વાગડની જનતા કોંગ્રેસની તરફેણમાં જ રહેશે : ભચુભાઈ આરેઠીયા

0
64

ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરાયો લોકસંપર્કઃ લોદ્રાણીમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો કોંગ્રેસમાં જોડાયા : વાગડ પંથકમાં કોંગ્રેસના ઉમેદવારને મળતો આવકાર

રાપર : કચ્છના પ્રવેશદ્વાર સમાન વાગડ પંથકના મતદારો હંમેશા કોંગ્રેસની તરફેણમાં જ રહ્યા છે. વાગડ પંથક કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ રાપરની બેઠક પર કોંગ્રેસ જંગી બહુમતીથી વિજયી થવા અગ્રેસર છે તેવું વાગડના ગ્રામીણ વિસ્તારોમાં પોતાના લોકસંપર્ક કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે મુંબઈ સ્થિત વાગડવાસીઓ સાથે બેઠક યોજી હવે રાપર અને ભચાઉ પંથકમાં ચૂંટણી પ્રચાર વેગવાન બનાવ્યો છે. વાગડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ તરફી જનજુવાળ જોવા મળી રહ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ નંદાસર, શાણપર, રવ મોટી, રવ નાની, રવેચીનગર, ડાવરી, કાનણીવાંઢ, ખારસરાવાંઢ, લાકડાવાંઢ, દેશલપર, રામદેવનગર, બાલાસર, ગઢડા, માનાણીવાંઢ, વેરસરા, લોદ્રાણી, નાગપુર, એકતાનગર, શિરાણીવાંઢ, જોધરાઈવાંઢ વગેરે વિસ્તારોમાં લોકસંપર્ક કર્યો હતો. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરસભાઓને સંબોધન પણ કર્યું હતું. તેમણે મતદારોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ સાથે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. પ્રવાસમાં સાથે જોડાયેલા કોંગ્રેસના આગેવાનોએ મતદારોને ભચુભાઈ આરેઠીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.આ પ્રસંગે લોદ્રાણી ગામમાં ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. જેમને ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ રાપર તાલુકાના પગીવાંઢ, ગણેશપર, પાલનપર, નીલપર, ચિત્રોડ સહિતના ગામોમાં પ્રવાસ કર્યો હતો. તેમણે ગ્રામીણ મતદારોને ખેડૂત પુત્ર એવા ભચુભાઈ આરેઠીયાએ વિજયી બનાવવા અપીલ કરી હતી. ચૂંટણી પ્રવાસ કાર્યક્રમોમાં ભચાઉ અને રાપર શહેર – તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો સાથે જોડાયા હતા.

કોંગ્રેસની તરફેણમાં જનજુવાળ ભાજપ જોઈ શકતું નથી

કોંગ્રેસની સફળ જનસભાઓથી હતાશ થઈ ભાડુતી માણસો મૂકી વિરોધ પ્રદર્શનનો કરાવે છે : ભચુભાઈ

રાપર : વાગડ વિસ્તારમાં ચૂંટણી જંગનો ગરમાવો પરાકાષ્ટાએ પહોંચ્યો છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા રાપર બેઠક પર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ તબક્કે રાપરના કેટલાક ગામોમાં કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા અને વર્તમાન ધારાસભ્ય સંતોકબેન જાડેજાનો વિરોધ થયો હોવાના અને કેટલાક ગામોમાં તેમના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હોવાનો ઘટનાક્રમ સામે આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે, નંદાસર સહિતના ગામોમાં કોંગ્રેસની સફળ જનસભાથી હતાશ થઈ ભાજપએ ભાડુતી માણસો દ્વારા વિરોધ કરાવ્યો છે. વાગડ વિસ્તાર કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસને મળતા અભૂતપૂર્વ જનસમર્થનથી ભાજપ હતાશ થયું છે એટલે પોતાના માણસો દ્વારા વિરોધ કરાવવાના કૃત્ય કરે છે.