અંજાર બેઠક પર સોળે કળાએ ખીલશે કમળ

0
30

અંજાર ભાજપના બે દિગ્ગજોએ વ્યક્ત કર્યો વિશ્વાસ : પાયાના કાર્યકરો પૂર્ણ જોશ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા : અંજાર પંથકમાં ભાજપ તરફી પ્રચંડ જનજુવાળ : મુદ્દા વિહોણા વિપક્ષોના સાફ થશે સૂપડા

અંજાર : વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે કચ્છભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. મતદારોને રિઝવવા રાજકીય પક્ષો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.કચ્છની અંજાર બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપે અંજાર બેઠક જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પોતાના વ્યસ્ત ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાંથી સમય ફાળવી અંજાર પંંથક બે દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કચ્છ ઉદય સાથે ખાસ મુલાકાત કરી હતી. અંજાર બેઠકના ધારાસભ્ય વાસણભાઈ આહિર અને ભાજપના અંજાર બેઠકના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાએ કચ્છ ઉદય સાથેની વાતચીતમાં ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પાયાના કાર્યકરોનો સહયોગ ઉત્સાહવર્ધક : ત્રિકમભાઈ છાંગા

અંજાર : ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ કાર્યકરોનો પરિવાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપ હાઈકમાન્ડે મારા જેવા પાયાના નાના કાર્યકર પર વિશ્વાસ મૂકી મને અંજાર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાની તક આપી તે બદલ હું પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો સદૈવ આભારી રહીશ તેવી લાગણી અંજાર બેઠકના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાએ વ્યક્ત કરી હતી. અંજાર શહેર અને તાલુકા ભાજપનું સંગઠન વિધાનસભા ચૂંટણી માટે સજ્જ છે. અમારા બુથ સમિતિ અને પેજ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણીમાં અંજાર બેઠક પર મોટી લીડ સાથે જીત મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળમાં કરેલી કામગીરી ધારાસભ્ય તરીકેની જવાબદારી વહન કરવા માટે ઉપયોગી સિદ્ધ થશે. વિકાસ એ જ ભાજપનો એક માત્ર મૂળ મંત્ર છે. ગત બે ટર્મમાં અંજાર વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના કાર્યકાળમાં ૩પ૦૦ કરોડ જેટલા વિકાસ કામોની વણઝાર સર્જાઈ છે. આવનારા દિવસોમાં પણ અંજાર વિસ્તારના માળખાકીય સુવિધાના વિકાસ અને બુનિયાદી સુવિધાઓમાં ખૂટતી કડીઓની પૂર્તતા કરવાની મારી અગ્રતા રહેશે.અંજાર વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં રોડ – રસ્તાની સુવિધાઓનો ખૂબ વિસ્તાર થયો છે, તો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ લોક સુવિધા માટે અનેક કામો થયા છે. અંજાર વિસ્તારના બાળકોને સારામાં સારું ઉચ્ચ શિક્ષણ અને રમતગમતની સારી સુવિધાઓ મળે એ મારી સૌથી પહેલી અગ્રતા હશે.વાસણભાઈ આહિર દ્વારા અંજાર શહેરમાં અનેક જિલ્લા કક્ષાની કચેરીઓને લાવવામાં આવી છે, જેનાથી સમગ્ર તાલુકાની જનતાને મોટી સગવડ ઉપલબ્ધ થઈ છે. તેમણે અંજારની જનતાને વિશ્વાસ આપતા વધુમાં ઉમેર્યું હતું કે, પ્રજાલક્ષી કામો માટે મારા ઘરના દરવાજા દરેક લોકો માટે ર૪ કલાક ખૂલ્લા જ રહેશે.

ત્રિકમભાઈ મારી જીતના પણ રેકર્ડ તોડશે : વાસણભાઈ આહિર

અંજાર : કચ્છની અંજાર બેઠક એ ભાજપનો ગઢ હતી, છે અને રહેશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સાદગીના પર્યાય એવા શિક્ષિત ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા અંજાર બેઠક પર મારી જીતના રેકર્ડ તોડીને ઐતિહાસિક જીત તરફ અગ્રેસર છે તેવો વિશ્વાસ પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે વ્યક્ત કર્યો હતો. કચ્છ ઉદય સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ આ વખતે મારા બદલે મારા જ કૌટુંબિક ભાઈ એવા પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગાને ટિકીટ ફાળવી છે ત્યારે કાર્યકરોને મારો સંદેશ છે કે અંજારની બેઠક વાસણભાઈ જ લડી રહ્યા છે તેમ સમજીને જ પ્રચાર કાર્યમાં તમામ શક્તિ લગાવી આગળ વધવાનું છે. ભાજપ સંગઠનના બુથ અને પેજ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો બમણા જોશ સાથે પ્રચાર કાર્યમાં જોતરાઈ ગયા છે એ જોતા એવું લાગે છે કે આવનારી ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે. ગત બે ટર્મમાં અંજારની જનતાની સેવા કરવાની તક આપવા બદલ તેમણે ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુંં કે, અંજારમાં આરટીઓ, પીજીવીસીએલ, પાણી પુરવઠા વગેરે સહિતની કચેરીઓને કાર્યરત કરાવવામાં મને સફળતા મળી હતી. ૩૫૦૦ કરોડના પ્રજાકીય કાર્યોની મૂડી લઈ અમે અંજારના મતદારો સમક્ષ જઈ રહ્યા છીએ.આજે અંજારની સરકારી શાળાઓમાં મફત અંગ્રેજી શિક્ષણ પણ બાળકોને મળતું થયુું છે. શિક્ષણ ઉપરાંત આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના વિસ્તારના લક્ષ્યાંક સાથે તેમણે કરેલી કામગીરીને હવે ત્રિકમભાઈ છાંગા આગળ લઈ જશે તેવી ખાતરી તેમણે ઉચ્ચારી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહ્યું છે. ગુજરાતમાં પણ ડબલ એન્જિનની સરકારે વિકાસને પોતાનો મૂળ મંત્ર બનાવી અનેક લોક કલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકી હતી. આજે કચ્છ અને રાજ્યની જનતાને ભાજપ પર પૂર્ણ ભરોસો છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે કોઈ જ મુદ્દા નથી. ભાજપ પોતાના વિકાસનું ભાથું લઈને ચૂંટણી જંગમાં મેદાને છે ત્યારે કચ્છની તમામ ૬ બેઠકો ઉપરાંત રાજ્યમાં જંગી બહુમતિ સાથે વિજય નિશ્ચિત હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.