ONGC કચ્છમાં ૨૦૨૦ સુધીમાં ગેસ ઉત્પાદન શરૂ કરશે

ભુજ : તેલ અને ગેસના ભાવ વધી રહ્યાં છે ત્યારે ગુજરાતનું કચ્છ દેશ માટે રાહત રૂપી સાબિત થશે. ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન- ઓએનજીસી દ્વારા કચ્છમાં ઉત્પાદન શરૂ કરાશે, ૩૦ વર્ષ બાદ કચ્છ ઓફશોર બેઝિન માટે ઉત્તમ હોવાથી કંપની અહીં ૨૦૨૦ સુધીમાં ઉત્પાદન શરૂ કરશે. કચ્છના અખાતમાં ગયા વર્ષે ઓએનજીસી દ્વારા ૧૭ સંશોધનો કરવામાં આવ્યા છે, જે સંશોધન પાછળ ૨ બિલિયન ડોલરનો ખર્ચ થઇ ચુક્યો છે. કચ્છના તટપ્રદેશમાં ૧૧૦ મિલિયન મેટ્રિક ટન ગેસ રહેલો છે જેમાંથી ૨૯.૮૭ મિલિયન મેટ્રિક ટન રિકવર થવાની ધારણા છે. આ ગેસ શોધવાનો ખર્ચ ૫૦૦ મિલિનય ડોલર થશે. હાલ દેશના ૨૬ તટપ્રદેશ માંથી માત્ર ૭ બેઝિનમાં ઓએનજીસી ઉત્પાદન કરી રહી છે, એવામાં કચ્છના અખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસનું સંશોધન થઇ જથ્થો મળતા દેશનું અર્થતંત્ર સબળ બનશે અને ખાસ ઉર્જાતંત્રના સરહદી જિલ્લાના જોડાણથી એક નવી ઉર્જાનો સંચાર થશે.
ઓએનજીસી દ્વારા ૩૦ વર્ષ પૂર્વે કચ્છના અખાતમાં કાવીલ બેસીનમાં ઉત્પાદન શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. ત્યારબાદ આ પ્રથમ બનાવ બનશે અને દેશમાં તેલ અને ગેસના ઉત્પાદન માટે એક નવો વિકલ્પ બની રહેશે. સરકાર ૨૦૨૨ સુધીમાં આયાતનો લક્ષ્યાંક દસ ટકા ઘટાડવા માંગી રહી છે. કચ્છ બેસીનની શક્યતાઓ વધુ ચકાસવા પણ પ્રયાસો હાથ ધરાશે અને તે વેપારી ધોરણે કાર્યક્ષમ બને તે દિશામાં પણ કાર્ય હાથ ધરાશે. ઓએનજીસી કચ્છમાં એક ટ્રીલીયન ક્યુબીક ફીટ ગેસ સ્થાપીત કરવાની અને તે હાંસલ કરવાની કોશિષ કરી રહ્યું છે. આ વિસ્તારમાં તેલ હોવાની શક્યતાઓ પણ વ્યકત કરાઈ રહી છે.