ગાંધીધામના ગુરૂકુળ પાસે કારની ટક્કરે પ્રૌઢ રિક્ષા ચાલકનું મોત થતાં અરેરાટી

0
28

કટ પાસે પુરપાટ જતી હરિયાણા પાર્સિંગની ઈકો કારની હડફેટે બન્યો હતો બનાવ : વધુ અકસ્માતો ટાળવા તંત્ર પગલાં ભરે તે જરૂરી

ગાંધીધામ : સંકુલના ધોરી માર્ગો પર દરરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે, પરંતુ હવે સતત ટ્રાફીકથી ધમધમતા ટાગોર રોડ પર બેફામ દોડતા વાહનો અને રોડની અતરંગી વ્યવસ્થાના કારણે વધેલા અકસ્માતના બનાવ વચ્ચે ગુરૂકુળ પાસે કારની ટક્કરે આવી જવાથી રિક્ષા ચાલકનું મોત થવા પામ્યું હતું. જાણવા મળેલી વિગતો મુજબ મૂળ પાટણ – સિદ્ધપુરના અને હાલે ગાંધીધામના ઉમા દર્પણ બિલ્ડિંગમાં રહેતા ગૌતમ નટવરભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, તેમના પિતા રિક્ષા ચલાવે છે અને ગત તા. ૧રના ટાગોર રોડ પર ગુરૂકુળના કટ પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ જતી હરિયાણા પાર્સિંગની ઈકો કારે તેમની રિક્ષામાં ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ હતી. જેમાં નટવરભાઈને ઈજાઓ થતાં પ્રથમ રામબાગ અને બાદમાં ડિવાઈન લાઈફ કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ તેમનું મોત આંબી ગયું હતું. અકસ્માત સર્જનારી ઈકો કારે અન્ય એક બાઈકને પણ હડફેટમાં લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. મહત્વની વાત એ છે કે, ટાગોર રોડ પર આવેલા ર૦થી વધુ કટના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. કટ પર સુરક્ષા વ્યવસ્થા કે સિંગ્નલ ન હોવાથી અકસ્માતો બને છે. અને ગતિ નિયંત્રણ પણ જળવાતું નથી. ત્યારે તંત્ર ઘટતું કરે તે જરૂરી છે