દુબઈથી મોંઘેેરા દારૂની બોટલો લઈને ભુજ આવતા શખ્સો અંજારમાં ફ્લાઈંગ સ્ક્વોર્ડના હાથે પકડાયા

0
42

ભુજના બે યુવાનો દુબઈથી બોટલો લઈ આવ્યા, કોટડા (જ)નો શખ્સ બીએમડબ્લ્યુ લઈને લેવા ગયો હતો : ત્રણેય શખ્સો સામે અંજાર પોલીસ મથકે થઈ ફરિયાદ : દારૂની ૮ બોટલની કિંમત ૪ર હજાર !

અંજાર : વિધાનસભા ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં છે ત્યારે ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટુકડીએ તપાસ દરમિયાન દુબઈથી લાવવામાં આવેલો મોંઘેરો શરાબ ઝડપી પાડ્યો હતો. દારૂની બોટલો લઈને બીએમડબ્લ્યુ કારમાં સવાર શખ્સો ભુજ આવતા હતા તે પહેલાં અંજારમાં કળશ સર્કલ પાસે પકડાઈ ગયા હતા.વિધાનસભા ચૂંટણી અન્વયે ફ્લાઈંગ સ્ક્વોર્ડની રચના કરવામાં આવી છે. જે ટીમના સભ્યો અંજાર વિધાનસભા મત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અંજાર કળશ સર્કલથી વિજયનગર જતા રોડ પર એક બીએમડબ્લ્યુ ગાડી નંબર જીજેરર-એચ-૯૧૧૬ વાળી ગાડી શંકાસ્પદ ઊભી હોઈ આ ગાડીની ડીકી ચકાસવામાં આવી હતી. જેમાં વિદેશી દારૂની આઠ બોટલો, બે પાસપોર્ટ, દુબઈ એરપોર્ટનું દારૂનું બીલ, બોર્ડિંગ પાસ મળી આવ્યા હતા. જેથી ટીમના સભ્યોએ આ મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસને મથકે સોંપ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા ગાડી સાથે ભુજના નવી ઉમેદનગર કોલોનીમાં રહેતા ભાવીન મોહનભાઈ ઠક્કર, કૈલાશનગરમાં રહેતા મયૂર વિનોદભાઈ ઠક્કર અને નખત્રાણાના કોટડા (જ) ગામે ગણેશનગરમાં રહેતા સાજણ ભીખાભાઈ રબારી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ફ્લાઈગ સ્ક્વોર્ડની ટુકડીએ દુબઈથી પરત આવતી વખતે લાવેલી દારૂની કંપની સિલબંધ બોટલો નંગ ૮ કિંમત રૂા.૪ર,૪૩પ તેમજ બીએમડબ્લ્યુ ગાાડી કિમંત રૂા.૧૦ લાખ અને પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછ દરમિયાન આરોપીઓએ દારૂના બીલ રજૂ કર્યા હતા. તપાસ બાદ સામે આવ્યું કે, ભાવીન અને મયૂર દુબઈમાં હતા અને તેઓ દારૂની બોટલો લઈને ભુજ આવતા હતા જ્યારે સાજણ રબારી પોતાની ગાડી લઈને તેમને લેવા ગયો હતો. આરોપીઓ પાસે વિદેશી દારૂ બાબતે પાસ પરમીટ માગતા પોતા પાસે ન હોવાનું કહ્યું હતું. આ દારૂની બોટલો દુબઈથી ડ્યૂટી ફ્રીમાં લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. જેથી ગુનો દાખલ કરીને આગળની તપાસ પીએસઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયાએ હાથ ધરી છે.

દુબઈની આ દારૂની બોટલો ઝડપાઈ
રોયલ સેલ્યુડ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી કિં.રૂા.૧૮,ર૧૬, દેવાર્સટ્રુ સ્કોચ એઝડ ૧પ ઈઅર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી કિં.રૂા.૧૪૯પ, ગેરીગોસ વોડકા ડિસ્ટીલેડ એન્ડ બોટલેડ ઈન્ફ્રાગ્રેયગોસની ૪ બોટલ કિંમત રૂા.૧૯,૧૩૬ અને ગેરીગોસ વોડકા ડિસ્ટીલેડ એન્ડ બોટલેડ ઈન્ફ્રાન્સ ૩૭પ એમએલની બે બોટલ કિં.રૂા.૩પ૮૮નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.