ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક અને ટ્રેઈલર ભટકાતા એકનું ઘટના સ્થળે મોત

0
29

મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો દોડી આવ્યાઃ ક્રેઈનની મદદથી કેબીનમાંથી લાશ બહાર કઢાઈ

ગાંધીધામ : અહીં કાર્ગો રોડ પાસે ટ્રક અને ટ્રેઈલર ભટકાતા ઘટના સ્થળે એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ક્રેઈન મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે ૬ વાગ્યાના અરસામાં હાઈવે રોડ પર બનાવ બન્યો હતો. ટ્રક અને ટ્રેઈલર ભટકાતા બંને વાહનોની કેબીનનો ખુરદો બોલી ગયો હતો, જેમાં ઘટના સ્થળે ટ્રકની કેબીનમાં ફસાઈ જવાથી ગંભીર ઈજાઓના કારણે એક વ્યક્તિનું કરૂણ મોત થવા પામ્યું હતું. જયારે અન્ય એક ઘવાયો હોઈ રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને વાહન વ્યવહાર ક્લિયર કરવા સાથે પરિસ્થિતિ કાબૂમાં મેળવી હતી. બનાવને પગલે રહીશો પણ મદદે દોડી આવ્યા હતા. આ લખાય છે, ત્યારે એક વાગ્યાના અરસા સુધી બી ડિવિઝનના પોલીસ ચોપડે કોઈ નોધ ન હોઈ મરણજનારનું નામ જાણી શકાયું નથી.

ગાંધી માર્કેટ પાસે કારની હડફેટે વૃદ્ધા ઘાયલ

આતરફ ગાંધી માર્કેટ પાસે કારની હડફેટે આવી જવાથી વૃદ્ધાને ઈજાઓ થવા પામી હતી. ભારતનગરમાં રહેતા ૪પ વર્ષિય જયેશભાઈ ઈશ્વરલાલ ઠક્કરે જણાવ્યું હતું કે, આરોપી ફોર-વ્હીલર કાર નંબર જી.જે. ૧ર સીજી રર૩૩ના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને બેદરકારી રીતે હંકારી ફરિયાદીના માતાને પગના ઘુટણમાં ફેકચર અને શરીરના ભાગે છોલછામ સહિતની ઈજાઓ પહોંચાડી હોઈ ગુનો દાખલ કરાયો હતો.