ઘટના બાદ ગુજરાત સહિત દેશભરમાંથી ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. જયાં એકતરફ સેંકડો નિર્દોષ લોકોના મોતથી દેશમાં ભારે ગમગીની છવાઈ છે. તો બીજીતરફ દુર્ઘટના બાદ રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પ્રમુખ રાજકીય પક્ષો દુર્ઘટનામાં રાજકીય લાભ ખાટી લેવાની બેશરમ હરકતો પર ઉતરી આવ્યા છે.

મોરબી દુર્ઘટના માટે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં મુખ્ય જવાબદારોના બદલે નાના કર્મચારીઓનો ભોગ લેવાયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જાણકાર વર્ગ કહે છે કે, સમગ્ર ઘટનામાં મુખ્યત્વે જવાબદાર ગણી શકાય તેવા મોટામાથાઓને છાવરવામાં આવ્યા છે. અમુક રાજકીય દલાલો મોટામાથાઓના બચાવ પક્ષના વકિલ જેવી વાહિયાત દલિલો કરી રહ્યા છે. પ્રબુદ્ધ નાગરિકો કહે છે કે, ચૂંટણી ફંડનો સમગ્ર ખેલ છે. મુખ્ય રાજકીય પક્ષો મોટા ઉદ્યોગગૃહો પાસેથી ચૂંટણીફંડના નામે મોટી રકમો વસુલતા રહે છે. ત્યારે જયારે આવી કોઈ ઘટના બને ત્યારે માલેતુજારો પોતાને કાયદાથી ઉપર ગણી નિર્ભય બની ફરતા રહે છે.

મોરબીની દુર્ઘટના બાદ પણ કંઈક આવું જ રંધાઈ રહ્યાની ચકચાર શરૂ થઈ છે. આ ગોઝારી દુર્ઘટનામાં સરકારી તંત્ર અને ઓરેવા ગ્રુપ પણ સમાન જવાબદાર છે. દુર્ઘટના બાદ મોરબીના ચીફ ઓફિસરે જ કહ્યું હતું કે, પુલ નગરપાલિકા તંત્રની જાણ બહાર જ શરૂ કરી દેવાયો હતો અને જરૂરી ફિટનેશ પ્રમાણપત્ર પણ લેવાયું નથી. આવો નબળો બચાવ જ સરકારી તંત્રની લાપરવાહી દર્શાવે છે. પુલનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા ગ્રુપ અને મેન્ટેનન્સના કોન્ટ્રાકટરો પણ પોતાની જવાબદારીથી છટકી ન શકે, પરંતુ દુર્ભાગ્યપૂૅર્ણ કહી શકાય કે, કોઈ પણ મુખ્ય જવાબદાર સામે કોઈ જ પગલાં લેવાયા નથી. દુર્ઘટનાની તપાસ માટે સમિતિ રચી દઈ સરકારે સંતોષ માની લીધો છે. ત્યારે રાજ્ય ભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં મુખ્ય જવાબદારો વિરૂદ્ધ કડક પગલાં લેવા અને પોતાને કાયદાની પકડથી દૂર ગણાતા મુખ્ય જવાબદારોને કાયદાનું ભાન કરાવવા માંગ પ્રબળ બની રહી છે.

ચીનના કાચના પુલની સજ્જતાના માપદંડ

ચીનના શિજીયાજુઆંગ શહેરમાં જમીનથી ર૮૮ મીટરની ઉંચાઈ પર ર મીટર પહોળો, ૭૦ હજાર કિલોગ્રામ વજનનો કાચનો પુલ આવેલો છે, જેની ક્ષમતા ર૦૦૦ લોકોની છે. તેમ છતાં ત્યાંની સરકારે એકસમયે માત્ર પ૦૦ લોકો જ પુલ પર રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.

પુલના ઉદ્દઘાટન પૂર્વે જનતાની સુરક્ષા માટે અલગ અલગ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. ચીન સરકારને જયારે જાણવા મળ્યું કે, કાચના પુલ પરથી પસાર થતાં લોકોને ભય લાગી રહ્યો છે. ત્યારે સરકારે જનતાની હાજરીમાં સરકારી કર્મચારીઓ, એન્જિનીયરોને બોલાવી પુલ પરથી ભારે વજનવાળા વાહનો પસાર કરવામાં આવ્યા હતા. જે તે સમયે કર્મચારીઓ અને ઈજનેરોને પુલની ક્ષમતા પર વિશ્વાસ હોવા છતાં એક ભય પણ હતો કારણ કે, તેઓ જાણતા હતા કે, જાે કોઈ નુકસાન થયું તો તેમને મૃત્યુંદંડ કે આજીવન કેદની સજા પાકી છે. કાયદાના ડરનું આ પરિણામ છે. જયારે કાયદાની બીક લોકોમાંથી જતી રહે ત્યારે મોરબી જેવી દુર્ઘટનાઓ બનતી હોય છે. ભારતનું દુભાગ્ય છે કે અહીં દરેક રાજકીય પક્ષો, ઉદ્યોગજૂથો અને વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં ચૂંટણીફંડ ઉઘરાવતા હોય છે. જેના વળતરરૂપે તેઓનું ખોટું કરવાનો પરવાનો મળી જાય છે. આવી ઘટના સમયે રાજકીય દલિલો જનતાનો દ્રોહ કરી માલેતુજારોને બચાવવાનું કામ કરે છે.