Home Blog Page 2

ભુજમાં પ્રિન્સ રેસીડેન્સી પાસે ટ્રક હડફેટે બાઈક સવાર યુવકનું મોત

0

અંંજારના ભીમાસર પાસે વાહન હડફેટે યુવકનો જીવ ગયો

ભુજ : શહેરમાં પ્રિન્સ રેસીડેન્સી ત્રણ રસ્તા પાસે ટ્રક હડફેટે બાઈક સવાર યુવકનું જયારે અંજારના ભીમાસર પાસે હાઈવે રોડ પર વાહન હડફેટે યુવકનું મોત થવા પામ્યુું હતું.જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં પ્રિન્સ રેસીડેન્સી ત્રણ રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વાંઢાય ગામના કરશનજી દોલુભા સિંધલે જણાવ્યું કે, આરોપી ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૯૦૩૯ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે ચલાવીને બાઈક નંબર જી.જે. ૧ર સીએન ૯૭૧૩ને પાછળથી ભટકાવી અકસ્માત સર્જી સાહેદ વિરમજી આમરજી સિંધલને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. જયારે રાજેન્દ્રસિંહ ભાવસંગજી સિંધલનું મોત નિપજયું હતું જેથી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ છે.આ તરફ અંજાર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મનોજભાઈ ભગવાનભાઈ ખચનીએ જણાવ્યું હતું કે, અંજાર ભીમાસર રોડ પર ભીમાસર ગામની સીમમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પુર ઝડપે ગાડી ચલાવીને ફરિયાદીના ભાઈની હિરો પ્લેઝર બાઈક નંબર જી.જે. ૧ર ઈએમ ૩૯૩૬ને પાછળથી ભટકાવી કિશોરભાઈને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા તેઓનું મોત થયું હતું. આરોપી અકસ્માત સર્જ્યા બાદ વાહન લઈને ભાગી ગયો હતો. જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કચ્છમાં એસટીના મુસાફરો બસમાં ઓનલાઈન પેમેન્ટ કરી ભાડું ચુકવી શકશે

0

એસટી વિભાગે કચ્છમાં પ૦ સ્માર્ટ મશીન પ્રાયોગિક ધોરણે વપરાશમાં મુકયા : ઈન્ટરનેટ સુવિધાથી સજ્જ મશીનથી સુવિધામાં થશે વધારો

(બ્યુરો દ્વારા)ભુજ : મુસાફરો માટે સલામત સવારી ગણાતી એસટીની યાત્રા હવે ડીજીટલ થવા ભણી અગ્રેસર થઈ છે. એસટી નિગમ દ્વારા કંડકટરોને અપાતા ટિકીટ મશીનોને ઈન્ટરનેટની સુવિધાથી સજ્જ સ્માર્ટ મશીનમાં બદલવા કવાયત હાથ ધરી છે. એક સમયે એસટી મુસાફરોને બસમાં અલગ અલગ રકમની પ્રિ-પ્રિન્ટેડ ટિકીટો પંચ કરી આપવામાં આવતી હતી. ત્યાર બાદ તેમાં ફેરફાર કરી પ્રિન્ટર મશીનો મુકવામાં આવ્યા હતા. હવે ટિકીટ મશીનોને સ્માર્ટ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવી છે.આ અંગેની વિગતો આપતા કચ્છ એસટી નિયામક એ.વાય. પટેલે જણાવ્યું હતું કે, કચ્છ એસટી ડેપો સંચાલિત વોલ્વો બસોમાં પ૦ સ્માર્ટ મશીનોને પ્રાયોગિક ધોરણે એકટીવેટ કરવામાં આવ્યા છે. એન્ડ્રોઈડ સિસ્ટમથી ચાલતા અને ઈન્ટરનેટની સુવિધાથી સજ્જ સ્માર્ટ મશીનો કસોટીમાં ખરા ઉતરશે તો આવનાર દિવસોમાં એસટી નિગમની તમામ બસોમાં સ્માર્ટ મશીનથી ટિકીટ આપવામાં આવશે.ઈન્ટરનેટની સુવિધાથી સજ્જ સ્માર્ટ મશીન દ્વારા આવનાર દિવસોમાં એસટીના મુસાફરો ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પણ ભાડું ચુકવી શકે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કચ્છમાં ટ્રાયલ બેઝ પર પ૦ સ્માર્ટ મશીનો ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. આધુનિક મશીનના વપરાશ માટે કંડકટરોને ખાસ તાલીમ પણ આપી દેવામાં આવી છે. પ્રાયોગિક વપરાશ બાદ તમામ ફીડબેકનું વિશ્લેષણ કરી નિર્ણય લેવાશે. જો સ્માર્ટ મશીન તમામ કસોટીમાં ઉપયોગીતા સિધ્ધ કરી શકશે તો આવનાર દિવસોમાં એસટીની તમામ બસોમાં સ્માર્ટ ટીકીટ મશીન આપવામાં આવશે. એસટી વિભાગે હવે ડીજીટલ થવા ભણી ડગ માંડયા છે. ડીજીટલ ભારત અભિયાન શરૂ થયા બાદ છેલ્લા થોડા વર્ષોમાં લોકો ઓનલાઈન પેમેન્ટ માટે વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરતા થયા છે. અત્યાર સુધી એસટીની બસોમાં ભાડું ચુકવવા માટે મુસાફરને રોકડ રકમ જ ચુકવવી પડતી હતી. આ ઉપરાંત બાકી વધતી પરચુરણ રકમ માટે કંડકટરો સાથે છાશવારે બબાલ પણ થતી રહેતી. ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ થયા બાદ તેવા બનાવો ભૂતકાળ બની જશે.

કચ્છમાં આધારકાર્ડની પ્રક્રિયા ખોરંભે ચડી : અરજદારોમાં ભારે ઉહાપોહ

0

  • નવા કાર્ડ બનાવવા, સુધારા-વધારા માટે નવી નીતિ અમલી…

બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ જાન્યુઆરી-૨૦૨૩થી નવા નિયમ કરાયા લાગુ : નવુ આધારકાર્ડ કઢાવવા, આધારકાર્ડમાં નામ કે જન્મ તારીખમાં સુધારા માટે નગરસેવક, ધારાસભ્ય કે ગેઝેટેડ ઓફિસરનું સર્ટિફિકેટ માન્ય નહીં રખાય : આધારકાર્ડમાં સરનામુ બદલવા જ ચૂંટાયેલા પ્રતિનિધિ સર્ટિફિકેટ આપી શકશે

ભુજ : આધારકાર્ડ એ આજે દરેક નાગરીક માટે જીવનનો મુળભૂત આધાર જ બની ગયો છે. ભારતમાં મોટાભાગની સરકારી સહાય, યોજનાઓ સહિતના વહીવટી કામોમાં ચૂંટણીકાર્ડની સાથે વ્યકિતના આધારકાર્ડને માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવી રહ્યો છે. સમયાંતરે આધારકાર્ડની કામગીરીના નિયમોમાં ફેરફાર થતા રહે છે. વર્ષ ર૦૧રમાં શરુ થયેલ આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં ર૦૧૭ સુધી જે-તે વ્યકિતએ સ્કૂલ એલસી, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ સહિતના દસ્તાવેજની આપેલ ઝેરોક્ષ લઇને આધારકાર્ડ ઇશ્યૂ કરવામાં આવતા હતા. આ સમયે આધારકાર્ડ આગામી સમયમાં જરૂરી દસ્તાવેજ બનનાર હોવાની ફેલાયેલ વાતોના કારણે લોકોના ધાડેધાડા આધારકેન્દ્રો પર ઉમટતા હતા. જેથી ભીડભાડની તકનો લાભ લઇને કેટલાક લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને ખોટા આધારકાર્ડ પણ તૈયાર કરાવ્યા હતા. સમય એવો આવી ગયો કે, ભારતની કુલ જન સંખ્યા કરતા આધારકાર્ડની સંખ્યા વધી ગઈ હતી. મોટી સંખ્યામાં બોગસ આધારકાર્ડ બની જતા સરકાર હરકતમાં આવી હતી અને આ બાબતને ગંભીરતાથી લઈ આધારકાર્ડ બનાવવાની કામગીરીમાં ધરમુળથી ફેરફારો કરી નવી નીતિ અમલમાં મુકી છે.આ અંગેની વિગતો મુજબ બોગસ આધારકાર્ડ બનતા રોકવા ભારત સરકારની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાના નોંધણી અને અપડેટ વિભાગ દ્વારા ૨૫ જાન્યુઆરી-૨૦૨૩થી નવા આધારકાર્ડ કાઢવા અને આધારકાર્ડમાં સુધારા કરવા અંગે નવી પોલીસી અમલમાં મુકવામાં આવી છે. જેનો દેશવ્યાપી અમલ ૨૭ જાન્યુઆરી-૨૦૨૩થી શરુ કરવામાં આવ્યો છે. નવી જાહેર કરવામાં આવેલી પોલીસી પ્રમાણે આધારકાર્ડની કામગીરી કરવામાં આવી નહીં હોય તો ભારત સરકાર કાર્યવાહી રદ્‌ કરશે તેમજ ઓપરેટર પાસેથી રુપિયા એક હજારથી દસ હજાર સુધીની રકમના દંડની વસૂલાત કરવામાં આવશે.
કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો જિલ્લામાં દરરોજ નવા આધારકાર્ડની કામગીરી વિવિધ કેન્દ્રો ઉપરથી કરવામાં આવે છે. માન્ય આધાર કેન્દ્રો ઉપરાંત જિલ્લા સેવા સદન અને પ્રાંત કચેરીઓ, બેન્કોે અને પોસ્ટ ઓફિસના કેન્દ્રોમાં આધારકાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે. નવા આધારકાર્ડ મેળવવા માટે તંત્રને મળતી અરજીઓમાં બાળકોની અરજીઓનો પણ સમાવેશ થાય છે. કચ્છના વિવિધ આધાર કેન્દ્રો પર દૈનિક ૧૦૦ થી પણ વધુ અરજદારો આધારમાં નામ – સરનામા કે જન્મ તારીખના સુધાર માટે આવતા રહે છે. કચ્છમાં હાલે ૧૮ વર્ષથી ઉપરના અરજદારો કે જેઓએ આ અગાઉ કયારેય આધારકાર્ડ બનાવેલ નથી તેઓ હવે મામલતદાર કચેરી સિવાય કયાંક આધારકાર્ડ બનાવી શકતા નથી. માત્ર નવા આધારકાર્ડ જ નહીં કચ્છમાં હાલે તો આધારકાર્ડમાં સામાન્ય ફેરફાર કરવાની પણ ખોરંભે ચડી છે. માન્ય આધાર કેન્દ્રો પર નવી નીતિ અનુસાર આધારકાર્ડમાં સુધારા માટે કયા દસ્તાવેજો માન્ય રહેશે તેની કોઈ ચોક્કસ માહિતી ન હોવાથી અરજદારોને યોગ્ય જવાબ પણ મળી રહ્યો નથી.આધારકાર્ડમાં નામ કે અટકમાં ફેરફાર, જન્મ તારીખમાં ફેરફાર, કે મોબાઈલ નંબર લીંક કરવાની કામગીરી પણ તદ્‌ન ઠપ્પ થઈ ગઈ છે. નવી નીતિ અમલમાં આવી તે પૂર્વે પણ જેમણે સામાન્ય સુધારા વધારા માટે અરજી કરી છે તેઓના આધારકાર્ડમાં પણ યોગ્ય અપડેશન થયું નથી. આધારકાર્ડ દરેક સરકારી કામકાજોમાં ફરજીયાત બનાવી દેવાયું છે. આઈટી રીટર્ન, લોન અરજી, પાસપોર્ટ માટે આવેદન સહિતના અરજદારો માટે મહા મુસીબત ઉભી થવા પામી છે. આધારકાર્ડ અપડેટ ન થઈ શકતા તેને સંલગ્ન અન્ય કામગીરીઓ પણ અટકી ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ જાન્યુઆરી-૨૦૨૩થી નવી નિતી અમલમાં મુકી દેવામાં આવી છે. નવી નિતી અનુસાર હવેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આધારકાર્ડમાં સરનામુ બદલવા માટે જ તેમના સર્ટિફિકેટ આપી શકશે. આ સિવાય નવું આધારકાર્ડ કઢાવવા, આધારકાર્ડમાં નામ કે જન્મ તારીખમાં સુધારો કરવા માટે કોર્પોરેટર, ધારાસભ્ય કે કલાસ વન ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવશે નહીં. કચ્છમાં કાર્યરત માન્ય આધાર કેન્દ્રો, બેંકો કે સરકારી કચેરીઓમાં જયાં આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે ત્યાં હાલે અંધેર નગરી જેવું તાલ ખડો થયો છે. કેન્દ્ર સંચાલકો પાસે નવી નીતિ અનુસાર આધારકાર્ડની કામગીરી માટે કયા દસ્તાવેજો માન્ય નહીં રહે તેની તો સચોટ યાદી છે પરંતુ તેની અવેજીમાં કયા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી ન હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. સરકાર દ્વારા પારદર્શીતા માટે પગલા લેવાયા છે તે યોગ્ય છે પણ આ નવી નીતિથી આધારકાર્ડની પ્રક્રિયા જ ઠપ્પ થઈ જતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. તો બીજીતરફ સરકારે ૧૦ વર્ષ જૂના આધારકાર્ડોને અપડેટ કરવાનું ફરજીયાત કરી દેતા જૂના આધારકાર્ડ ધારકો માટે પણ મુસીબત ખડી થઈ છે. ત્રણ મહિનાથી ઠપ્પ આધારકાર્ડની કામગીરીના લીધે જૂના અને નવા આધારકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે.

નવું આધારકાર્ડ મેળવવા માન્ય પુરાવા કયા-કયા?

પાંચ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકો માટે
• માન્ય ભારતીય પાસપોર્ટ (ઓળખ, સરનામાનાં અને જન્મ તારીખના
પુરાવા તરીકે માન્ય ગણાશે)
• ફોટાવાળુ રેશનકાર્ડ (ઓળખ અને સરનામાનાં પુરાવા તરીકે માન્ય રહેશે, જન્મ તારીખના નહીં)
• માન્ય ભારતીય ડ્રાઈવીંગ લાઈસન્સ (ઓળખ અને સરનામાનાં
પુરાવા તરીકે માન્ય રહેશે, જન્મ તારીખના નહીં)
• પાનકાર્ડ (ઓળખના પુરાવા તરીકે માન્ય રહેશે. પરંતુ તેની સાથે સરનામાનાં પુરાવા તરીકે રેશનકાર્ડ અથવા ઈલેકશન કાર્ડ અથવા ભારત સરકાર દ્વારા બતાવેલ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ જેમાં સંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર કે કલાસ-વન ગેઝેટેડ ઓફિસરે આપેલુ સર્ટિફિકેટ રજૂ કરવાનુ રહેશે.)

આધારકાર્ડમાં સુધારા માટે કયા પુરાવા માન્ય રખાશે?
• માન્ય ભારતીય પાસપોર્ટ (નામ, સરનામા, જન્મ તારીખમાં સુધારા માટે)
• પાનકાર્ડ (ફકત નામમાં સુધારો કરવા માટે)
• ફોટાવાળુ રેશનકાર્ડ (નામ અને સરનામામાં સુધારો કરવા માટે, જન્મ તારીખમાં સુધારો કરવા માટે નહીં)
• ચૂંટણી કાર્ડ (નામ અને સરનામામાં સુધારો કરવા માટે, જન્મ તારીખમાં સુધારો કરવા નહીં)
• માન્ય ભારતીય લાઈસન્સ (માત્ર નામમાં સુધારો કરવા માટે,સરનામામાં કે જન્મ તારીખમાં સુધારો કરવા માટે નહીં.)

આધારકાર્ડ સંબંધી સમસ્યાના નિકાલ માટે જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમ બનાવવાનું આયોજન
આધારકાર્ડની યોજના ર૦૧રમાં શરૂ કરાયા બાદ આધારકાર્ડ અંગેની સમસ્યા સહિતની બાબતોએ મુખ્ય ઓફિસ મુંબઇ હોવાથી ખાસ કિસ્સામાં અરજદારોને ત્યાં સુધી પહોંચવું પડતું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં આધારકાર્ડ સેન્ટરોની સમસ્યાઓને દૂર કરવા માટે કચેરી ઉભી કરવામાં આવી હતી. જો કે તાજેતરમાં યુઆઇડીની યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં તમામ જિલ્લાકક્ષાએ આધારકાર્ડ કંટ્રોલરૂમ બનાવવાનું આયોજન વિચારવામાં આવ્યું છે. જેથી આધારકાર્ડ ખોવાઇ જાય, ગૂમ થઇ જાય કે ઓનલાઇન સુધારામાં તકલીફ સમયે કંટ્રોલરૂમનો સંપર્ક સાધી શકાય તે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હવે આધારકાર્ડ સિકયોરીટી સાથેનો દસ્તાવેજ
સમગ્ર દેશમાં વ્યક્તિઓની ઓળખ માટે આધારકાર્ડ નંબરને મુખ્ય દસ્તાવેજ તરીકે પરિવર્તિત કરવા માટે યુડીઆઇ દ્વારા આયોજનબદ્વ પ્લાનિંગ કરાયું છે. જેમાં દસ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરાવવા માટે વ્યક્તિએ સાચા અને તંત્ર દ્વારા પૂર્તતા કરાયેલ (શંકાસ્પદ કેસોમાં સ્થળ તપાસ પણ કર્યા પછીના અહેવાલના આધારે) દસ્તાવેજોને લીંક કરીને નવું આધારકાર્ડ તૈયાર કરાશે. જેથી સંભવતઃ અગાઉના સમયમાં બનાવટી આધારકાર્ડ દ્વારા વ્યક્તિએ સરકારી સહાય, યોજનાકીય લાભો કે અન્ય રીતે ખોટો લાભ મેળવ્યો હશે કે કોઇ વિગતો છૂપાવી હશે તો હવે અપડેટ કરાયેલ આધારકાર્ડ સાથે જોડાયેલી લીંકના કારણે આંગળીની એક કિલકે કમ્પ્યુટરના સ્ક્રીન પર જે તે આધારનંબર નાંખવાથી વ્યક્તિની આખેઆખી કુંડળી જોવા મળશે.

એનઆરઆઈ આધારકાર્ડની એન્ટ્રીમાં સ્થળ, સરનામાની ચકાસણીની મામલતદારોને સોંપાઇ જવાબદારી
કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકો વિશ્વના વિવિધ દેશોમાં વસવાટ કરી રહ્યા છે. જેઓ સમયાંતરે વતન આવે ત્યારે વિવિધ સરકારી સહિતની કામગીરીમાં આધારકાર્ડની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. જો કે સમયનો અભાવ સહિતના કારણોસર કેટલાક એનઆરઆઇ નાણાં ખર્ચીને વચેટીયા મારફતે આધારકાર્ડ કઢાવતા હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું છે. જેથી યુઆઇડીની તાજેતરની યોજાયેલ બેઠકમાં હવે જે વિસ્તારના ગામ, શહેરમાંથી એનઆરઆઇના નવા આધારકાર્ડ માટેની એન્ટ્રી આવશે તો તે વ્યક્તિ, તેના ગામ, રહેઠાણ સહિતના સરનામાની ચકાસણી કરવાની જવાબદારી સંલગ્ન મામલતદારોને સોંપવામાં આવી છે.

ગાંધીધામનો શાહીકાંડ : ભુજવાળાઓના પેટનું પાણી પણ ન હાલવા પાછળનું રહસ્યું શું? કઈક તો કડક પગલા લો!

0

  • રાજકિય ગતકડાઓની મજા લઈ રહ્યા છો કે શું?

ગાંધીધામની નગરપાલિકામાં રાજકિય ભવાઈ તમામ હદ વટાવી ચૂકી છે, એકલ-દોકલ મનસ્વી નીતીરીતીવાળા પદાધિકારી થકી પક્ષની આબરૂ-પ્રતિષ્ઠાને પણ સતત લાગી રહ્યા છે બટ્ટા : પહેલા તો સત્તાપક્ષના ૪૧ સભ્યોએ વિરોધ પ્રસ્તાવ રજુ કર્યો, તે બાદ તાજેતરમા જ ફરીથી ૩૦ સભ્યો બીજાએ ખુલ્લીને જ અસંતોષ દર્શાવ્યો, છતા પણ ભુજવાળાઓની આંખે પાટ્ટા જ બંધાયેલા હોય તેમ બોલ્યા જ નહી, કોઈ કડકાઈભરી-ધાક બેસાડતી કાર્યવાહી જ નહીં..? તેના પછવાડે શું? : પક્ષના સનિષ્ઠોમાં વધતો કચવાટ

સસ્તામાં મળી જતી વસ્તુ / પદની કિંમત ન હોય તે સાચું ઠર્યું : વર્ષો સુધી સેવા કરી પ્રમુખ બને તેજ બધાની પીડા સમજી શકે અને સૌને સાથે રાખીને પણ ચાલી શકે પણ અહીં તો મફતમાં પદ મળેલ છે તેમ પ્રજા પીડા ભોગવે છે

બગાસા ખાતા પત્તાસા વાળી સુકાની થકી પ્રજા ત્રાહીમામ છે, છતાં કોઈના પેટનું પાણી નથી હાલતું, હવે પ્રજા જાગે વડાપ્રધાન સુધી ફરિયાદ કરે, તો જ જવાબદારોની આંખ ઉગડશે

ધારાસભ્યશ્રીથી માંડી અને બધાય આ સુકાનીને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ આ સુકાની તો પોતા પર થયેલ હુમલા બાબતે જકી વલણ પકડી જ રાખ્યુ.. છે, તેના પરથી જ ખ્યાલ આવી શકે છે કે, આ સુકાની રાજકિય અને પ્રજાકીય સેવાની ભાષા સમજતા હોય તેવુ જોવા ઓછુ મળે છે, એટલે તેઓ ખરેખર તો રાજકીય છે જ નહી તેવુ પણ ફલિત થાય છે..ઃ હવે આ સુકાની માનશે તો એક જ સાહેબથી માનશે, હવે આ સાહેબ છે કોણ..? : ગામમાં ચોરે ચોટે ચાલતી ચર્ચા

નગરપાલિકામાં સુવિધાઓ હોવા છતા પણ ટાઉનહોલમાં મીટીંગ કેમ રખાઈ?

ગાંધીધામની પ્રજા-મતદારોએ તો નગરપાલિકા હોય કે વિધાનસભા, પક્ષને ખોબલે ખોબલે મતો આપ્યા છે, પરંતુ આ જ મતદાતાઓ પ્રત્યે કોઈને પણ સાચી લાગણી હોય તેવ દેખાતુ જ નથી, એવું ન બને કે, મતદાતાઓ સાવ મોઢું ફેરવી દે..!

ગાંધીધામના પ્રજાજનોનો વાંક છે જ શુ? : ભાજપ પર ભરોસો મુકયો એટલો જ..!ખોબલે ખોબલે મતો આપી ઐતિહાસીક જીત અપાવી એ જ ગુન્હો? તો હવે શુ ભાજપ પર પ્રજા ભરોસો ન કરે..? મતદારો-પ્રજાજનોને બહુ હેરાન-પરેશાન ન કરો, ત્રાસ ન આપો..તેમની પાસે પણ મતાધિકારનું હથિયાર છે, તેનો ઉપયોગ કરશે મતદારો તો રખડી પડશો અને શોધ્યા પણ નહી જડો : પ્રબુદ્ધવર્ગની ટકોર

ગાંધીધામ : પૂર્વ કચ્છની અ વર્ગની ગાધીધામ નગરપાલિકાની સામાન્ય સભાનો તાજેતરનો શાહીકાંડનો ઘટનાક્રમ દરેક જગ્યાએ લોકશાહી માટે શર્મશાર કરતી જ બીના હોવાના ફિટકાર સાથે ચર્ચાના એરણે ચડેલી છે. નાનાથી લઈ અને મોટા સૌ કોઈ કચ્છમાં આ ઘટનાથી અવગત છે પરંતુ જે રાજકીય પક્ષને માટે આ ઘટના કાળીટિલ્લી સમાન બની જવા પામી છે તેના મોભીઓ એટલે કે ભુજવાળાઓ જાણે કે, આ ઘટનાથ બેખબર જ હોય અથવા તો પછી આવી ઘટનાઓ અને પક્ષની આજ આંતરીક ચડાખડી અને રાજકીય જુથવાદીનો બેઠા બેઠા લાભ-મજા લઈ રહ્યા હોય તેમ ચૂપકીદી સેવીને બેઠા હોવાથી સવાલો ઉભા થવા પામી રહ્યા છે.શહેરનો પ્રબુદ્વવર્ગ પુછી રહ્યો છે કે, ગાંધીધામના શાહીકાંડમાં ભુજવાળાઓના પેટનું પાણી પણ ન હાલવા પાછળનુ રહસ્ય છે શુ? પ્રજાજનો પીડાય છે, શહેરની હાલત નર્કાગાર બની ગઈ છે, સત્તાપક્ષના કાઉન્સીલરો ખુદ વિરોધ કરી ચૂકયા છે, પ્રથમ ૪૧ સભ્યોએ વિરોધ નોધાવ્યો તે બાદ ૩૦ સભ્યોએ પદાધીકારીઓની નીતીરીતીનો વિરોધ કર્યો તે વખતે પણ ભુજવાળાઓએ જાણે કે, નજરઅંદાજી જ કરીહોય તેમ ધાક બેસાડતી કાર્યવાહી કરી હોય તેવુ દેખાયુ નહી. નગરપાલિકામાં અણઆવડતવાળા તથા બગાસા ખાત્તા પત્તાસાવાળા સુકાનીથી સૌ કોઈ ત્રાહીમામ ત્રાહીમામ છે. પ્રજા પીડાઈ રહી છે. સભ્યો નારાજ છે, કામો થતા નથી, પક્ષની સાંખને ધક્કા લાગી રહ્યા છે, સરકારની યોજનાઓની અમલવારી સમાંતર રીતે થતી નથી, તેમ છતા ભુજવાળાઓને આ કંઈ જ દેખાતુ જ નથી? આ બધાના મુળમાં રહેલી બની બેઠેલા સુકાની સામે કેમ કોઈ જ કડક પગલા લેવાતા નથી? કે પછી નગરપાલીકામાં જે રાજકીય દંગલ જામેલ છે તેને ભુજવાળાઓ બેઠા બેઠા મજા લઈ રહ્યા છે તેવુ તો નથી ને?પ્રજાજનો અહી પુછી રહ્યા છે કે, અમારો વાંક છે શુ? ગાંધીધામના મતદારોએ ભાજપ પર વિશ્વાસ-ભરોસો મુકયો તે જ એમની ભુલ? એટલે તેઓને અહી આ પ્રકારની પીડીાઓમાથી પસાર થવાનો વારો આવ્યો છે કે શુ? તોહવે ગાંધીધામવાસીઓ ભાજપ પર વિશ્વાસ ન મુકે? અહી કોઈ જ કામના ઠેકાણા નથી. ગટર-પાણી અને ગંદકી તથા રોડ-રસ્તાઓ તો બધાયને દેખાય છે, ઉપરાંત જલ સે નલ યોજનાના કામો થયા છે તેની પણ હાલત આવી જ બદતર છે. જયા જયા કનેકશનો દીધા છે ત્યાં વાલ્વ મુકાયા જ નથી અને પાણીનો થઈ રહ્યો છે મોટો વેડફાટ. ઘરોને પણ પાણી નથી મળતુ અને વેડફાટ પણ મોટો થાય છે, એટલે સુધરાઈના આવા પદાધિકારી થકી સરકારી યોજનાનો પણ ફિયાસ્કો જ થવા પામી રહે છે. પ્રજાને હકીકતમાં આટલા બધા ન પીડવો, ત્રાસ ન આપો, પ્રજાની પાસે પણ મતાધિકારનો હથીયાર છે અને જો પ્રજા આક્રોશમાં તેનો ઉપયોગ કયાંક વિરોધમાં કરશે તો રખડી પડશો અને શેાધ્યા પણ નહી મળો. હવે જયારે શાહીકાંડ જેવી ગંભીર ઘટના બની જવા પામી છે ત્યારે તો ભુજવાળાઓ જાગો..! પ્રજાને-નારાજ સભ્યો સહિતનાઓને પક્ષમાં વિશ્વાસ યથાવત રહે તેવુ કોઈ સમ ખાવા પુરતુ કદમ તો ઉઠાવી દેખાડો આ બની બેઠેલા બગાસા ખાત્તા પતાસાવાળા સુકાનીની સામે..!

  • આ તો વળી કેવુ અવનવુ..! : જિલ્લાવાળાઓ કરે તપાસ..!

ભ્રષ્ટાચાર નથી થતો, પરંતુ ગાંધીધામ સુધરાઈના હુ.તુ.ફઈ..વાળા નેતા-નેતીેએ ટુંકાગાળામાં કરોડોની અધધ મિલ્કતો ખરીદી…!

પ્રજાજનો પીડાય છે, ગટર-ગંદકીનો ત્રાસ છે, રોડ-રસ્તાઓ ઉબડખાબડ પડયા છે, પાણીના કામો ઢંગઢળા વગરના થાય છે, તો બીજીતરફ એ જ સુધરાઈના કયા પદાધિકારીએ બે-ચાર માસ પહેલા જ ડીબીઝેડમાં બે કરોડનો અને તે બાદ હાલમાં જ એકાદ માસ પહેલા ૩ કરોડના બંગલાઓ ખરિદ્યા? : તે ઉપરાંત વન-એમાં પણ નગરપાલીકાના કયા બની બેઠેલા હોદેદારે અઢી કરોડમાં આખેઆખી બિલ્ડીંગ જ ખરીદી લીધી? : તપાસ કરવામાં આવે તો બેનામી સંપત્તીઓ, ન.પા.ના કટકીકાંડનો મોટો ભાંડાફોળ થાય : પ્રબુદ્ધવર્ગની ટકોર

ગાંધીધામ : પૂર્વ કચ્છની અ વર્ગની નગરપાલીકા એટલે ગાધીધામ સુધરાઈ. અહી જયારથી હુ..તુ.ફઈ અને રતનીયો શાસનમાં આવ્યા છે ત્યારથી એક યા બીજીરીતે સતત વિવાદના મધપુડા છંછેડાય છે. આ શાશનવાળાઓની સામે પ્રજારોષ, ભ્રષ્ટાચાર, કટકી સહિતના મામલે ડખ્ખા થતા રહે છે. હાલમાં પણ શાહીકાંડ રચાયો તેમાં પણ વિપક્ષ સહિતનાઓ દ્વારા અહી ભ્રષ્ટાચારને લઈને જ આક્ષેપો કરવામા આવ્યા છે. છતા પણ હુ..તુ.ફઈ અને રતનીયો તો દુધના ધેાયેલા હોય તેમ જ અહી પાવલી માત્રનો ભ્રષ્ટાચાર થતો ન હોવાનુ રટણ જ રટ્ટી રહ્યા છે ત્યારે બીજીતરફ શહેરના પ્રબુદ્ધવર્ગો મોટો અંગુલીનિદેશ કરતા કહી રહ્યા છે કે, આ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર તો જરા સહેજ પણ નથી થતો ઉપરાંત પણ અહીના બની બેઠેલા છાપેલા કાટલા જેવા હુ..તુ..ફઈ સમાન હોદેદારો પાછલા ટુંકાગાળામાં જ શહેરમાં મોંઘીદાટ મિલ્કતો એકત્રિત કરી રહ્યા છે, ખરીદ્યા રહ્યા છે? કહેવાય છે કે, તાજેતરંમા જ એક આવા જ હોદેદારએ ડીબીજેડમાં ચારેક માસ પહેલા બે કરોડનો અને તે બાદ હાલમાં જ એકાદ માસ પહેલા પણ બેથી ત્રણ કરોડનો આલીશાન બંગલો ખરીદ્યો છે. તો વળી બીજા તેના જ સાથીદાર સમાન હોદેદારોએ વન-એમાં અઢી કરોડના ખર્ચે એક બિલ્ડીંગ જ ખરીદી લીધી છે. હવે સવાલ લોકો કરી રહ્યા છે અને જિલ્લાવાળાઓને પણ તપાસ કરવા માટે ટકોર કરી રહ્યા છે કે, આ રીતે અ..ધધ.. મિલ્કતો પાછલા ટુંકાગાળામાં અહી ખરીદનારા ગાંધીધામ નગરપાલીકાના એ હેાદેદારો કોણ છે? ભાજપના જ જિલ્લાવાળાઓએ હવે જાગવાની જરૂર છે. હવે આંખો પરથી પાટ્ટા ખોલવા જોઈએ. કારણ કે, પક્ષની આબરૂ ધુણધાણી તો વહેલી જ આવા તત્વોએ કરી દીધી છે પરંતુ હવે તો સમાજ-સમાજની સામે વૈમનસ્ય ઉભા થઈ જાય તેવા કૃત્યો ખુદની ભ્રષ્ટાચારની દુકાન ચાલુ રાખવાને માટે કરાવવા સુધી પહોચી ગયા છે. ભાજપનો જે સનિષ્ઠ અને વફાદર વર્ગ છે તે હવે આંતરીક રીતે આવી ઘટનાઓને લઈને ખુબ જ નારાજ થઈ રહ્યો છે. હવે વેળાસર જ આવા છાકટા બની ગયેલા હુ..તુ..ફઈ અને રતનીયા જેવાઓને સીધા દોર કરવાની દીશામાં નિર્ણય લેવામાં નહી આવે તો કદાચ પક્ષને વરેલો વફાદર વર્ગ હવે વિમુખ થતા પણ વાર નહી કરે. બગાસા ખાત્તા પત્તાસાવાળા સુકાની ન તો પક્ષના પ્રાથમિક સભ્ય છે કે, ન તો પક્ષની કોઈ જ પ્રકારની શિસ્ત-કર્મયોગીતાના પાઠ શીખવતી ચિંતન શીબિરમાં કયારે ભાગ લીધો છે? એટલે પક્ષની શિસ્ત-સિદ્વાંતોને તેને ખબર જ ન હોય તે સમજી શકાય છે અને એટલે જ તેઓ કેાઈને સાથે લઈને ચાલી જ શકતા ન હેાય તેમ દેખાય છે. ખરેખર શહેરની સુધરાઈ અને શહેરને ખેદાન મેદાન કર દેનારા તથા ખુદના ગજવા ભરી રહેલાઓની બેનામી સંપત્તીઓ અથવા તો આટઆટલા મોંઘાદાટ આલીશાન ઈમારતો-બીલ્ડીગ ખરીદવાના નાણા તેઓ પાસે આવ્યા કયાથી તેની તપાસ જિલ્લાવાળાઓએ વિના વિલંબે જ કરવી જોઈએ તેવી માંગ પ્રબુદ્ધવર્ગ કરી રહ્યું્‌ છે.

ગાંધીધામનો મુકેશ ગઢવી અકસ્માતગ્રસ્તોને આપી રહ્યો છે નવજીવન

0

૨૨ વર્ષીય મુકેશે અત્યારસુધી ૨૨થી વધુ માનવ જીંદગીને યમરાજાના હાથમાંથી આબાદ છીનવી લીધી છે : ગેરેજમાં કામ કરીને પેટીયું રળતા આ યુવાનની પ્રથમ પ્રાથમિકતા અકસ્માતગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની છે : કોરોનાકાળમાં ૮૦થી વધુ મૃતકોને અગ્નિદાહ આપીને માનવતા દિપાવી હતી

અકસ્માતની સ્થિતિમાં સમયસર સારવારના અભાવે અનેક માનવ દિપ બુઝાઇ જતાં હોય છે. ઘાયલો માટે શરૂઆતના કલાકો ખુબ જ કિંમતી હોય છે. આ સમયે જો કોઇ મદદે આવીને તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર આપે કે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા કરે તો મહામુલું જીવન બચાવી શકાય છે. આ જ વિચારધારા સાથે એક યુવાન છેલ્લા કેટલાક સમયથી કામગીરી કરી રહ્યો છે. આ યુવાન ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મશીહાનું કામ કરી રહ્યો છે. પોતાનો કિંમતી સમય કે રોજીરોટીની પરવાકર્યા વિના માત્ર ને માત્ર માનવતાને પ્રાધાન્ય આપતો ગાંધીધામનો ૨૨ વર્ષીય વિરલો યુવાન મુકેશ ગઢવી અત્યારસુધી ૨૨થી વધુ માનવીય જીંદગીને યમરાજના હાથમાં થી આબાદ બચાવી લીધી છે તેમ કહેવું જરાપણ ખોટું નથી.

        પંચરંગી શહેર ગાંધીધામની એક ગેરેજમાં કામ કરીને રોજનું પેટીયું રળતો મુકેશ પોતાના પરીવારના પાલનપોષણની જવાબદારી નિભાવવાની સાથે અકસ્માતમાં ઘાયલ થતાં લોકો માટે માનવતાની મિશાલ કાયમ કરી રહ્યો છે. મધ્યમવર્ગીય પરીવારનો આ યુવાન કોઇ સવલતો કે નાણા ન હોવાછતાં પણ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચૂપચાપ કરી રહ્યો છે.

        ભારતીય સંસ્કારને ઉજાગર કરતો મુકેશ ગઢવી જણાવે કે, ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર માનવ જાતના કલ્યાણની કામનાની વાત છે ત્યારે મારાથી બનતી મદદ અને સેવા હું કરવાનો પ્રયત્ન કરૂ છું. મારી પાસે નાણા કે અન્ય કોઇ માધ્યમ નથી કે હું મોટા સેવાકાર્યો કરી શકું પરંતુ સમયદાનથી કોઇને મદદ કરી શકું તો પણ આ દુનિયામાં આવવાનો મારો ફેરો સફળ થશે.  બસ આજ, વિચાર સાથે હું ગાંધીધામ કે આસપાસના વિસ્તારમાં કયાંય પણ અકસ્માત થાય તો સમાચાર મળતા જ તરત જ દોડી જઇને પ્રથમ કામ તેઓને હોસ્પિટલ પહોંચાડવાનું કરૂ છું.

        દિવસના ગેરેજમાં કામ કરવા સમયે પણ જો સમાચાર આવે તો પણ કામ છોડીને પ્રથમ ઘાયલોને મદદરૂપ બનવાનું કામ કરૂ છું. આ કામમાં મારા ગેરેજ માલિક પણ મને સહકાર આપે છે, આ સાથે સામાજિક સંસ્થાની એમ્બયુલન્સને મદદમાં લઇને આ કામગીરી કરૂ છું. અત્યારસુધી ૨૨થી વધુ માનવ  જીદંગીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને યમરાજના હાથમાંથી પાછી લાવી છે. જેનો મને સંતોષ છે.

        મુકેશ ગઢવીની આ કામગીરીની નોંધ સરકારે લઇને તાજેતરમાં તેને ” ગુડ સમરીટન એવોર્ડ”  એનાયત કરીને જિલ્લાકક્ષાએ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં પણ મહેશે રાત-દિવસ સેવાકાર્યો કરીને ૮૦થી વધુ કોરોનાગ્રસ્ત મૃતકોને અગ્નિદાહ આપ્યા હતા.

        આવા યુવાનો થકી જ માનવતા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર સમાજ અને વિશ્વમાં કાયમ છે અને સૌને પ્રેરિત કરે છે.

કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ

0

માનનીય કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી અને માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા TWGમાં ઉપસ્થિત રહેશે

ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરશે: ગ્રીન ટુરિઝમ, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, ટુરિઝમ MSMEs અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા પેનલ ડિસ્કશનનું સંચાલન કરવામાં આવશે*

UNESCO, યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP), એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ટુરિઝમ વર્કિંગ ગ્રુપની આ મીટિંગમાં હિસ્સો લેશે

B20 ઇન્સેપ્શન મીટિંગ પછી ગુજરાતમાં આ બીજી G20 ઇવેન્ટ છે

ગાંધીનગર, 03 ફેબ્રુઆરી: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે. 
મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય બાબત છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી કચ્છનું રણ વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છને એક સમૃદ્ધ પ્રવાસન અર્થતંત્ર બનાવવાના તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રયાસોને કારણે, કચ્છે તેના વાયબ્રન્ટ પ્રવાસન અર્થતંત્ર અને સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને પરંપરાને કારણે વૈશ્વિક પ્રવાસન નકશા પર એક છાપ ઉભી કરી છે.
TWG હેઠળ વધુ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-1 સમુદાયોના સશક્તિકરણ માટે ગ્રામ્ય પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી ઉપસ્થિત રહેશે. UNWTOના ટુરિઝમ માર્કેટ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટીટીવનેસના વડા સુશ્રી સાંદ્રા કારવાઓ આ કાર્યક્રમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરશે. UNWTO દ્વારા ‘પ્રવાસન નીતિ ગ્રામીણ વિકાસમાં પ્રવાસનના યોગદાનને કેવી રીતે સમર્થન આપી શકે’ તે વિષય પર એક પેનલ ડિસ્કશન કરશે. વક્તાઓમાં UNEP, ABD, ILO તેમજ ઇન્ડોનેશિયા, ઇટલી, સાઉથ આફ્રિકા, સ્પેન, જાપાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. 
7 ફેબ્રુઆરીના રોજ કચ્છમાં પધારેલા પ્રતિનિધિઓને કચ્છના સફેદ રણની મુલાકાત લેવાનો મોકો મળશે. માનનીય મુખ્યમંત્રી પ્રતિનિધિઓ માટે કચ્છ વિસ્તારના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું અને ગાલા ડિનરનું આયોજન કરશે. 
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા 8 ફેબ્રુઆરી, 2023ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 5 મુખ્ય મુદ્દાઓ પર વર્કિંગ સેશન્સ યોજાશે: 1) ગ્રીન ટુરિઝમ, 2) ડિજિટલાઇઝેશન, 3) કૌશલ્ય (સ્કિલ્સ), 4) ટુરિઝમ MSMEs અને 5) ડેસ્ટિનેશન મેનેજમેન્ટ. 
9 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય પાર્ટિસિપન્ટ્સ કચ્છના સફેદ રણ ખાતે આયોજિત યોગ સેશનમાં હિસ્સો લેશે. ત્યારબાદ તેઓ હડપ્પન સંસ્કૃતિની યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે.
9 ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-2 ‘પ્રમોશન ઓફ આર્કિયોલોજીકલ ટુરિઝમ: ડિસ્કવરિંગ શેર્ડ કલ્ચરલ હેરિટેજ’ (પુરાતત્વીય પ્રવાસનનો પ્રચાર: સંયુક્ત સાંસ્કૃતિ વારસાની શોધ) પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સચિવ શ્રી અરવિંદ સિંઘ આ બાબતે ઓપનિંગ રિમાર્ક્સ આપશે, જ્યારે મુખ્ય સંભાષણ યુનેસ્કો દ્વારા કરવામાં આવશે. 
આ મીટિંગના છેલ્લા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ માટે પધારેલા પ્રતિનિધિઓ સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેક્ટની મુલાકાત લેશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2022માં સ્મૃતિવન મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ 2001માં આવેલા ભૂકંપ પછીના ભુજની સફર આ સ્મારકમાં , સમૃદ્ધ હડપ્પન સંસ્કૃતિ, ધરતીકંપનું વિજ્ઞાન તેમજ ગુજરાતનો વારસો, સંસ્કૃતિ અને કલાને દર્શાવતી પ્રસ્તુતિઓના રૂપમાં વર્ણવવામાં આવી છે. અહીંયા, કંટ્રોલ રૂમ મારફતે રિયલ ટાઇમ ઇમરજન્સીની પરિસ્થિતિઓને પણ વર્ણવવામાં આવી છે. 

કાવ્યાબેન ખંડોલ બન્યા નૂતન દીક્ષિત પૂ. કૃપાર્થીનીજી મહાસતિજી

0

લીંબડી ખાતે દીક્ષા મહોત્સવ સંપન્ન : અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામીએ કરેમિ ભંતેનો પાઠ ભણાવ્યો

ભુજ : લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામીએ મુમુક્ષુ કાવ્યાબેનને દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ ભણાવતા જ હજારો ભાવિકોએ ભગવાન મહાવીરના ત્યાગ માર્ગના પ્રચંડ જયઘોષથી સંયમ સમોવસરણ ગૂંજી અને ગાજી ઉઠેલ હતો.
પૂ.ગુરુ ભગવંતે નૂતન દીક્ષિતનું નામ પૂ. કૃપાર્થીનીજી મહાસતિજી ઘોષિત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુમુક્ષુ કાવ્યાબેન જેઓ ખંડોલ પરિવારમાંથી આવે છે. અત્રે યાદ રહે કે ખંડોલ પરિવારમાંથી ૨૦ આત્માઓ જિન શાસનમાં દીક્ષિત બની સ્વ પરનું કલ્યાણ કરી રહેલ છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે, રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા મુમુક્ષુ કાવ્યાબેન ખંડોલના મામા થાય છે. સંયમ મહોત્સવ મધ્યે તેઓનું તથા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનું અજરામર સંપ્રદાય તરફથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પાવન અવસરે અજરામર સંપ્રદાય, બોટાદ સંપ્રદાય, લીંબડી ગોપાલ સંપ્રદાય, કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય સહિત ૫૦થી વધારે પૂ.સાધુ – સાધ્વીજીઓ સંયમ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ. ભાવચંદ્રજી સ્વામીએ મનની પ્રવચન આપતા ફરમાવેલ કે, પૂ.સાધુ – સંતો ભક્તો અને ભગવાનને જાેડવાનું સેતુનું કામ કરે છે. નૂતન દીક્ષિત પૂ.કૃપાર્થીનીજી મ.સ.ની વડી દીક્ષા ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૬/૨/૨૦૨૩ના સોમવારે ગાદિના ઉપાશ્રય લીંબડી ખાતે રાખેલ છે તેમ ભરતભાઇ ડેલીવાળાએ જણાવ્યું હતું.

પરંપરાગત રીતે માઇનો ઉર્ષ ઉજવાયો

0

સમૂહશાદીના આયોજન માટે મિટીંગ યોજાઈ : વિચરતી જાતિમાં સમાવેશ કરાવવા માટે સમિતિ રચાઈ

ભુજ : હઝરત માઈ ભમ્ભી રહમતુલ્લાહ અલયહનો ઉર્ષ પરંપરાગત રીતે વિક્રમ સંવતના પ્રથમ સોમ, મંગળ, બુધવારના માયના પડ, સુમરાસર (જત), તા. ભુજ ખાતે યોજાયો હતો. કચ્છ જિલ્લા જત સમાજની મીટિંગ તંબુ (મડપ)માં મળી હતી, જેમાં જત સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા થઈ હતી.
તા. ર૮-૨, રવિવારના કચ્છ જિલ્લા જત સમાજની ૧૪મી સમૂહશાદી માયના પડ ખાતે યોજાવાની છે. આ સમૂહશાદીના આયોજન માટે માયના પડ ખાતે જત સમાજની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી. જત સમાજને વિચરતી જાતિમાં સમાવવામાં આવે તે માટેની સરકારી રજૂઆતો અને વિધિ માટે જત આમદભાઈ અલારખ્યાના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવી હતી. ભુજમાં શાંતિનગરમાં હોસ્ટેલના બીજા માળના નિર્માણ માટે નાણાંની જરૂર હોઈ સુખી-સંપન્ન લોકોને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરવામાં આવી હતી. દર વર્ષેે જત સમાજનો જિલ્લા કક્ષાનો સંમેલન યોજવાનો નિર્ધારીત કરવામાં આવ્યો હતો. સમાજમાંથી કુરિવાજાે દૂર કરવા યુવાઓને પ્રયત્નશીલ રહેવા હાકલ કરાઈ હતી. મીટિંગની શરૂઆત તિલાવતે કુઆર્ન મજીદથી કરવામાં આવી હતી. મીટિંગના અંતે ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ દુઆએ ખેર સાથે સભા સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે જત હાજી સલીમ અહેમદ (મુંદરા) (પૂર્વ પ્રમુખ), જત ઈશાક જુમ્આ (પ્રમુખ), જત મામદ રહીમ (ઉપપ્રમુખ), જત ઈબ્રાહીમ રમજુ (લાખોંદ), જત ઈબ્રાહીમ સુલેમાન (મહામંત્રી), જત હનીફ સાલેમામદ (મંત્રી), જત આમદ અલારખ્યા (ભુજ), જત જાકબ અલીમામદ, જત ઈબ્રાહીમ કેપીટી, જત મામદ જંુગ, મલેક ઇકબાલભાઇ, જત અલીમામદ, જત યુનીસ (લાખાણીયા જતવાંઢ), જત વલીમામદ મસીરી, જત આરબ નાથા, જત સાલેમામદ (હોથીયાય), જત ઈસા ઉમર મૌલાના, જત હનીફ હુસેન (રોયલ), જત મામદ રમજુ, જત ઉમર ઓસમાણ, જત ડાડા અબ્દ્રેમાન, જત ઈસ્માઈલ મામદ, ખાનાજી મલેક (માલવણ), જત ઈબ્રાહીમ (અંજાર), કાસમ જુમ્મા, મલેક સિકંદર કરીમખાન, મલેક ઈલ્યાસ ખાન, મલેક હનીફ ખાન, મલેક ઉમર ખાન, મલેક કારૂભાઈ, જત ઠારૂ (બીટીયારી), જત ઝકરીયા નૂરમામદ (સાન્ધ્રો), જત અબ્દુલ્લાહ બુઢા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બદલતા વાતાવરણમાં શરદી, ખાંસી ઉપરાંત સ્વાઇનફ્લુથી પણ સાવધાની

0

જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગે સાવચેતીની આપી સલાહ : કફ સીરપ તબીબની સલાહ સિવાય ના લેવા માર્ગદર્શન

ભુજ : વાતાવરણમાં થોડું પણ તાપમાન વધે એ સાથે ગરમ કપડાં હડસેલી દેવામાં આવે છે, પરંતુ આ અસાવધાની સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કારણ કે ઠંડી સંપૂર્ણપણે દૂર થઇ ન હોવાથી શરદી, ખાંસી સાથે વાયરલ ઉપરાંત સ્વાઇનફ્લૂ પણ દેખાતો હોવાથી બદલાતા મોસમમાં વધુ સાવચેત રહેવાની સલાહ અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો જયેશ ત્રિવેદીએ આપી છે.
વધુમાં જણાવ્યું હતું કે, શિયાળો તેની ચરમસીમાએ હોય ત્યારે સૂર્યપ્રકાશમાં વિટામિન ડીનું પ્રમાણ વધુ હોય છે અને તાપમાન ઊંચકાય તો આ વિટામિનની માત્રા સૂર્ય પ્રકાશમાં ઘટે છે, એ હિસાબે પણ રોગપ્રતિકારક શક્તિ વિચલિત થાય છે. જેથી રોગનું પ્રમાણ વધે છે. એટલું જ નહિ, ઠંડા વાતાવરણમાં શરીરના પ્લેટલેટ્‌સ ચોંટી જવાની પ્રક્રિયા થતી હોવાથી અનેક વિસંગતતા ઉભી થાય છે. આવા વાતાવરણમાં અને ખાસ કરીને સવાર સાંજ ઠંડકનું પ્રમાણ બપોર કરતાં વધુ હોવાથી મગજમાંથી નીકળતા કેટલાક ગ્રોથ હોર્મોનની માત્રા વધુ હોય છે. એવા સંજાેગોમાં ઘણી વખત હૃદયરોગ, લકવા વિગેરેના બનાવો પણ જાેવા મળતા હોય છે. આ ઉપરાંત આ ઋતુમાં ચરબી યુક્ત ખોરાક લેવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે તેને લીધે પણ શરદી ખાંસી અને વાયરલ દેખાય છે.
તબીબે કહ્યું કે, ઘણીવાર ખાંસીગ્રસ્ત દર્દી કોઈના કહેવાથી અગર જાતે જ કફ સીરપ લઇ સારવાર શરૂ કરી દે છે, આ બાબત પણ તંદુરસ્ત નથી. કારણકે તેમાં રહેલા તત્વો, જાે યોગ્ય નિદાન અને સમજ વગર લેવાય તો નુકસાન વધુ કરી શકે છે. આમ તબીબની સલાહ સિવાય જાતે કફ સીરપનો ઉપયોગ ના કરવા જણાવાયું છે , જાેકે આ સીરપ જ નહિ કોઈપણ દવા ડો.ની સલાહ શિવાય લેવી હિતાવહ નથી.

બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાણી લખતી દિકરીઓ

0

માલધારી સમાજની બે ગ્રામીણ દિકરીઓએ આર્ચરી પર સફળ હાથ અજમાવી નેશનલ સુધી સાધ્યું તીર

ઓલિમ્પિક અને કોમન વેલ્થ સુધી પહોંચવાની જિજ્ઞા રબારી અને ચેતના રબારીની તમન્ના

જિજ્ઞાની ધગશ અને રાષ્ટ્રીય સિધ્ધી જોઇને માલધારી પિતાએ એક લાખની કિંમતની આર્ચરી કીટ લઇ આપી 

દિકરીને જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.
અહીં વાત કરવી છે અંજાર તાલુકાના વરસામેડીની જિજ્ઞા અરજણભાઇ  રબારીની અને અજાપરની ચેતના સકરાભાઈ રબારીની જેણે નાનપણ ગાયો-ભેંસો વચ્ચે વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નાનપણથી  રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન પ્રાપ્ત થયું. જે બાદ આ બંને દિકરીઓને ઉડવા માટે ખુ્લ્લું ફલક અને મોકળું મેદાન મળી ગયું. બંને દિકરીઓની કાબેલિયતને ઓળખીને આર્ચરીમાં તાલીમ આપવામાં આવતા આજે ૧૪ વર્ષની જિજ્ઞા અને ૧૩ વર્ષની ચેતના નાનકડા ગામથી લઇને સમગ્ર ગુજરાતનું નામ દેશમાં રોશન કરી રહી છે. તાજેતરમાં કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં બંને દિકરીનું ખાસ જિલ્લા સર્માહતાએ ખાસ સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.
 જિજ્ઞા રબારી જણાવે છે કે, માતા – પિતા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ભણતર અને રમત-ગમત ક્ષેત્રે મારી રૂચિ જોઇને આ ક્ષેત્રે આગળ વધવા મને ખુબ જ સહયોગ આપે છે. મોટાભાગે દિકરીઓને રમત-ગમતમાં કારકિર્દી બનાવવામાં સમાજ તથા વાલીઓની માનસિકતા નડતરરૂપ બનતી હોય છે. પરંતુ મારા પિતા નિરક્ષર હોવાછતાં પણ મારી પડખે ઉભા છે. મારી આર્ચરી ગેમમાં ધગશ અને નેશનલ સુધીની રમત જોઇને રૂપિયા એકલાખની કિંમતની આર્ચરી લઇ આપી છે. 
રીકવર આર્ચરીમાં હથોટી ધરાવતી જિજ્ઞા આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આંધ્રપ્રદેશ-વિજયવાડામાં આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયને રી-પ્રેઝન્ટ કરીને કવોલીફાઇડ કર્યું હતું. તો ધો.૮માં અભ્યાસ કરતી ચેતના રબારી કમ્પાઉનડ આર્ચરી કેટેગરીમાં નેશનલ ગેમ રમીને કવોલીફાઇડ થઇ હતી. આ બંને દિકરીઓ આજે કચ્છ અને ગુજરાતનું ગૌરવ બનીને ઉભરી રહી છે અને આર્ચરીમાં આગળ વધી રહી છે. જે દર્શાવે છે કે, દિકરીઓને માત્ર પ્રોત્સાહન આપવામાં આવે તો તે ધારે તે કરી શકે છે. 
જિજ્ઞા અને ચેતના જણાવે છે કે, અમારા જેવા ગ્રામ્ય વિસ્તારની દિકરીઓ જે મોટાભાગે આગળનો અભ્યાસ કરવાના સપના પણ જોઇ શકતી નથી તેવી દિકરીઓમાં રમતની આવડત પારખીને તેને સ્પોર્ટસ સ્કુલમાં તમામ પ્રકારની તાલીમ, ફુડ તથા અભ્યાસ કરાવવાની સરકારની જહેમત અમારા માટે વરદાનરૂપ છે. સરકારના બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત આ પ્રકારની અપાતી સવલતો તેમજ પ્રોત્સાહન  થકી અમારી સમગ્ર જીંદગી બદલાઇ ગઇ છે અને ભવિષ્યમાં અનેક દિકરીઓને આ જ રીતે તકો મળતા તેઓ સોનેરી ભારતના સપના સાકાર કરવાના સપનામાં પોતાનું યોગદાન આપી શકશે. અમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરીએ છીએ જે રાજય અને દેશની દિકરીઓની માવતર બનીને ચિંતા કરી રહ્યા છે.

માધાપરની ભવ્યા ડાકીએ કેવીએસ આયોજીત નેશનલ ગેમમાં પાંચકો રેન્ક મેળવ્યો

ભુજ કેન્દ્રીય વિદ્યાલય નં.૨ આર્મી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી માધાપરની ભવ્યા દિનેશ ડાકીએ હરીયાણા ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં તાજેતરમાં સમગ્ર દેશમાં પાંચમો ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ભવ્યા જણાવે છે કે, સરકારની બેટી બચાવો, બેટી બઢાઓ અભિયાન થકી આજે રમત-ગમત ક્ષેત્રે છાત્રાઓને ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે. સરકારની પ્રોત્સાહક યોજનાઓ તથા અભ્યાસમાં કરાતી મદદના કારણે જ મારા જેવી દિકરીઓ આગળ સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બની છે. મારા માતા-પિતાના અમુલ્ય સહયોગ થકી આજે હું મોટા સપના જોઇ શકું છું. બસ મારી તમામ વાલીઓને અપીલ છે કે, તમારી દિકરીમાં જે પણ આવડત હોય તેને ઉજાગર કરવાની તક આપો. જો સરકાર દિકરીઓ માટે આટલું કરતી હોય તો માતા- પિતાએ માત્ર એક ઢાલ બનીને પોતાની વ્હાલીને જરૂર પ્રોત્સાહન આપવું જોઇએ.