‘વનનેશન-વનરેશન’ યોજના : કચ્છના લોકો ઝડપથી યોજનાનો ઉઠાવે લાભ

રાશનકાર્ડ ધારકોની આ યોજનામાં કાર્ડધારકને કોઈપણ દુકાનેથી રાશનનો મળી રહે છે જથ્થો : કચ્છમાં ધંધા-રોજગાર અને મજુરી અર્થે સંકળાયેલા પરપ્રાંતિય પરિવારોને રાશનકાર્ડમાં સરનામાના સુધારામાંથી મળી મુક્તિ

ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોના હિતમાં અવારનવાર નિર્ણયો લેવાતા હોય છે ત્યારે તાજેતરમાં વનનેશન- વનરેશન યોજના સમગ્ર ભારતમાં અમલી બનાવાઈ છે. આ યોજના હવે કચ્છમાં પણ લાગુ થઈ ગઈ છે. ત્યારે કચ્છના રાશનકાર્ડ ધારકો પણ સરકારની આ યોજનાનો લાભ મેળવે એ જરૂરી છે.કચ્છ જિલ્લો ઔદ્યોગીક જિલ્લો છે જેથી યુપી, બિહાર, એમપી, રાજસ્થાનમાંથી લોકો કચ્છમાં નોકરી માટે આવતા હોય છે. તો ગોધરા, દાહોદ, પંચમહાલ સહિતના સ્થળોએથી આદિવાસી પરિવારો ખેતમજુરી માટે કચ્છમાં સ્થાઈ થયા છે. નોકરીયાત વર્ગ પણ સામેલ છે. આવામાં જો કોઈને કચ્છમાં રાશન મેળવવું હોય તો તેઓએ પોતાના કાર્ડમાં સુધારા-વધારા કરી સરનામું કચ્છનું કરાવવું પડે જેથી સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મળે તેમ છે, પરંતુ હવે આ ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. કારણ કે, વનનેશન- વનરેશન યોજના કચ્છમાં પણ અમલી બની ગઈ છે. આ નવી યોજનાથી રેશનકાર્ડ ધારકોને કોઈપણ દુકાનેથી રાશન મળી શકશે. સરનામામાં પણ ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. ધારો કે કોઈ વ્યકિતનું રાશનકાર્ડ અમદાવાદનું છે અને તે ધંધા-નોકરી માટે ભુજમાં આવ્યો છે તો તેને ભુજમાં કોઈપણ રાશનની દુકાનેથી સસ્તા ભાવે અનાજ મળી જશે. જિલ્લામાં મુખ્યત્વે અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ સહિતના ઔદ્યોગિક પટ્ટામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો કંપની-ફેકટરીમાં નોકરી કરતા હોવાથી તેઓ આ યોજનાનો વધુ લાભ લઈ રહ્યા છે. તો ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં સ્થાઈ થયેલા લોકો પણ શહેરમાં નજીકમાં આવેલી રાશનની દુકાનેથી અનાજ લઈ રહ્યા છે.આ યોજના સમગ્ર દેશમાં અમલી છે. ખાસ તો કચ્છમાં આ યોજના નોકરીયાત વર્ગ, પરપ્રાંતીયો અને ખેતમજુરી સાથે સંકળાયેલા પરિવારો માટે આર્શીવાદરૂપ બની છે. આ યોજનાનો લાભ કેવી રીતે મળે એ અંગે પ્રકાશ પાડતા જિલ્લા પુરવઠા વિભાગના હેડ કલાર્ક દશરથસિંહ ઝાલાએ જણાવેલ કે, રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક હોય તો કોઈપણ રાશનની દુકાનેથી અનાજ મળી શકે છે. જેથી કાર્ડ ધારકો રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંકઅપ કરાવી યોજનાનો લાભ મેળવે તેવું કહ્યું હતું. નોંધનીય છે કે, કચ્છમાં એનએફએસએ અને નોન એનએફએસએ મળી કુલ પ,પ૬,૭૮૬ કાર્ડમાં ટોટલ ર૩.૬પ લાખ જેટલી જનસંખ્યાનો સમાવેશ થાય છે.

કચ્છમાં રેશનકાર્ડની નવી ૧૮ દુકાનો ખોલવા માટે દરખાસ્ત

હાલમાં જિલ્લામાં સસ્તા અનાજની કુલ ૬૬પ દુકાનો છે કાર્યરત : દરેક તાલુકામાંથી આવેલી અરજી અનુસંધાને વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ અપાશે મંજૂરી : જિલ્લામાં રેશનકાર્ડના લાભાર્થીઓની કુલ સંખ્યા ર૩.૬પ લાખ

ભુજ : કચ્છ જિલ્લામાં રેશનકાર્ડની નવી દુકાનો ખોલવા માટે જિલ્લા પુરવઠા તંત્રને અરજીઓ મળી છે, જેમાં જિલ્લામાં નવી ૧૮ દુકાનો ખોલવા માટે અરજદારોએ રસ દાખવતા તેઓની અરજી અનુસંધાને વિભાગની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જેથી થોડા સમય બાદ તેઓને કાયદેસર મંજૂરી અપાતા નવી ૧૮ દુકાનો કાર્યરત થશે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં એનએફએસએના કુલ ર,૮૬,પપ૬ કાર્ડ આવેલા છે, જેના લાભાર્થીઓની કુલ સંખ્યા ૧૩,૪૪,૮૪૯ છે, તો નોન એનએફએસએના કુલ ર,૭૦,ર૩૦ કાર્ડ આવેલા છે, જેની કુલ જન સંખ્યા ૧૦,ર૦,૮ર૩ છે, જેથી જિલ્લામાં રેશનકાર્ડની કુલ સંખ્યા પ,પ૬,૭૮૬ છે અને ટોટલ લાભાર્થીઓની સંખ્યા હાલમાં ર૩,૬પ,૬૭ર છે. હાલમાં દરેક તાલુકા – શહેરો – ગામડાઓમાં વ્યાજબી ભાવની દુકાન આવેલી છે, પરંતુ વસ્તી વધતા એક જ દુકાન પર કાર્ડ ધારકોનો ધસારો થઈ રહ્યો છે, તો વળી કેટલીક દુકાનોના સંચાલકોએ દુકાન સમેટી લીધી છે, તો કેટલીક દુકાનો ખાતાકીય કાર્યવાહી દરમ્યાન પોલીસ કેસ થતા તંત્રએ તેના શટર નીચે પાડી દીધા છે. આવા સંજોગોમાં કાર્ડ ધારકોને સમસ્યા ન રહે તે માટે નવી ૧૮ દુકાનો ખોલવા માટે પુરવઠા તંત્ર પાસે દરખાસ્ત આવી છે. આવી દરખાસ્તો જે-તે તાલુકામાં મોકલી અધુરાશોની પૂર્તતા કરવા માટે જણાવાયું છે, જે બાદ જાહેરનામું બહાર પાડી નવી દુકાનોને મંજૂરી આપવામાં આવશે તેવું કચેરીએથી જાણવા મળ્યું હતું.