Home Blog Page 3

કચ્છ જિલ્લાના આંબા પાકની ખેતી કરતા ખેડુતોને વિદેશમાં નિકાસ કરવા માટે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવા બાબત

0

બાગાયત ખાતુ ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચ્છ જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે, આંબા પાકની ખેતી કરતા ખેડુતોને વિદેશમાં કેરીની નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમુનામાં અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭-૧૨, ૮-અ, ઓળખકાર્ડની નકલ, ફાર્મનો નક્શો તથા ફાર્મ ડાયરી વગેરે જોડી તા. ૨૮/૦૨/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ આ કચેરી દ્વારા અરજીઓની સ્થળ ખરાઇ કરી બગીચાનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.

       ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૩૨૦ બહુમાળી ભવન, સ્વામીનારાયણ મંદિરના સામે, ભુજ-કચ્છનો સંપર્ક કરવા તેમજ વધુ માહિતી માટે ફોન ન. ૦૨૮૩૨-૨૨૨૭૬૩ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

માલધારી સમાજની બે ગ્રામીણ દિકરીઓએ આર્ચરી પર સફળ હાથ અજમાવી નેશનલ સુધી સાધ્યું તીર

0

બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાણી લખતી દિકરીઓ : ઓલિમ્પિક અને કોમન વેલ્થ સુધી પહોંચવાની જિજ્ઞા રબારી અને ચેતના રબારીની તમન્ના : જિજ્ઞાની ધગશ અને રાષ્ટ્રીય સિધ્ધી જોઇને માલધારી પિતાએ એક લાખની કિંમતની આર્ચરી કીટ લઇ આપી

દિકરીને જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.

        અહીં વાત કરવી છે અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની અને નવાગામની ચેતના રબારીની જેણે નાનપણ ગાયો-ભેંસો વચ્ચે વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નાનપણથી  રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન પ્રાપ્ત થયું. જે બાદ આ બંને દિકરીઓને ઉડવા માટે ખુ્લ્લું ફલક અને મોકળું મેદાન મળી ગયું. બંને દિકરીઓની કાબેલિયતને ઓળખીને આર્ચરીમાં તાલીમ આપવામાં આવતા આજે ૧૪ વર્ષની જિજ્ઞા અને ૧૩ વર્ષની ચેતના નાનકડા ગામથી લઇને સમગ્ર ગુજરાતનું નામ દેશમાં રોશન કરી રહી છે. તાજેતરમાં કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં બંને દિકરીનું ખાસ જિલ્લા સર્માહતાએ ખાસ સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.

         જિજ્ઞા રબારી જણાવે છે કે, માતા – પિતા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ભણતર અને રમત-ગમત ક્ષેત્રે મારી રૂચિ જોઇને આ ક્ષેત્રે આગળ વધવા મને ખુબ જ સહયોગ આપે છે. મોટાભાગે દિકરીઓને રમત-ગમતમાં કારકિર્દી બનાવવામાં સમાજ તથા વાલીઓની માનસિકતા નડતરરૂપ બનતી હોય છે. પરંતુ મારા પિતા નિરક્ષર હોવાછતાં પણ મારી પડખે ઉભા છે. મારી આર્ચરી ગેમમાં ધગશ અને નેશનલ સુધીની રમત જોઇને રૂપિયા એકલાખની કિંમતની આર્ચરી લઇ આપી છે.

        રીકવર આર્ચરીમાં હથોટી ધરાવતી જિજ્ઞા આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આંધ્રપ્રદેશ-વિજયવાડામાં આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયને રી-પ્રેઝન્ટ કરીને કવોલીફાઇડ કર્યું હતું. તો ધો.૮માં અભ્યાસ કરતી ચેતના રબારી કમ્પાઉનડ આર્ચરી કેટેગરીમાં નેશનલ ગેમ રમીને કવોલીફાઇડ થઇ હતી. આ બંને દિકરીઓ આજે કચ્છ અને ગુજરાતનું ગૌરવ બનીને ઉભરી રહી છે અને આર્ચરીમાં આગળ વધી રહી છે. જે દર્શાવે છે કે, દિકરીઓને માત્ર પ્રોત્સાહન આપવામાં આવે તો તે ધારે તે કરી શકે છે.

        જિજ્ઞા અને ચેતના જણાવે છે કે, અમારા જેવા ગ્રામ્ય વિસ્તારની દિકરીઓ જે મોટાભાગે આગળનો અભ્યાસ કરવાના સપના પણ જોઇ શકતી નથી તેવી દિકરીઓમાં રમતની આવડત પારખીને તેને સ્પોર્ટસ સ્કુલમાં તમામ પ્રકારની તાલીમ, ફુડ તથા અભ્યાસ કરાવવાની સરકારની જહેમત અમારા માટે વરદાનરૂપ છે. સરકારના બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત આ પ્રકારની અપાતી સવલતો તેમજ પ્રોત્સાહન  થકી અમારી સમગ્ર જીંદગી બદલાઇ ગઇ છે અને ભવિષ્યમાં અનેક દિકરીઓને આ જ રીતે તકો મળતા તેઓ સોનેરી ભારતના સપના સાકાર કરવાના સપનામાં પોતાનું યોગદાન આપી શકશે. અમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરીએ છીએ જે રાજય અને દેશની દિકરીઓની માવતર બનીને ચિંતા કરી રહ્યા છે.

જિજ્ઞા વરસાણી

માધાપરની ભવ્યા ડાકીએ કેવીએસ આયોજીત નેશનલ ગેમમાં પાંચકો રેન્ક મેળવ્યો

        ભુજ કેન્દ્રીય વિદ્યાલય નં.૨ આર્મી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી માધાપરની ભવ્યા દિનેશ ડાકીએ હરીયાણા ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં તાજેતરમાં સમગ્ર દેશમાં પાંચમો ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ભવ્યા જણાવે છે કે, સરકારની બેટી બચાવો, બેટી બઢાઓ અભિયાન થકી આજે રમત-ગમત ક્ષેત્રે છાત્રાઓને ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે. સરકારની પ્રોત્સાહક યોજનાઓ તથા અભ્યાસમાં કરાતી મદદના કારણે જ મારા જેવી દિકરીઓ આગળ સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બની છે. મારા માતા-પિતાના અમુલ્ય સહયોગ થકી આજે હું મોટા સપના જોઇ શકું છું. બસ મારી તમામ વાલીઓને અપીલ છે કે, તમારી દિકરીમાં જે પણ આવડત હોય તેને ઉજાગર કરવાની તક આપો. જો સરકાર દિકરીઓ માટે આટલું કરતી હોય તો માતા- પિતાએ માત્ર એક ઢાલ બનીને પોતાની વ્હાલીને જરૂર પ્રોત્સાહન આપવું જોઇએ.

આરટીઓના આશીર્વાદ જારી : ઈન્સ્પેકટરે ટેકસભર્યા વગરની બસ પકડી પણ હજુ ટેકસ ન ભરાયો

0

માધાપર પાસેથી ઝડપાયેલી બસનો અંદાજીત પાંચ લાખનો બાકી છે ટેકસ : અગાઉ ભચાઉ પટ્ટામાં દોડતી બસને પણ ઓછી પેનલ્ટી વસુલી છોડી દેવાતા આવી હતી તપાસ : માર્ગો પર ટેકસ ભર્યા વગર દોડતી બસો સહિતના વાહનોને ઈન્સ્પેકટરો પકડે છે પણ કાર્યવાહી ન થતા ખુદ આંતરીક ચર્ચાઓ તેજ બની

ભુજ : કચ્છના માર્ગો પર ટેક્સભર્યા વગર અનેક વાહનો સળસળાટ દોડી રહ્યા છે. અગાઉ ભચાઉ પટ્ટામાં દોડતી બસને ટ્રાફિક પોલીસે પકડયા બાદ કચેરીમાં ઓછી પેનલ્ટી વસુલીને છોડી દેવાઈ હતી, જે બાદ બે દિવસ પૂર્વે માધાપર પાસેથી બે ઈન્સ્પેકટરોએ ટેકસ ભર્યા વગર દોડતી એક લકઝરી બસને પકડી હતી, પરંતુ તેને ટેકસ ભર્યા વગર રવાના કરી દેવાતા ખુદ આંતરીક ચર્ચાઓ તેજ બની છે. ટેકસ ભર્યા વગર દોડતા વાહનો પકડવામાં આવે તો કાર્યવાહી થતી નથી અને જો ઈન્સ્પેકટર બસ ન પકડે તો તેઓ સામે ખાતાકીય તપાસના બણગા ફુંકવામાં આવે છે, જેના કારણે હાલમાં ચેકીંગ ડયુટીમાં જતા ઈન્સ્પેકટરોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. કચ્છમાં ફરજ બજાવી ગયેલા એ.આર.ટી.ઓ શ્રી ગજ્જરે સુરતમાં ધાક બેસાડતી કાર્યવાહી કરી અન્ય જિલ્લાઓ માટે પ્રેરક કામગીરી કરી છે ત્યારે કચ્છમાં કંઈક અલગ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે.જાણવા મળતી વિગતો મુજબ ર૦૦૮ના મોડેલની અશોક લેલન કંપનીની જી.જે.૦૧.બી.વી. ૦૦પ૬ નંબરની પ૭ સીટર ખાનગી લકઝરી બસને માધાપર પાસે આરટીઓના બે ઈન્સ્પેક્ટર બી. પી. ઠાકોર અને વાય. બી. રાઠોડે ગત ૩૦ જાન્યુઆરીના સાંજના સાત વાગ્યાના અરસામાં ચેકિંગ વેળાએ ઝડપી લીધી હતી. બસનું પાર્સિંગ ર૮-માર્ચ-ર૦ર૧ ના તેમજ વીમો ર માર્ચ-ર૦ર૧ના પૂર્ણ થઈ ગયું છે. તેમજ આ બસની પરમીટ ૩-માર્ચ-ર૦ર૧ના પૂર્ણ થઈ ગઈ છે. આમ, વાહનનું ટેક્સ દોઢ વર્ષથી બાકી છે. બસ આરટીઓ ચેકિંગ ટુકડીના હાથમાં આવી ગઈ તેમ છતાયે તેને છોડી દેવામાં આવી હોવાનું સૂત્રોએ દાવો કર્યો હતો. રર મહિનાનો ટેક્સ અંદાજીત પાંચ લાખ બાકી હોવા છતાયે આ વાહન કઈ રીતે આરટીઓમાંથી છુટી ગયો તે સમજાઈ શકાતું નથી. અમદાવાદ પાસીંગની આ બસને ઈન્સ્પેકટરોએ ચેકિંગ વેળાએ ઝપેટમાં તો લઈ લીધી હતી. રાત્રે સાડા સાત-આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધીના અરસામાં આ બસ આર.ટી.ઓ કચેરીના કપાઉન્ડમાં જ હતી, બાદમાં તે બસ આર.ટી.ઓ.માંથી રવાના થઈ ગઈ હતી. કેમેરામાં કેદ થવા છતાં અને ટેકસ બાકી હોવા છતાય આ બસ અધિકારીની મીઠી નજર તળે છોડી દેવામા આવી હોવાનું આંતરીક સુત્રોએ જણાવ્યું હતું. આ સંદર્ભે અહેવાલ ઉજાગર કરવામાં આવ્યો હતો, જે બાદ પણ હજુ સુધી ટેકસ ભરપાઈ થયો નથી. હવે કમિશ્નર કક્ષાએથી ભુજની આરટીઓ કચેરીમાં તપાસના સામૂહિક ધામા નાખવામાં આવે તો અનેક કૌભાંડો અને ગેરરીતિનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

ગાંધીધામ શાહીકાંડ : પોલીસમાં ફરિયાદ નોંધવા શાસક અને વિપક્ષ આમને સામને

0

નગરપાલિકા પ્રમુખે આ કૃત્ય કોંગી નગરસેવકોએ કર્યું હોવાનો આરોપ મુક્યો : સામે પક્ષે કોંગ્રેસના કાઉન્સીલરોએ શાસકોએ જાતિ અપમાનિત કર્યાની રાવ આપી : પોલીસે કહ્યું બન્ને અરજીઓની તપાસ બાદ આગળની કાર્યવાહી થશે

ગાંધીધામ : ગત ૩૧ જાન્યુઆરીના ગાંધીધામ નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો અને કાઉન્સીલરોની સામાન્ય સભા રાખવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી સભામાં હાજરી આપવા ટાઉન હોલ પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાઉન્સીલરો દ્વારા તેમના પર શાહીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ આખરે બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં સામસામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી.
સુધરાઈ પ્રમુખ ઈશિતાબેન ટિલવાણીએ બી ડિવિઝન પીઆઈને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભામાં હાજરી આપવા ટાઉન હોલ પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાઉન્સીલરો જયશ્રીબેન ચાવડા, અમિત ચાવડા, જગદીશ ગઢવી, સમીપ જોષી તેમજ જ્યોત્સનાબેન પ્રજાપતિ હોલનો ગેટ બંધ કરીને ઉભા હતા. અને તેઓએ મારી સાથે ગેરવર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. અને અંદર જવા દીધી ન હતી. બાદમાં જયશ્રીબેને મારા ઉપર શાહી ફેંકીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને મને મિટીંગમાં હાજરી આપવા અટકાવ્યા હતા. ત્યાર બાદ ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા સાથે પણ બોલાચાલી કરી હતી. બનાવ બાદ હાજર માણસો તેમજ કાઉન્સીલરો આવી ગયા હતા. બનાવની જાણ કરાતા પોલીસ પણ પહોંચી આવી હતી. અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભા યોજાઈ હતી. આ ઈસમોએ હોલની અંદર પડેલ ટેબલ-ખુરશીઓને પણ ઉલટ પુલટ કરી હતી તેવા આક્ષેપો મુક્યા હતા. મિટીંગ પૂર્ણ થતા સુધરાઈ પ્રમુખ તેમજ અન્ય ૨૫ જેટલા કાઉન્સીલરો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચીને બનાવની જાણ કરી હતી.આ રીતે ઈસમોએ ગુનાહિત કાવત્રુ રચી, એકબીજાની મદદગારી કરીને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને સભામાં હાજરી આપવા રોકી, અમારા ઉપર શાહી ફેંકી, અમારી સાથે ગેરવર્તન કરી, સરકારી કામમાં રૂકાવટ કરી હુમલાનો પ્રયાસ કરી આરોપીઓએ આઈપીસીની કલમ ૫૦૪, ૩૫૨, ૩૫૩, ૩૫૪(બી), ૧૦૬ તેમજ ૧૨૦-બી-૧૧૪ મુજબ ગંભીર ગુનો આચર્યો છે. જેથી તેઓની સામે તેમજ તપાસમાં જે ઈસમોના નામો નિકળે તેઓની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવા તેમજ સુધરાઈ પ્રમુખને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરાઈ છે. તો સમગ્ર સિંધી સમાજ દ્વારા પણ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે.તો બીજી તરફ સામાપક્ષે પણ બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કાઉન્સીલર જયશ્રીબેન ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભા યોજાવાની હતી, જેમાં હું અને મારો પુુત્ર અમિત ચાવડા કે જેઓ ગાંધીધામ નગરપાલિકાના સભ્ય છે તેમની સાથે સભા સ્થળે ગયા હતા. સભા સ્થળના ગેટ બહાર ઉભા હતા ત્યારે ગાંધીધામ નગરપાલિકામાં રજૂઆત માટે અલગ અલગ વિસ્તારોના રહેવાસીઓ પણ હાજર હતા. તે દરમિયાન નગરપાલિકાના પ્રમુખ ઈશિતા ટિલવાણી આવ્યા, ત્યારે અમે અમારા વિસ્તાર તેમજ ગાંધીધામના વિસ્તારોમાં પ્રજાને પડતી હાડમારી બાબતે રજૂઆત કરી હતી. ત્યારે ઈશિતા ટિલવાણી ઉશ્કેરાઈ જઈને જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. અને તમારા વિસ્તારોના કામો નહીં કરીએ તમારાથી થાય તે કરી લો તેવું કહીને ધાકધમકી કરી હતી. આ બનાવ ટાઉનહોલ ખાતે જાહેર સ્થળે બન્યો તે સમયે નગરસેવક જગદીશ ગઢવી અને ઈકબાલ મિયાણા તેમજ અન્ય સાક્ષીઓ પણ હાજર હતા. આમ ઈશિતા ટિલવાણીએ જાતિ અપમાનિત કરી, ધાકધમકી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોઈ તેમના વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ તળે ગુનો નોંધીને કાયદેસરની ફરિયાદ લેવા માંગ કરી હતી.

ગાંધીધામ સુધરાઈ સ્યાહીકાંડને સામાજીક રંગ આપવાનો ગદ્વાર આણી ટોળકીનો કારસો : ચેતતો નર સદા સુખી..!

0

  • મઝહબ નહીં શિખાતા આપસ મે બેર કરના..!

નગરપાલીકાની સામાન્યસભા પહેલા સર્જાયેલ ઘટના રાજકીય જ છે, તે બન્ને સમાજ અથવા સમુદાય સલગ્ન છે જ નહી, સૌ કેાઈ સારી રીતે સમજે છે, પોલીસે પણ ખુબ જ ધીરજ અને સમજણ તથા ખંતથી આ ઘટનામાં કર્યુ છે કામ, તેમ છતા પણ સમાજના ખભ્ભે બંદુક રાખી, આવી ઘટનાને સામાજીક સ્વરૂપ આપી ખુદના રોટલા શેકવા મથતા તથા સ્થાન ટકાવી રાખવા ગદ્વાર અજમાવી રહ્યો છે નીતનવા પેંતરા : એસઆરસીના ડાયરેકટર પદ સહિતના આંબઆબલી દેખાડનાર ગદ્વારની સાથે કુદી પડનારાઓ પણ રહે સાવધ : ગદ્વારને માત્ર ખુદના જ ઉલ્લુ કરવા છે સીધા, તેનો નગરપાલીકા, સમાજ, પક્ષ સહિતનો ખરડાયેલો ભુતકાળ ચકાસી લ્યો..

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, બન્ને સમાજના મોભીઓ-આગેવાનો સહિતનાઓ આવી ઘટનાઓને લઈને આવે આગળ : વ્યકિતગત ઘટનાને સામુહિક રૂપ ન અપાય તે જોવુ હિતાવહ : જો જો વ્યક્તિગત ટકરાવની ઘટના સંકુલના શાંતિ – સોહાર્દને નુકસાન ન પહોંચાડી દે : ટુંક જ સમયમાં સંકુલમાં સમાજની નીકળશે રેલીઓ, જો આવી રેલીમાં કોઈ ટીખ્ખડ ખોર વિકૃત હરકતને અંજામ આપી દેશે તો તે વખતે ગાંધીધામ શહેર સંકુલની પરિસ્થિતિ શું આવીને ઉભી રહેશે ? તેનો તો વિચાર કરો ?

સમાજના આગેવાનોએ સમજવું જોઈએ અને મંદિરોમાં મીટીંગ કરીને વિચારવું જોઈએ કે, આ રાજકીય બનાવ છે કોઈ સમાજનો જગડો નથી ઉપરાંત આ રાજકારણીઓ તો પાછા ગમે તે ગળીએ એક જ થઈ જવાના છે તો સમાજમાં ઝેર ન ફેલાય તેની તકેદારી રાખવી જોઈએ

ગાંધીધામ : ગાંધીધામ શહેરને નર્કાગાર ફેરવી દેનારાઓની સામે તાજેતરમાં જ પ્રજારોષ ભભુકયો હોય તેમ કોઈએ સ્યાહી ફેકી અને આક્રોશ દૃશાવ્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જ સમાજ કે પછી અન્ય કોઈ સમુદાયની સામે આ વિરોધ હતો જ નહી, તે સૌ કેાઈ સમજે છે. શહેરમાં રોડ-રસ્તા, ગટર, સફાઈ, પાણી, સહિતના મામાલે લોકો રજુઆતો કરી કરીને થાકી ગયા છતા પણ કામો ન થતા અંતે પ્રજા જાય તો જાય કયા?ના તાલે આક્રોશ ફાટયો અને આ ઘટના બનવા પામી ગઈ હતી તે સૌ કોઈ બરાબરનું સમજી જ રહ્યુ છે ઉપરાંત પણ આ ઘટનાને બની બેઠેલા ગદ્ધાર શખ્સ જેવા અમુક હરખપદુડા તત્વો પોતાનુ સ્થાન ટકાવી રાખવા અને આવી ઘટનાઓના બહાને સમાજનો વિષય છેડી અને ખુદના રોટલા શેકવાની દીશામાં હથકંડાઓ અજમાવી રહ્યા હોવાનો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે. તેમા પણ ગદ્વાર નામનો શખ્સ કે જેણે શહેરની આર્થિક સંસ્થાઓ, નગરપાલીકા, સમાજ દરેક મોરચે ખુદના સ્વાર્થીપણાને માટે નફફટાઈની હદો જ વટાવી દીધી છે અને સમાજનુ નખ્ખોદ જ વાળી દીધુ છે તે ગદ્વાર આવી ઘટનાઓમાં પેટ્રોલ નાખવાનું હિન્ન કૃત્ય કરતો હાવાનુ સામે આવી રહ્યું છે. સંકુલવાસીઓ આ ગદ્વારને બરાબરના ઓળખે છે. શહેર-સમાજ-નગરપાલિકા કે અન્ય કોઈ સંસ્થાના હિત માટે તે કદાપિ ઝંડા ઉપાડતો જ નથી. આવી સંસ્થાઓના નામે માત્ર અને માત્ર આ ગદ્વાર આણી મંડળીને ખુદના રોટલા શેકી લેવા હોય અને ખુદના ઉલ્લુ સીધા કરી લેવા હોય એટલે જ ગતકડાં કરતો ફરતો હોય છે. ગદ્વારના સ્વાર્થી ગતકડાઓના જ લીધે તેનાથી સૌ કેાઈ દુર જ થઈ ગયા હોવાનો વર્તારેા દેખાવવા પામી રહ્યા છે. હાલમાં પણ નગરપાલીકાના સત્તાધીશ સામે જે વિરોધજનક ઘટના બની છે તેને પણ આ ગદ્વાર આણી મંડળી સમાજનુ રૂપ આપી અને ખુદના જ એજન્ડાઓ પાર પાડવાની ફીરાકમાં હોય તેમ જાણકારો કહી રહ્યા છે. કહેવાય છે કે, આ ગદ્વાર હવે અમુકને એસઆરસીના ડાયરેકટર બનાવવાની આંબાઆંબલીઓ દેખાડી અને આવા કિસ્સાઓમાં આડેધડ ધોડાવી અને તેમનો પુરેપુરા ગેરલાભ ઉઠાવી રહ્યો છે. જાણકારો કહી રહયા છે કે, આ ગદ્વારની મેલી મુદરાભરી છાની રમતને આવા લોકો કેમ ઓળખી શકતા નથી? બીજીતરફ જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, આ બનાવમાં પોલીસે પણ પુરેપુરા સંયમની સાથે કામ લીધુ છે તેને પણ ખબર છે કે આ બનાવ રાજકીય છે. અને સમાજને સંડોવવાનો તેમાં એક યા બીજી રીતે કારસો જ થઈ રહ્યો છે. ઘટના બની છે તેમાં સમાજને કે સમુદાયને કંઈ જ લેવા દેવા ન હોવા છતા પણ જો તેને ઢસેડવાના કૃત્યો થતા હેાય તો એ બાબત ખુબજ ગંભીર કહેવાય. કેાઈ એકલ-દોકલ વ્યકિતની સામે થયેલા વિરોધની ઘટનાને સામુહિક રૂપ અપાય તો એ સમાજને માટે પણ ચિંતાજનક જ બની રહે તેમ છે. પરંતુ અહી પોલીસે જે રીતે સમજણ અને ખંતથી કામ લીધુ છે તેનાથી આવી ઘટનાઓમાં સમાજમાં ઝેર પ્રસરતું અટકી જવા પામ્યુ છે તેમ કહેશુ તો વધારે પડતુ નહી કહેવાય. પરતુ બીજીતરફ જેના પર સ્યાહી ફેકાઈ તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારી માત્ર હતા, છતા તેણે સમાજના ખભ્ભે બંદુક મુકી અને સહાનુભુતી લેવાનો પ્રયાસ કર્યો હોય તેમ દેખાય છે અને તેમાં કેટલાક લોકો આંખમીચીને કુદી પણ પડયા તે એવા કે ચપલો મુકીને નાશી છુટેલા હરપદુખડાઓ હતા. આવા અમુક ટેકેદાદારોને ખબર નથી કે, કેટલાક તત્વો સમાજના નામે માત્ર અને માત્ર સસ્તીપ્રસિદ્ધી માટે નાટક કરતા હોય છે. પણ હાલમાં ટુંક જ સમયમાં તેમના સમાજની રેલી નીકળવાની છે અને આખાય કચ્છમાં મોટામાં મોટી સમાજની રેલી નીકળવાની છે તે ભાઈચારાથી હમેશા નીકળતી હોય છે. પરંતુ જે રીતે અમુક હરપદુડાઓ દ્વારા આ ઘટનાને સામાજિક સ્વરૂપ આપવાની દીશામાં લઈ જઈ અને ઝેર ફેલાવવાનુ કામ કરી રહ્યા છે તે જોતા આવી સામાજીક રેલીઓમાં જો કોઈ ટીખ્ખળખોર તેના વિકૃત મગજની અજમાયીશ હાથ ધરશે અને ટીખ્ખળ સર્જશે તો તે સમયે ગાંધીધામ શહેરની પરિસ્થીતી શું આવીને ઉભી રહેશે? આ બધી જ વાતને ધ્યાનમાં રાખી અને કોઈ તકસાધુઓ આવી રાજકીય ઘટનામાં સામાજીક રંગ ન આપી જાય અને શહેર-સંકુલની શાંતીને જાણતા અજાણતા પણ પલીતો ન ચંપાઈ જાય તે જોવા મોટ બન્ને સમાજના સમુદાયોએ વધારે સમજણ, કુનેહ અને હિમંતથી આવી ઘટનાઓમાં કામ લેવુ જોઈએ., જાગૃતતા દેખાડવી જોઈએ. અહી સમજવાની વાત એટલી જ છે કે, આ ઝગડો, બબાલ સમાજની વચ્ચે કયાંય-કોઈ પણ રીતે હોય તેવુ જણાતુ જ નથી. ફકત અને ફકત લોકોના કામો ન થતા , અનેકવખત તેની રજુઆતો કરવામા આવી હોવા છતા કોઈ જ ધ્યાને ન લેતા જ જનાક્રોશ ભભુકયો છે. અહી યાદ અપાવી શકાય કે સત્તાપક્ષના ૪૧ સભ્યોએ પણ લેખિતમાં કામો થતા ન હોવા બાબતેની નાજરાગીનો વિરોધ કર્યો હતો, પરંતુ આ તમામ પક્ષને સમર્પિત અને વફાદાર હતા એટલે વધારે વિરોધ કરી શકયા નહી, વિરોધ પક્ષનુ તો કામ જ વિરોધ કરવાનુ છે, પ્રજાના કામો માટે તેઓ બુલંદ અવાજે બોલે તે જ વિરોધપક્ષનુ કામ છે, વિરોધપક્ષને તો વિરોધ કરવાનો હકક છે, અને તે જ કર્યુ છે, જેમા પણ નાછુટકે અને તેમનો પણ અવાજ સતત દબાવવામાં જ આવતો હોય અથવા તો નજરઅંદાજ જ થતો હોય તેથી આક્રમક વિરોધ તેઓએ કરવાની ફરજ પડી. પરંતુ પ્રજાજનો-મતદારો-વોર્ડવાસીઓ જો હેરાન-પરેશાન થઈ જતા હોય અને તેના થકી વિરોધપક્ષના સભ્યો પણ અકળાઈ ન જાય તો બીજુ શુ થાય? તેઓએ પણ જવુ તો કયાં જવુ?

– તો ગાંધીધામમાં ઠેર-ઠેર નોનવેજના ખુલ્લેઆમ હાટડાઓને કેમ છુટોદૌર? : શું હાઈકોર્ટની ટકોર અહી લાગુ નથી પડતી?

0

 

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, પોલ્યુસન કન્ટ્રોલ નિયંત્રણ તંત્ર, પોલીસ વિભાગ, નગરપાલિકાઓ સહિતનાઓના આંખે અંધાપો છે? શુ આ રીતે ખુલ્લામાં ઠેર-ઠેર વધી ગયેલા માસ-મટનના વેંચાણની આ તમામ સરકારી તંત્રના જવાબદારોને ખબર જ નથી? કે પછી આ તમામ એક યા બીજા કારણોસર કરી રહયા છે આંખમિચામણા?

પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં ઠેર-ઠેર ડીપીએ એ.ઓ. બિલ્ડીંગ આસપાસમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડ સમીપે, ગણેશનગર-કિડાણા રોડ આજુ-બાજુ સહિતના વિસ્તારોમાં માસ-મટનનો ખુલ્લેઆમ થતો વેપલો

• લાયસન્સ વગરની મીટશોપ પર કેમ આવે ઝુંબેશ રૂપ તવાઈ..? • લાયસન્સવાળી દુકાનોમાં પણ ગુણવત્તા ચકાસણીની આદરવી જોઈએ સરપ્રાઇજ ચેકીંગ • બિનઆરોગ્ય પ્રદ મીટ વેચનારાઓની સામે ધાક બેસાડતી થવી જોઈએ કાર્યવાહી • આરોગ્યવિભાગ, જીપીસીપી, પોલીસતંત્ર, નગરપાલીકા સહિતનાઓને લગાડવા જોઈએ કામે

નગરપાલિકાઓની હદમાં લાઈસન્સ વગર ચાલતી મટનની દુકાનો કે કતલખાના કે ખુલલામાં મટન વેચતી દુકાનો સામે શું પગલા લીધા? હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જ આ બાબતે વિવિધ મહાનગરપાલીકાઓને આદેશ આપ્યા અને લિગલ અહેવાલ માંગ્યો છે, તો શું કચ્છમાં પણ આવા જ કડક આદેશની ઈંતેજારી થઈ રહી છે? ગાંધીધામ સહિત ભુજ-ભચાઉ, અંજાર અનેક શહેરોમાં આ રીતે મટનશોપ કે ખુલ્લામાં પરવાનગી વિના નોનવેજના વેંચાણ થઈ રહ્યા છે? અહીની એજન્સીઓ-સરકારીતંત્ર-વિભાગો આંખે પાટ્ટા બાંધીને કેમ બેઠા છે?

શહેરના રાજવી ફાટકથી ભારતનગર તરફ જતા રોડ પર તો આવા ગેરકાયદેસર હાટડાઓના બદલે પાક્કા દબાણો-બાંધકામો જ ખડકાઈ ગયા છે- મુખ્ય રોડ-રસ્તાઓ પર આવા દબાણકર્તાઓ ઉતરી ગયા છે, રસ્તાઓ પણ દબાણમાં આવી ગયા છે, છતા પણ સત્તાવાળાઓ કુંભકર્ણિનિંદ્રા તથા અહંમની લડાઈ-ટકરાવમાં જ પડયા હોવાનો દેખાય છે વર્તારો

ગાંધીધામ : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા માટે ડીસાના એક જાગૃત નાગરીક દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ બનાસકાંઠા જ નહી પરંતુ ગુજરાતભરમાં ઠેર ઠેર સંખ્યાબદ્ધ ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા હોવાનુ જણાવાયુ હતુ.જેના લીધે રોજ-બરોજ અનેકવિધ નિદોર્ષ અબોલજીવો-પશુઓની હત્યા થાય છે.નોધનીય છે કે, આ પીઆઈએલ બાદ હાઈકોર્ટ દ્વારા પણ સંજ્ઞાન લેવાયુ અને રાજયમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરાવવાની દીશામાં સરકારને ફટકાર લગાવી અને જિલ્લાકક્ષાએથી જયુડીશીયલ વિભાગ મારફતે આવા કત્લખાનાઓની માહીતીઓ માંગવા સહિતના નિર્દેશો આપતા હવે હલચલ તેજ બની જવા પામી ગઈ છે. ખૈર, આ બાબતે તો હવે ચોકકસથી નિર્ણાયક આંકડાકીય કાર્યવાહી શરૂ થઈ જ જવા પામી હશે પરંતુ બીજીતરફ પૂર્વ કચ્છનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ગેરકાયદેસર કત્લખાનાઓ બંધ કરવાની દીશામાં રાજય સરકાર અને નામદાર હાઈકોર્ટ રાજયવ્યાપી કાર્યવાહીના આદેશો આપી રહ્યા છે ત્યારે બીજીતરફ ગાંધીધામ સંકુલમાં ઠેર-ઠેર માંસ-મટનના ખુલ્લા હાટડાઓ જોવા મળી આવે છે. તો શુ નોનવેજ-માંસમટન-કત્લખાનાઓ માટે કાયદાઓ અલગ-અલગ છે?કહેવાઈ રહ્યુ છે કે, હાઈકોર્ટ દ્વારા ગેરકાયદેસર કતલખાનાઓ મામલે જીલ્લાકક્ષાએ જયુડીશિયરી કમીટી બનાવવાનો કડક ધાક બેસાડતો આદેશ આપ્યો છે અને આ કતલખાનાઓ બંધ કરાવવા ઠોસ કાર્યવાહીનો અહેવાલ સરકાર પાસેથી માંગ્યો છે, એટલે કે, ગેરકાયદેસર કત્લખાનાઓ બંધ જ થવા પામી જશે, તેવી સ્થીતીએ ગાંધીધામ સહિત કચ્છભરમાં આડેધડ માસ-મંટનના વેંચાણ પર પણ કેમ ન આવે અંકુશ?જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામમાં ડીપીએ એ.ઓ. બિલ્ડીગની આસપાસમાં, ગણેશનગરની આજુબાજુમાં, ગુજરાત હાઉસીગ બોર્ડ સોસાયટીની સમીપે, કિડાણા રોડ પર, ઉપરાંત કહી શકાય કે સકુલવ્યાપી જ આવા માસ મટનના હાટડાઓ અહી ખુલ્લામાં જ ધમધમી રહ્યા છે તેમ છતા પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નગરપાલીકા, પોલીસ,જીપીસીબી-પોલ્યુશન બોર્ડ સહિતનાઓને કેમ આ બધાય હાટડાઓ દેખાતા નહી હોય! એવુ તો બની ન શકે કે, શહેરના આટલા બધા વિસ્તારમાં આવા હાટડાઓ ધમધમતા હોય અને સબંધિત વિભાગ તેનાથી તદન અજાણ હોય.! તો પછી શુ એક યા બીજા કારણોસર આવા માસ-મટનના ખુલ્લઓમ વેચાણ-વેપલાઓ કરનારાઓની સામે કાર્યવાહી કરવામાં આ તંત્રના લાપરવાહો આંખમિચામણા જ કરી રહ્યા છે કે શુ? તેવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે. શું નામદાર હાઈકોર્ટની ટકોર આવા હાટડાઓ માટે લાગુ પડતી જ નથી?

સામખિયાળીમાં એસએમસીએ દેશી દારૂ-બિયરના વેંચાણની પ્રવૃતિ ઝડપી

0

બે શખ્સો ઝડપાયા : બે મુખ્ય આરોપીઓ હાજર ન મળ્યા

ગાંધીધામ : કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી વિસ્તારમાં દેશી દારૂ અને બિયરના વેંચાણની પ્રવૃતિ પર છેક ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતા સ્થાનિક પોલીસનું નાક કપાયું હતું. જાણવા મળતી માહિતી પ્રમાણે પોલીસે સામખિયાળી મોરબી હાઈવે પર કૃષ્ણનગર મોરીવાસમાં આરોપી પ્રભુ જીવાભાઈ બાળા (આહિર)ના ઘરે દરોડો પાડયો હતો. જયાં શરાબનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસી દ્વારા અપાયેલી વિગત મુજબ આરોપી રોહિત કાનાભાઈ સુરાણી અને સોહિલ હાજીભાઈ થેબાના કબજામાંથી વિદેશી દારૂની ર૭ બોટલ, બીયરના ૪૭ ટીન, તેમજ ૧૬.૮૦૦ લીટર દેશી દારૂ મળી કુલ્લ ૩ર૮૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેડ દરમ્યાન દેશી દારૂ આપનાર લાકડીયાનો અજરૂદીન ઉર્ફે અજુડો અને ઈંગ્લિશ દારૂ બીયર આપનાર અને દારૂનો ધંધો ચલાવનાર પ્રભુ જીવા બાળા મળી આવ્યો ન હતો. જેથી ચારેય સામે સામખિયાળી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

કિડાણાનો શખ્સ છ મહિના માટે કચ્છથી તડીપાર

0

ગાંધીધામ : તાલુકાના કિડાણા ગામના શખ્સને છ મહિના માટે કચ્છથી તડીપાર કરવામાં આવ્યો છે. પોલીસવડા દ્વારા ગુનાહિત પ્રવૃતિ કરતા ઈસમો સામે પગલા લેવાની સુચના અપાઈ હોઈ જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોને તડીપાર કરવા અંગે દરખાસ્ત તૈયાર કરી પ્રાંત અધિકારીને મોકલતા તેમના આદેશ અન્વયે આરોપી ફિરોઝ ઉર્ફે ગોગા હુસેનભાઈ મમણને છ મહિના માટે કચ્છથી તડીપાર કરવામાં આવ્યો છે.

ધાણેટી-રતનાલ રોડ પર મોડી રાત્રે બોકસાઈટ ભરેલા ત્રણ ડમ્પર પકડાયા

0

પધ્ધર પોલીસે કરી કાર્યવાહી : ખાણ ખનિજ વિભાગને સ્થળ પર મોજણી માટે બોલાવાયા : બોકસાઈટ કયાંથી ભર્યું અને કોને દેવાનું હતું તેમજ વાહન કોની માલિકીના છે તે તરફ તપાસ આગળ ધપાવાઈ : પશ્ચિમ કચ્છમાં અલગ – અલગ ગામોમાં પ૦થી વધુ બોકસાઈડની ગેરકાયદેસર ખનન કરીને પરિવહન કરાતો હોવાનો ઘટસ્ફોટ

ભુજ : તાલુકાના પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના ધાણેટી – રતનાલ રોડ પર ગત મોડી રાત્રે પોલીસે બોકસાઈટ ભરેલા ત્રણ ડમ્પરો અટકાવી તપાસ કરતા તેમાં રોયલ્ટી પાસ – પરમીટ વગર ખનિજનું પરિવહન થતું હોઈ વાહનો સીઝ કરી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. અંજાર તાલુકાના મેડીસરમાં ચર્ચામાં આવેલો બોકસાઈડ હાલ આખા રાજ્યમાં ચર્ચાનો કેન્દ્ર છે. ત્યારે હાલ પૂર્વ કચ્છના અમુક ગામોમાં તો પશ્ચીમ કચ્છના બોકસાઈડ ખનીજ ધરાવતા ગામોમાં પ૦થી વધુ ટ્રકો ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.જાણવા મળતી માહિતી પ્રમાણે પધ્ધર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ધાણેટી – રતનાલ રોડ પર બોકસાઈટ ભરેલા વાહનો ગેરકાયદે રીતે પાસ, પરમીટ વગર પરિવહન કરતા હોવાની બાતમી અનુસંધાને વાહનો રોકાવી ચાલકની પુછપરછ કરતા પુરાવા મળી આવ્યા ન હતા. જેથી ડમ્પર નંબર જી.જે.૧ર.બી.એકસ. ૯૦૦૯, જી.જે.૧ર.બી.વાય. ૯૮૯૧ અને જી.જે.૧ર બી.વાય. ૯૧૮૦ નંબરના વાહનો સીઝ કરી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. ચાલકો જામનગર સાઈટના હોવાનું સામે આવ્યું છે. હાલ તો વાહન માલિકોને બોલાવી કયાંથી માલ ભરી આપ્યો હતો અને તે સ્થળે કાયદેસરની લીઝ છે કે કેમ ? તે સહિતની બાબતો અંગે તપાસ કરવા સાથે ખનિજના પૃથ્થકરણ માટે ખાણ ખનિજ વિભાગને પત્ર લખી સ્થળ પર આવવા જણાવાયું હોવાનું પોલીસે જાહેર કર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આહિર પટ્ટીના પેટાળમાં મોટા પ્રમાણમાં બોકસાઈટનો જથ્થો દરબાયેલો છે. મોટા ભાગે આ ખનિજ કંપનીઓમાં અને મોરબી વિસ્તારમાં સીરામીક એકમોમાં જતું હોય છે. ભૂતકાળમાં ગેરકાયદે બોકસાઈટના પરિવહન સંદર્ભે ભુજ, માંડવી, લખપત સહિતના વિસ્તારમાં ફરિયાદ પણ થઈ ચુકી છે ત્યારે આ કિસ્સામાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

બોકસાઈટમાં ડમ્પના નામે ચાલતા તૂત પર તંત્ર કાર્યવાહી કરશે ?

ભુજ : કચ્છમાં બોકસાઈટના ગેરકાયદેસર પરિવહનની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે. ચર્ચાતી વિગતો મુજબ તાજેતરના દિવસોમાં જ માંડવી તાલુકાના અનેક ગામોમાં જેવા કે ફરાદી, વાંઢ, તો અબડાસા તેમજ લખપતના અમુક ગામોમાંથી મોરબીમાંંથી પસાર થતી વેળાએ ઝપટે ચડી હતી પરંતુ ત્યાં કોઈ દબાણ આવી જતા જવા દેવાઈ હતી. તો તાજેતરમાં અબડાસાના મોથાળા નજીક પર બોકસાઈડની ગાડીઓ પકડાઈ હોવાની ચર્ચાઓ બહાર આવી હતી.બોકસાઈટ કાઢવાની મંજુરી માત્રે જીએમડીસી અને અન્ય એક બે કંપનીઓને છે. તે સિવાય નિયમિત વપરાશકારોને બોકસાઈટના જથ્થાને ડમ્પ કરવા પરમીટ આપવામાં આવતી હોય છે ત્યારે ડમ્પની પરમીટ ન હોવા છતાં ગેરકાયદેસર પરિવહન કરતા તત્વો ડમ્પના નામે તૂત ચલાવતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ખાણ ખનિજ વિભાગ અને પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ જ સમગ્ર ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે આવા કૌભાંડકારીઓનો પર્દાફાશ થાય તે ઈચ્છનીય છે. જાણકારો કહે છે કે, જાહેરમાં ડમ્પના નામે બોકસાઈટ જેવા કિંમતી ખનિજની હેરાફેરી ચાલી રહી છે. તંત્ર એકલ દોકલ કિસ્સામાં કાર્યવાહી કરી સંતોષ માની લે છે તેથી ગેરરીતિ કરનારાઓને મોકળું મેદાન મળી જાય છે.હાલના દિવસોમાં કચ્છમાં યોજાનારી જી-ર૦ સમિટના કારણે પોલીસ તંત્ર પરિષદની તૈયારીઓમાં જોતરાયું છે ત્યારે આ તકનો લાભ લઈ ગેરકાયદેસર બોકસાઈટની હેરાફેરી કરતા તત્ત્વો સક્રિય બન્યા છે. ખાણ ખનિજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.