કચ્છમાં ઉમેદવારી ફોર્મ ચપાચપ ઉપડ્યા : નામાંકન શૂન્ય

0
48

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું ગત તા.પ નવેમ્બરના બહાર પાડવામાં આવ્યું હતું. કચ્છની તમામ છ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે.

તા.પના જાહેરનામું બહાર પડ્યા બાદ કચ્છની છ બેઠકો માટે ઉમેદવારી પત્રક સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ગઈકાલ સુધી કામકાજના ત્રણ દિવસોમાં એકપણ નામાંકન પત્ર રજૂ થયું નથી. જાેકે, કચ્છની છ વિધાનસભા બેઠકો માટે અંદાજે ૧પ૦થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. સૌથી વધુ ફોર્મ ભુજ વિધાનસભા બેઠક માટે ઉપાડવામાં આવ્યા છે. રર વ્યકિતઓ દ્વારા ૪૩ ફોર્મ ગઈકાલ સુધી ઉપાડવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર કોઈપણ એક વ્યકિત વધુમાં વધુ ચાર ફોર્મ લઈ શકે છે. ૧-અબડાસા બેઠક માટે અંદાજે ૧૭ ફોર્મ, ર-માંડવી બેઠક માટે રપ ફોર્મ, ૪-અંજાર બેઠક માટે ૩૦થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ૭ વ્યકિત અને રાપર બેઠક માટે રાપર મામલતદાર કચેરીએથી ૩ જયારે ભચાઉ કચેરીથી ૬ વ્યકિતઓએ ફોર્મ લીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં ગઈકાલ સુધીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કોંગ્રસ પક્ષ દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામની સતાવાર જાહેરાત થઈ નથી. આવતીકાલ સુધીમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે. ત્યારે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયામાં છેલ્લી ઘડીએ ધમધમાટ જાેવા મળશે. તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આગામી તા.૧ર અને ૧૩ના રજાનો દિવસ હોવાથી તા.૧૧ અને ૧૪ નવેમ્બર ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે ભારી ઘસારો રહેશે તેવું અનુમાન છે.