મીઠાની ભાડાપટ્ટાની જમીનો પર બિનખેતીનો કર હટાવાયો, પણ અમલવારી કયારે ?

વહિવટી આંટીઘુંટી અને જટીલ નિયમોથી મીઠાની લીઝો રિન્યુ કરવાની કામગીરી કલેકટર કક્ષાએ અટકાવાઈ હતી : સરકારે ૧૦ વર્ષ બાદ બિનખેતીનો કર હટાવી તો લીધો પરંતુ મીઠાની લીઝો ઝડપથી રિન્યુ થાય તો જ નિર્ણય ઉપયોગી સાબિત થાય : ધ ઈન્ડીયન સોલ્ટ મેન્યુફકેચરર્સ એસો.એ નિર્ણયને આવકાર્યો

ગાંધીધામ : દેશ અને રાજ્યમાં સૌથી વધુ મીઠુ કચ્છમાં ઉત્પાદીત થાય છે, પરંતુ નમક ઉદ્યોગને વર્ષોથી ભાડાપટ્ટાની જમીનની લીઝ રીન્યુ થાય તેવી માંગણી હતી. જો કે વહિવટી આંટીઘુટી અને જટીલ નિયમોના કારણે કલેકટર કક્ષાએથી મીઠાની લીઝો રિન્યુ થતી ન હતી. અંતે ૧૦ વર્ષ બાદ સરકારે મીઠા ઉદ્યોગના હિતમાં નિર્ણય લઈ મીઠાની ભાડાપટ્ટાની જમીનો પર સૂચિત બિનખેતી કર હટાવી લીધો છે. જો કે આ નિર્ણયને આવકાર મળ્યો છે, પરંતુ મીઠાની લીઝો ઝડપથી રિન્યુ થાય તો નમક ઉદ્યોગની ગાડી પાટા પર આવે અને ઉદ્યોગને વેગ મળે ત્યારે જ સંવેદનશીલ સરકારની જાહેરાત સાચી ગણાશે.ધ ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિએશન ‘ઈસ્મા’ના પ્રમુખ બી.સી. રાવલની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ર૦૧૧માં મીઠાની ભાડાપટ્ટાની જમીન ઉપર જમીનભાડુ, પંચાયત કર, પંચાયત ઉપકર અને શૈક્ષણિક કર ઉપરાંત બિનખેતી આકાર લેવાનો પ્રસ્તાવ ઠરાવેલ, જે ખરેખર તો મહેસુલી અધિનિયમ મુજબ મીઠુ પકવવાની ભાડાપટ્ટાની જમીનને લાગુ પાડી શકાય તેમ નહોતું અને જે તે સમયે મીઠા ઉત્પાદકોના એસોસિએશન ધી ઈન્ડીયન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિશેન (ઈસ્મા) દ્વારા વારંવાર રજૂઆતો કરવાના અંતે વિચારણા અર્થે મોકૂફ રાખેલ અને જે તે સમયે વિભાગ દ્વારા ભાડાપટ્ટો રીન્યુ કરવાનો થતો હોય તેવા ઉત્પાદકો પાસે જો આવો બિનખેતી કર લેવા પડે તો તે ભરવા શરતી બાંહેધરી પત્રક પણ લેવામાં આવેલા અને આ કારણોસર છેલ્લા ૧ર વર્ષથી મીઠાની જમીનનો ભાડાપટ્ટો રિન્યુ કરવામાં આવતા ન હતા, જેના કારણે મીઠા ઉદ્યોગ અને લીઝધારકોને મુશ્કેલી પડતી હતી. ર-૯-ર૦ના બિનખેતી કર લાગુ પાડવા માટે નોટીફીકેશન બહાર પાડીને કાયદેસર રીતે અસરકર્તા વ્યક્તિ અને મીઠા ઉત્પાદકો પાસે વાંધાઓ મંગાવવામાં આવેલ હતા. ઈસ્માના વડપણ હેઠળ મીઠા ઉત્પાદક જિલ્લાઓના પ્રાદેશીક એસો અને વ્યક્તિગત લીઝધારકો દ્વારા કાયદાની જોગવાઈ મુજબ લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવેલ હતો. જેમાં જમીન પ્રથમથી જ ખેતી લાયક નથી તે જમીન પર આવો કર લગાડવો ન્યાયોચીત ન કહેવા, ઉપરાંત મહેસુલ અધિનિયમ કલમ ર૧૪ની જોગવાઈ મુજબ વર્ષ ૧૯૬૪થી બિનખેતી આકારની રકમ શૈક્ષણિક કરના ભાગરૂપે ઉઘરાવવામાં આવે જ છે ત્યારે આવો બિનખેતી કર મીઠાની ભાડાપટ્ટાની જમીન પર લાદી અને તેના બહાના હેઠળ મીઠાની લીઝોના ભાડાપટ્ટા રીન્યુ થતા અટકાવવા યોગ્ય નથી. આમ સૈદ્ધાંતિક અને ન્યાયીક રજૂઆત ઈસ્મા દ્વારા મીઠા ઉદ્યોગમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરવા તથા બેઠકોના અંતે સરકાર દ્વારા વાંધાઓને ઉચિત સમજી મીઠાની ભાડાપટ્ટાની જમીન ઉપર સૂચિત બિનખેતી કરના વધારાના કરબોઝને મહેસૂલ વિભ્ગ દ્વારા તા. રપ-૬-ર૧ના નોટીફીકેશન દ્વારા રદ્દ કરવાનું ઠરાવવામાં આવેલ છે અને તે માટે સમગ્ર મીઠા ઉત્પાદકોએ સરકારનો આભાર માન્યો છે.ઉલ્લેખનીય છે કે ૧૦ વર્ષથી વધુ સમયથી આવા વહિવટી કારણોસર મીઠાની લીઝો રીન્યુ કરવાની કામગીરી કલેકટર કક્ષાએ અટકાવવામાં આવેલી છે તે તાત્કાલિક ધોરણે રીન્યુ કરવામાં આવે અને ૩૦૦ એકર સુધીના મીઠાની જમીનના ભાડાપટ્ટા કલેકટર કક્ષાએ જ રીન્યુ કરવાનું ઠરાવવામાં આવેલ છે. તેનો ખરેખર અમલ કરાવવામાં આવે ત્યારે આ નિર્ણયની સંવેદના મીઠા ઉદ્યોગને મળશે.