ઊફફ… આ મહાકાય ટ્રાફિક જામમાંથી કયારે મળશે મુક્તિ

સૂરજબારી પુલ પર ડાયવર્ઝનના કારણે સતત બીજા દિવસે કિલોમીટરો સુધી વાહનોના લાગ્યા થપ્પાઃ માલવાહક વાહનોથી માંડી એમ્બ્યુલન્સ, એસટી તેમજ પ્રાઈવેટ વાહનો ફસાયા

ભુજ : કચ્છને જોડતા મોરબી – માળિયા હાઈવે પર હરીપર નજીક રેલવે ઓવરબ્રિજની દિવાલનો એક હિસ્સો તુટી પડતાં તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવી દિવાલ રીપેર કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છને જોડતા સૂરજબારી પુલ પર મહાકાય ટ્રાફિક જામ આજે સતત બીજા દિવસે પણ કિલોમીટરો સુધી યથાવતા રહેતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા.આ અંગેની વિગતો મુજબ માળિયા નજીક રેલવે ઓવરબ્રિજની દિવાલ ધસી પડતાં એક માર્ગનો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર ટ્રાફિક એક રોડ પર આવી જતાં વાહનોના થપ્પા લાગી ગયા છે. જિલ્લો ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગોનો હબ હોવાથી સૂરજબારી પુલ પર દરરોજ હજારો વાહનોની અવર જવર હોય છે. કચ્છથી બહાર જવું હોય કે અમદાવાદ, સુરત, વડોદરા માટે આ માર્ગ પર મુખ્ય ધસારો રહે છે, જેના કારણે સતત બીજા દિવસે કચ્છના પ્રવેશ દ્વાર પર વાહનોના થપ્પા લાગતા ડ્રાઈવર – ક્લિનરો સહિત સૌ કોઈ અકળાઈ ઉઠયા હતા. એક બે કલાક ઠીક પરંતુ કલાકો સુધી વાહન આગળ ન ધપતા લોકોએ વાહનો બંધ કરી રોડ પર બેસી ગયા હતા. મહાકાય ટ્રાફિક જામે વાહન ચાલકો, મુસાફરો સહિત સૌ કોઈને વ્યથીત કરી નાખ્યા હતા. આજે સવારે પણ પાંચ કિલોમીટરથી વધુ વિસ્તાર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

હાઈવે ઓથોરિટીના અધિકારીને ટ્રાફિક જામમાં બેસાડો : અકળાયેલા વાહન ચાલકોનો સૂર

ભુજ : નેશનલ હાઈવે ઓથોરીટીની કામગીરી અગાઉથી શંકાના દાયરામાં રહી છે. ત્યારે માળિયા પાસે રેલવે ઓવરબ્રિજની દિવાલ ધસી પડી છે, આવા સમયે ટ્રાફિક જામમાં કલાકોથી બેસી વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા છે. રેલવે તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પાપે લોકોને આ દિવસ જોવાનો વારો આવ્યો છે. જો શરૂઆતમાં દિવાલ બનાવતી વખતે જ કાળજી લેવાઈ હોત તો આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત. કલાકોથી ટ્રાફિક જામમાં અટવાઈ પડેલા વાહન ચાલકોએ અકળાયેલા સૂરે જણાવ્યું કે, આ ટ્રાફિક જામમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બેસાડો તો તેઓને અમારી વેદના ખબર પડે.ઝ્ર

ટોલ કંપનીઓ ભૂલી માનવતા, આવા સમયે તો ટોલ માફી આપવામાં શેની શરમ

ભુજ : કચ્છના નેશનલ હાઈવે અન્ય નેશનલ હાઈવેની સરખામણી ખખડધજ છે અન્ય જિલ્લાઓમાં નેશનલ હાઈવે પર ગાડીઓ પાણીની જેમ સળસળાટ દોડે છે, જેની સામે કચ્છના ભુજ – ભચાઉ અને ગાંધીધામથી સામખિયાળી સુધીના નેશનલ હાઈવે ઠેર- ઠેર ખાડા, ડાયવર્ઝન, આડેધડ પુલિયા જોવા મળે છે. નેશનલ હાઈવે શહેરના રસ્તા જેવા ખખડધજ બની ગયા છે. તેમ છતાં ટોલ કંપનીઓ દ્વારા મનસ્વી રીતે બેફામ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. અનેક વખત રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાયા નથી. નેશનલ હાઈવે ઓથોરીટી પર કચ્છના તંત્ર અને રાજકારણીઓના ચાર હાથ હોવાથી લોક સમસ્યાને પારખવામાં હાઈવે ઓથોરીટી સદંતર નિષ્ફળ નિવડી છે. હાઈવે ઓથોરિટીના પાપે ઘણા પરિવારો નોંધારા બન્યા છે. હાલમાં જયારે ડાયવર્ઝનનના કારણે એક માર્ગીય રસ્તો કરવામાં આવ્યો છે, ત્યારે કિલોમીટરો સુધી વાહનોના થપ્પા લાગ્યા છે. એકતરફ સમયની બરબાદી, બીજી તરફ મોંઘા ઈંધણનો વ્યય, ઉપરથી પાછુ હાડમારી ભોગવી ટોલ ચુકવવાનો જેથી આવી બેધારી નીતિઓના કારણે વાહન ચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. ત્યારે ટોલનાકાની કંપની આવા સમયે સહેજ પણ માનવતા દાખવે અને જયાં સુધી પરિસ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી ટોલમાં માફી આપે તેવી માંગણી પણ બૂલંદ બનવા પામી છે.

ઈમરજન્સીના દર્દીઓ અને મુસાફરો તડપી ઉઠ્યા

ભુજ : જિલ્લાના પ્રવેશ દ્વાર પર સર્જાયેલા ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સો પણ અટવાઈ પડી હતી, જેથી ઈમરજન્સીમાં જિલ્લા બહાર સારવાર અર્થે જતા દર્દીઓ દર્દથી કણસી ઉઠ્યા હતા. તો સારા નરસા પ્રસંગ માટે જતા મુસાફરો એક સ્થળે વાહનમાં બેસી અકળાઈ ગયા હતા. ઘણા વાહન ચાલકો તો ના છુટકે જિલ્લા બહાર જવા પાલનપુર નેશનલ હાઈવેનો ઉપયોગ કરી લાંબો ફેરો કર્યો હતો. એક તરફ ઈંધણના ભાવ વધારા વચ્ચે સમય અને ઈંધણ વધુ એક ફટકો પડ્યો હતો.